બાળકોએ 150થી વધુ જાતના ફૂલ-છોડને નીહાળ્યાં:પ્રથમ દિવસે જ 2,000થી વધુ વિદ્યાર્થીઓએ ફલાવર શોની મુલાકાત લીધી

એક મહિનો પહેલા

અમદાવાદ શહેરમાં હાલ મેળાવડાંનો માહોલ સર્જાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્રારા ફલાવર શોની ભવ્ય ઉજવણી થઇ રહી છે. આ ફલાવર શોમાં જાતજાતના અને ભાતભાતના ફૂલોની જાણકારીથી માંડીને માહિતી મેળવી શકે તે હેતુસર મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને મ્યુનિસિપલ શાળાના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ફલાવર શોની મુલાકાત લેવડાવવા માટે સૂચના જારી કરી છે. આ સૂચનાના પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (સ્કૂલ બોર્ડ) દ્રારા આજે તા. 5મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધીમાં 300થી વધુ મ્યુનિસિપલ શાળાના ધોરણ 6થી 8ના 30 હજાર વિદ્યાર્થીઓ ફલાવર શોની મુલાકાત લેશે.

ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા આયોજીત ફલાવર શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. 31-12-2022ના રોજ શુભારંભ કરાવ્યો હતો. આ ફલાવર શોની અંદર દેશ-વિદેશના 150થી વધુ જાતના ફૂલ-છોડના 10 લાખથી વધુ રોપાની બેનમૂન મનમોહક જાતો છે. આ નયનરમ્ય નજરાણું જોવા માટે ગુજરાત રાજયમાંથી મોટી સંખ્યામાં શાળાઓના વિદ્યાર્થીઓ મુલાકાત લઇ રહ્યાં છે. પ્રાથમિક કક્ષાએથી જ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગુતિ વધે, પર્યાવરણનું મહત્વ સમજતાં થાય અને વિવિધ ફૂલ-છોડથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ લઇ શકે તે માટે આયોજન કરવા સ્કૂલ બોર્ડને સૂચના આપી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આજે એટલે કે, તારીખ 5મીના પ્રથમ દિવસે જ 50 જેટલી બસોમાં મ્યુનિસિપલના 2,000થી વધુ વિદ્યાર્થીઓ ફલાવર શોની મુલાકાત લીધી હતી. જેમાં ભિક્ષા નહીં શિક્ષાની 12 બસોના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

300થી વધુ શાળા ફલાવર શોનો લાભ લેશેઃ ડો. લગધીર દેસાઇ
આ અંગે દિવ્ય ભાસ્કરને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. લગધીર દેસાઇએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન સરની સૂચનાથી સ્કૂલ બોર્ડ દ્રારા મ્યુનિસિપલની 300થી વધુ શાળાના 30 હજાર જેટલાં વિદ્યાર્થીઓ ફલાવર શોની મુલાકાત લેશે. આ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવશે. તારીખ 5મીથી 12મી જાન્યુઆરી સુધી સવારે 9થી 12 સુધી આયોજનબદ્ધ પ્લાનિંગ કર્યું છે. આ વિદ્યાર્થીઓ ફલાવર શોની મુલાકાત લઇને પર્યાવરણના જતન સહિત ફૂલ-છોડ, પ્લાન્ટેશનને ઓળખશે અને ભારતીય આર્યવેદની અમુત સમાન જડ્ડીબુટ્ટીની અતિ રસપ્રદ વાત ફલાવર શોમાં કરવામાં આવી છે. આ શોમાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે મઝા પણ પુરી પાડશે.

દરેક શાળાના વિદ્યાર્થીઓ મુલાકાત લે તેવું આયોજન
આ સૂચનાના પગલે સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઇએ ફલાવર શો-2023ની 300થી વધુ મ્યુનિસિપલ શાળાના 30 હજારથી વધુ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને 12મી જાન્યુઆરી સુધી તમારા ઝોન હસ્તકની વધુમાં વધુ શાળાઓના વિદ્યાર્થીઓ મુલાકાત લે તે પ્રકારની આયોજનબધ્ધ આગોતરી વ્યવસ્થાઓ ગોઠવવા સૂચના જારી કરી છે.

કઇ કઇ સૂચના જારી કરાઇ

  • જે તે શાળાના મુખ્ય શિક્ષકે ડાયરેકટર, પાર્કસ એન્ડ ગાર્ડનને સંબોધીને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે શાળાના લેટરપેડ ઉપર વિદ્યાર્થીઓની વિગતો દર્શાવતો પત્ર લખવો.
  • આ શો માટે ગેટ નંબર 4થી પ્રવેશ લેવો અને ગેટ નંબર 1થી બહાર નીકળવું.
  • આ શોનો સમય સવારે 9થી 12 વાગ્યા સુધીનો છે.
  • સિગ્નલ સ્કૂલના વિદ્યાર્થીઓ તા.5મી જાન્યુઆરીના રોજ મુલાકાત લે તે માટેનું પ્લાનીંગ કરવું.
  • મદદનીશ શાસનાધિકારી (વહીવટ)એ ડાયરેકટર, પાર્કસ એન્ડ ગાર્ડનને અત્રેથી પત્ર લખવો.
  • આ મુલાકાત માટે અગાઉથી વાલીઓની મંજુરી લેવી.
  • આ મુલાકાતને રાજય સરકારે પરિપત્ર કરેલ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત ગણવામાં આવશે.
  • દરેક ઝોનમાંથી રોજની એક બસની વ્યવસ્થા કરવા માટે નાયબ શાસનાધિકારી ડો. અશ્વિન ત્રિવેદીનો સંપર્ક કરવો.
  • ઝોન કક્ષાએથી બાળકોને તારીખ 5મી જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી મોકલવાની કાર્યવાહી કરવી.
  • સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે શાળાઓમાં પરિવહન સુવિધા ઉપલબ્ધ છે. તેવી શાળાઓએ આ સુવિધાનો લાભ લઇ તમામ બાળકોને અદ્દભૂત નજરાણાંનો લાભ મળે તે જોવાનું રહેશે.
અન્ય સમાચારો પણ છે...