કોરોનાનાં કમૂરતા:અમદાવાદમાં બે દિવસમાં યોજાનારાં 1500થી વધુ લગ્નો અટવાઈ પડ્યાં, AMCના 16 હોલમાં થયેલા લગ્ન સહિતનાં બુકિંગો રદ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન માટે પોલીસ નોંધણી ફરજિયાત, હાજર રહેનારા મહેમાનોની યાદી આપવી પડશે

કર્ફ્યૂ દરમિયાન લગ્નપ્રસંગ માટે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનની મંજૂરી ફરજિયાત કરાઈ છે અને લગ્નમાં હાજર રહેનારા 200 લોકોની યાદી પણ આપવી પડશે. કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ ડીસીપી મુકેશ પટેલના કહેવા મુજબ, કર્ફ્યૂના 2 દિવસ દરમિયાન લગ્ન, રિસેપ્શન તેમ જ બેબી શાવર સહિતની 18 ઇવેન્ટનાં બુકિંગ થયેલાં છે, જ્યારે ઇવેન્ટ આયોજકોના કહેવા પ્રમાણે શહેરમાં 1500થી વધુ લગ્નો શનિ અને રવિવારે છે.

ઇવેન્ટ ઓર્ગેનાઇઝર મિતેશ જૈનના કહેવા મુજબ, અમદાવાદમાં 750 ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે. કર્ફ્યૂના બે દિવસ દરમિયાન લગ્નનાં કામ મળ્યાં હતાં, જે કર્ફ્યૂના કારણે કેન્સલ થઈ ગયાં છે. સંખ્યાબંધ લોકોએ રિસેપ્શન પણ કેન્સલ કર્યાં છે. લગ્નો રદ થતાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સંખ્યાબંધ લગ્નોની કંકોત્રી પણ છપાઈ ગઈ છે. ઘણા લોકોના ઘરે મહેમાનો પણ આવી ગયા છે ત્યારે લગ્ન યોજવા કે કેમ તે અંગે પણ મૂંઝવણ સર્જાઈ છે. બીજી તરફ 30 નવેમ્બર સુધી લગ્નનાં મુહૂર્ત છે ત્યારે ડિસેમ્બરમાં પણ થોડાં ઘણાં મુહૂર્ત છે. જો કર્ફ્યૂ લંબાવે તો લગ્ન સિઝન પર માઠી અસર ઊભી થઈ શકે તેમ છે અને હજારો લોકોની રોજીરોટી પણ છીનવાઈ શકે છે. આ અંગે પણ રાજ્ય સરકારે વિચારવું જોઈએ અને લગ્ન જેવા પ્રસંગને સ્પેશિયલ કેસ સમજી છૂટછાટ આપવી જોઈએ.

કાર્ડ છપાવ્યાં હતાં, હવે રિસેપ્શન કેન્સલ કર્યું
રિસેપ્શનનું આયોજન કરનાર કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે, મારા ભાઈના મેરેજ બાદ અમે શનિવારનો મોકો જોઈ રાત્રે પાર્ટી પ્લોટમાં રિસેપ્સનનું આયોજન કર્યું હતું. જે માટે તૈયારી રૂપે કેટલાક પેમેન્ટ એડવાન્સ પણ થઈ ગયા હતા, પત્રિકાઓ પણ છપાઈ ગઈ હતી. હવે કર્ફ્યૂને કારણે અમારે રિસેપ્સન કેન્સલ રાખવું પડ્યું. કેટરિંગ, પાર્ટી પ્લોટવાળા વગેરેને ના કહેવું પડ્યું. કેટલાક ગેસ્ટ દૂરથી વહેલા આવી ગયા હોવાથી તેમને ટેક્સી કરી પરત મોકલી દીધા.

લગ્ન હોવાથી મહેમાન આવી ગયા છે
હીરાલાલ બજાજે જણાવ્યું હતું કે, હાલમાં કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયો છું. ખૂબ હરખ સાથે રવિવારે દીકરાના લગ્ન લીધાં છે. ઘરમાં બહારગામથી મહેમાન આવી ગયા છે, વિધિ શરૂ થઇ ગઇ છે અને મુશ્કેલી આવી પડી છે. એક વખત લગ્નનાં મુહૂર્ત નીકળ્યા પછી કેન્સલ થઇ શકે તેમ નથી, તો બીજી તરફ કોર્ટ બંધ હોવાથી કોર્ટ મેરેજ પણ થઇ શકે તેમ નથી.

કેન્સલ બુકિંગનું રિફંડ ચૂકવવામાં આવશે
મ્યુનિ. સંચાલિત હોલ, પાર્ટીપ્લોટમાં થયેલા 16 જેટલા બુકિંગને મ્યુનિ.એ રદ કરી દીધા છે. શનિવારે અને રવિવારે બે દિવસ કર્ફ્યૂની સ્થિતિમાં તમામ પ્રસંગો મ્યુનિ. હોલ કે પાર્ટી પ્લોટમાં યોજી શકાય તેમ નથી. મ્યુનિ.સંચાલિત હોલ અને પાર્ટીપ્લોટમાં 16 જેટલા બુકિંગ શનિવાર અને રવિવારના રોજ થયા હતા. કર્ફ્યૂ જાહેર થયા બાદ જ મ્યુનિ. તંત્ર દ્વારા બુકિંગ કરાવનારને જાણ કરી હતી કે, કર્ફ્યૂની સ્થિતિમાં તેમનું બુકિંગ ચાલુ રાખી શકાય તેમ નથી. આ સંજોગોમાં તેમને રિફંડ ચૂકવવામાં આવશે. જ્યારે હાલ તેમનું બુકિંગ રદ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકડાઉન થયું ત્યારે પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને સંખ્યાબંધ બુકિંગ રદ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...