ગુજરાતમાં ઝડપભેર થઇ રહેલા વિકાસને પગલે ખેતીલાયક જમીન ઘટી ગઇ છે, જેને ધ્યાનમાં રાખીને ખેડૂતો હવે વિદેશોમાં જમીન લઇને ખેતી કરી રહ્યા છે. રાજ્યના લગભગ 1,800થી 2 હજાર ખેડૂતો વિદેશોમાં જઇને ખેતી શરૂ કરી ચૂક્યા છે. છેલ્લાં 5 વર્ષમાં આ ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. અત્યાર સુધીમાં કુલ 20 આફ્રિકન દેશમાં અંદાજે 10 લાખ એકર જમીન પર ગુજરાતીઓ ખેતી કરી રહ્યા છે, જેમાંથી અંદાજે 17 લાખ ટન અનાજ દર વર્ષે ભારતમાં લવાય છે.
ગુજરાતીઓ આફ્રિકા ઉપરાંત ટાન્ઝાનિયા અને ઉઝ્બેકિસ્તાનમાં પણ ખેતી કરી રહ્યા છે, જેમાં વિવિધ ઔષધીઓ, ઋતુ પ્રમાણેનાં શાકભાજી અને હીંગની ખેતી સામેલ છે. તેઓ આવનારા સમયમાં મોટા પાયે પશુપાલનની પણ તૈયારી કરી રહ્યા છે.
નીચી પડતરને કારણે પણ ખેડૂતો વિદેશો તરફ વળ્યા
આફ્રિકન દેશોમાં જમીનો ઘણી સસ્તી
સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના અધ્યક્ષ પરાગ તજુરાએ જણાવ્યું કે 5 વર્ષમાં ઘણા ખેડૂતો વિદેશમાં ખેતી કરતા થયા છે, જેનું મોટું કારણ નીચી પડતર છે. આફ્રિકન દેશોમાં જમીનો ઘણી સસ્તી છે. મોટા ભાગનું અનાજ ત્યાંની સરકાર જ ખરીદી લે છે.
4 વર્ષમાં ખેતી 2.2 લાખ એકરમાંથી 10 લાખ એકર જમીનમાં વિસ્તરી
વર્ષ 2017માં આફ્રિકન દેશોએ ગુજરાતને કુલ 2.2 લાખ એકર જમીન આપવાનું નક્કી કર્યું હતું, જેથી ત્યાંની ઉજ્જડ જમીન પર ખેતી થઇ શકે છે. ગુજરાતના ખેડૂતોએ સરકારની મદદથી સોયાબીન અને શાકભાજીની ખેતીમાં ઝડપથી વૃદ્ધિ દર્શાવી. ત્યાંના અધિકારીઓએ કહ્યું કે તેમની પાસે ઘણી ખાલી જમીનો પડી છે પણ કુશળ વ્યવસ્થાના અભાવે ખેતી નહોતી કરી શકાતી. તેમને વિશ્વાસ છે કે કોરોનાકાળ બાદ ગુજરાતના ઘણા ખેડૂતો આફ્રિકાના 54 દેશમાં મૂડીરોકાણ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.