તબીબ આંદોલન:આવતી કાલે ગુજરાતમાં કોવિડ સિવાયની સારવાર બંધ, 30 હજારથી વધુ ડોક્ટરોની હડતાલ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવતાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તેના વિરોધમાં આવતીકાલે એક દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલમાં ગુજરાતના 30,000થી વધુ ડોક્ટરો જોડાશે અને તેઓ ઈમરજન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરીથી અળગા રહેશે. આ હડતાલ વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી યથાવત રહેશે. જો કે હડતાલ દરમિયાન કોઈ પ્રકારના દેખાવો કે વિરોધ કરવાની જગ્યાએ શાંતિપૂર્વક કામગીરીથી દૂર રહેવાનો આઈએમએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાતના સેક્રેટરી ડો. કમલેશ સૈનીએ Divyabhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આવતીકાલે શુક્રવારે તમામ પ્રકારની બિન- કોવિડ સેવાઓ જેવી કે ઓપીડી, પ્લાન્ડ સર્જરી, ઓપરેશન વગેરે બંધ રહેશે. ઇમરજન્સી, લેબર, પેથોલોજી અને કોવિડની સારવાર વગેરે ચાલુ રહેશે. કોરોનાના દર્દીઓને સારવાર મળી રહેશે. બાકી તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે.

ગત મંગળવારે ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન અને ધરણા કર્યા હતા
ગત મંગળવારે આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની મંજુરીના વિરોધમાં સુરત આઈએમએ સાથે જોડાયેલા તબીબો દ્વારા વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન અને ધરણા કર્યા હતા. આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા એમ.ડી. ડોક્ટરો 58 સર્જરી કરી શકે તે નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. તેમાં આયુર્વેદના ડોક્ટરો જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, નાક, ગળુ અને દાંતની પણ સર્જરી કરી શકશે તે માટે મોડર્ન મેડિસીન શાખાના તબીબો નારાજ થયા છે.

સરકારના આ નિર્ણયના વિરોધમાં આઈએમએ દ્વારા ગત મંગળવારે મજુરાગેટ, તાડવાડી રાંદેર રોડ, ભટાર, વરાછા, નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર અને કામરેજ ખાતે અલગ અલગ જગ્યાએ ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ત્યારે આવતી કાલે (11મી ડિસેમ્બરે) શહેરના 3000થી વધુ તબીબો અને 500 જેટલી હોસ્પિટલો અને નર્સીંગ હોમ સવારે 6:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા દરમિયાન પોતાના રૂટીન કાર્યથી દૂર રહેશે. જોકે આ સમય દરમિયાન ઈમરજન્સી અને કોવિડને લગતી સેવાઓ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...