• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • More Than 26000 Pits Have Been Filled In Ahmedabad, Road And Building Committee Chairman Went To Naroda Patiya And Reviewed The Patchwork Work

ખાડા પૂરાણ પૂરજોશમાં:અમદાવાદમાં 26000થી વધુ ખાડા પૂરાયા હોવાનો દાવો, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેને નરોડા પાટિયા જઈ પેચવર્ક કામગીરીની સમીક્ષા કરી

અમદાવાદ2 મહિનો પહેલા
ખાડા પૂરાણની કામગીરી જોવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન દોડી ગયા
  • પક્ષના ઠપકા બાદ ચેરમેન નરોડા પાટિયા પાસે રોડના પેચવર્કની કામગીરી જોવા રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન દોડી ગયા
  • 10 જેટલા પેવર મશીનથી કામ ચાલે છે અને જરૂર પડશે તો બીજા મશીન પણ મંગાવાશે
  • અમદાવાદમાં ખાડા પૂરવા માટે 39,588,19 મેટ્રિક ટન હોટમિક્ષ મટિરીયલનો ઉપયોગ કરાયો

અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ રોડ તૂટેલા અને ધીમી કામગીરીના પગલે ભાજપ મોવડી મંડળ કોર્પોરેશનના હોદ્દેદારોથી નારાજ થયું હતું. ભાજપ પ્રભારી ધર્મેન્દ્ર શાહે મંગળવારે બેઠકમાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઇને કામગીરી મુદ્દે આડે હાથ લીધા હતા. પક્ષમાંથી ઠપકો મળ્યા બાદ આજે ઉત્તર ઝોનમાં નરોડા પાટિયા પર થઈ રહેલા પેચવર્કની કામગીરીની ઓચિંતી મુલાકાત લેવા ચેરમેન મહાદેવ દેસાઇ પહોંચ્યા હતા. રોડના પેચવર્કની કામગીરીની તેઓએ સમીક્ષા કરી હતી. અમદાવાદ શહેરમાં 26000 જેટલા ખાડા પડ્યા છે જેને પૂરવામાં આવ્યા હોવાનો દાવો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

20 ટન હોટમિક્ષ મટિરીયલની ગાડીથી કામગીરી
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, નરોડા પાટિયા ખાતે રોડની કામગીરી 20 ટન હોટમિક્ષ મટિરીયલની ગાડીથી કામગીરી કરવામાં આવી છે. રોડ રસ્તા પર પડેલા ખાડા એકલા વરસાદના નથી પડ્યા. ગટર લાઇન, પાઇપ લાઇન, ઉપરાંત ખાનગી કંપનીઓના કેબલ નાખવા માટે પણ ખોદકામ કરેલું છે. આ તમામ જગ્યાઓ પર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. હાલ 10 જેટલા પેવર મશીનથી કામ ચાલી રહ્યું છે અને વધુ જરૂર પડશે તો બીજા મશીન પણ મંગાવવામાં આવશે.

નરોડા પાટીયા વિસ્તારમાં પેચવર્કની કામગીરી ચાલી રહી હતી
નરોડા પાટીયા વિસ્તારમાં પેચવર્કની કામગીરી ચાલી રહી હતી

તમામ રોડના ખાડા પૂરાશે
દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદમાં ખાડા પૂરવા માટે 39,588,19 મેટ્રિક ટન જેટલો હોટમિક્ષ મટિરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને છેલ્લા દસ દિવસમાં 24770 મેટ્રિક ટન જેટલા હોટમિક્ષ વાપરવામાં આવ્યો છે. અમદાવાદનાં તમામ રોડ પર પડેલા ખાડા પૂરી દેવામાં આવશે. પરંતુ હજી સુધી 26 હજાર જેટલા જ ખાડા પૂરવામાં આવ્યા છે. હજી પણ કેટલાક ખાડા રસ્તા પર બાકી રહ્યા છે જેનું પેચવર્ક ચાલી રહ્યું છે.

ચેરમેન મહાદેવ દેસાઈ હવે ચેરમેન પદ બચાવવા માટે હવે રોડ પર ઉતર્યા
ચેરમેન મહાદેવ દેસાઈ હવે ચેરમેન પદ બચાવવા માટે હવે રોડ પર ઉતર્યા

ભાજપ પ્રભારીએ ચેરમેનનો ઉધડો લીધો હતો
શહેરમાં દરેક વિસ્તારમાં ખાડાઓ અને રસ્તાઓ તૂટેલા હોવા છતાં કોર્પોરેશન દ્વારા પૂરવામાં કામગીરી નબળી હતી. જેથી ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહે મંગળવારી બેઠકમાં ચેરમેનનો ઉધડો લઈ અને કામગીરી લેતા શિખામણ આપી હતી. આડકતરી રીતે ચેરમેન પદ પણ પરત લઇ લેવાની ધમકી આપતા ચેરમેન મહાદેવ દેસાઈ હવે ચેરમેન પદ બચાવવા માટે તેઓ હવે રોડ પર ઉતર્યા છે. કમિટીમાં કરોડો રૂપિયાના કામો બારોબાર મંજૂર કરી દેવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટીમાં કામો પણ રોકવા પડ્યા હતા.