અંગદાન વેગવંત બન્યુ:અમદાવાદ સિવિલના તબીબોની મહેનતનું પરિણામ, 520 દિવસમાં 67 મૃતકોના 200થી વધુ અંગોનું દાન મળ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલમાં અંગદાન કરનારા મૃતકના સગા સાથે તબીબોની તસવીર - Divya Bhaskar
સિવિલમાં અંગદાન કરનારા મૃતકના સગા સાથે તબીબોની તસવીર
  • સિવિલમાં મળેલા અંગોના દાનનું 187 જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરાયું

સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબોએ આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના 520 દિવસમાં 67 બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં મળેલા 210 અંગોથી 187 પીડિત જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમના 10 સભ્યોની દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક મહેનત અને અથાગ પરિશ્રમના પરિણામે 210 અંગોના રીટ્રાઇવલમાં અંદાજીત 2000થી વધુ કલાકોની મહેનતનું આ પરિણામ છે કે આજે 187 વ્યક્તિઓનું જીવન પીડામુક્ત કરવામાં સફળતા મળી છે.

અંગોના રીટ્રાઇવલમાં 8થી 10 કલાકનો સમય લાગે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, દર્દીને જ્યારે બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે છે ત્યારે દર્દીને આઇ.સી.યુ.થી રીટ્રાઇવલ સેન્ટર સુધી લઇ જઇ અંગોને રીટ્રાઇવલ કરવાની સમગ્ર પ્રક્રિયામાં 8 થી 10 કલાક જેટલો સમય લાગતો હોય છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની શરૂઆત થઇ ત્યારે લગીરેય વિચાર્યું ન હતું કે અંગદાનનો સેવાયજ્ઞ આટલી ઝડપે વેગવંગો બનશે. આજે સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોના પરિણામે જ આ સફળતા મળી છે. આગામી સમયમાં આ સિધ્ધિને વધુ જ્વલંત બનાવીને વધુમાં વધુ લોકોને નવજીવન આપવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર કટિબધ્ધ છે.

અત્યાર સુધીમાં 108 કિડની, 57 લીવર અને 14 હૃદયનું દાન મળ્યું
અંગદાતાઓ દ્વારા અંગદાનમાં મળેલા અંગોની વિગત જોઇએ તો અત્યાર સુધીમાં 108 કિડની, 57 લીવર, 7 સ્વાદુપિંડ, 14 હ્યદય, 6 હાથ અને 9 ફેફસાનું દાન મળ્યું છે. જેને વર્ષોથી અંગોની ખોડખાંપણથી પીડિત દર્દીઓનું જીવન બદલ્યું છે. 67માં અંગદાનની વિગત જોઇએ તો મહેસાણા જીલ્લાના 33 વર્ષીય મુકેશભાઇ પરમારને હેમરેજ થતા તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવતા બે કિડનીનું દાન મળ્યું છે.

26 વર્ષના મહિલાના હૃદય, કિડની, હાથ અને લીવરનું દાન
66માં અંગદાનમાં અમદાવાદના ખેંગારસિંહ રાઠોડને માર્ગ અકસ્માત થતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી, પરંતુ જ્યારે તેમને રીટ્રાઇવલ માટે સેન્ટરમાં લઇ જવામાં આવ્યા તે સમયે સર્જીકલ કારણોસર અંગોનું રીટ્રાઇવલ થઇ શક્યું નહીં. 65માં અંગદાનની વિગતમાં 26 વર્ષના મેઘાબેનને પણ બ્રેઇનહેમરેજ થતા પરિવારજનોની અંગદાન માટેની સંમતિ બાદ હ્યદય, બંને કિડની, લીવર, અને બંને હાથનું દાન મળ્યું. જેમાં હાથને ચેન્નાઇની હોસ્પિટલ અને હ્યદયને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું. જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની આઇ.કે.ડી.આર.સી. હોસ્પિટલમાં દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...