એનબીએનું સર્ટિફિકેટ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું:કાયમી પ્રોફેસરો ન હોવાથી GTUની 300થી વધુ કોલેજોને NBAની માન્યતા ન મળી શકી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 34 કોલેજને ત્રણ વર્ષ માટે માન્યતા, ત્યાર બાદ ફરી રિન્યૂ કરાવવી પડશે
  • યુનિ.એ ડિપ્લોમા, UGની NBA સર્ટિફિકેટ ધરાવતી કોલેજોનું લિસ્ટ જાહેર કર્યું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)એ ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટમાં નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન (એનબીએ) સર્ટિફિકેટ ધરાવતી કોલેજોનું લિસ્ટ જાહેર કર્યું છે, પરંતુ જાહેર કરાયેલા લિસ્ટમાં કાયમી પ્રોફેસરના અભાવે જીટીયુની 400 કરતાં વધુ કોલેજોમાંથી માત્ર 34 કોલેજ પાસે એનબીએની માન્યતા છે. હાલમાં 34 કોલેજોને ત્રણ વર્ષ માટે માન્યતા અપાઈ છે.

વિદેશમાં અભ્યાસ અને નોકરી માટે એનબીએનું સર્ટિફિકેટ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું છે. થોડા સમય પહેલાં શ્રીલંકા સહિતના અન્ય બે દેશોમાં એનબીએ સર્ટિફિકેટ ન ધરાવતી કોલેજોમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓને નોકરીમાંથી છૂટા કરાયા હતા. ત્યાર બાદ એનબીએ વિશે કોલેજો જાગ્રત થઈ હતી. એનબીએની સ્થાપના દેશની ટેકનિકલ કોલેજોની ગુણાત્મક, સુવિધાઓની ક્ષમતા માપવા માટે થાય છે.

સંચાલકોના જણાવ્યા પ્રમાણે, એનબીએ માટે છેલ્લાં ત્રણ વર્ષના કોલેજોના હિસાબોની સાથે કાયમી પીએચડીની ડિગ્રી ધરાવતા ફેકલ્ટીની શરતા દરેક કોલેજ પૂરી કરી શકતી નથી, કારણ કે હાલમાં મોટા ભાગની કોલેજો પાસે પાર્ટ ટાઇમ અને માત્ર માસ્ટર ડિગ્રી પાસ ફેકલ્ટી જોવા મળે છે, જેના કારણે ઘણી કોલેજોએ એનબીએમાં ભાગ જ લીધો નથી.

માસ્ટર ડિગ્રીની એકેય કોલેજને એક્રેડિટેશન નહીં

જીટીયુએ જાહેર કરેલા એનબીએ ધરાવતી કોલેજોના લિસ્ટમાં તમામ અંડર ગ્રેજ્યુએટ, ડિપ્લોમાની કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે માસ્ટર ડિગ્રી ધરાવતી એકપણ કોલેજ કે કોર્સને એનબીએ એક્રેડિટેશન અપાયું હોવાનું જણાવ્યું નથી.

એનબીએ માટે આ મુખ્ય માપદંડ જરૂરી

  • એનબીએ સંસ્થાને નહીં પરંતુ કોર્સને જ એક્રેડિટેશન અપાય છે
  • પ્રોગ્રામ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા છે કે નહીં
  • વિદ્યાર્થીઓ માટેની સુવિધા
  • ટીચિંગ અને લર્નિંગ માટેની માળખાકીય સુવિધા
  • અભ્યાસ કરાવાતા પાઠ્યક્રમને ધ્યાને લેવાય છે.
અન્ય સમાચારો પણ છે...