• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • More Than 150 Elephants Get A New Lease Of Life, 500 Acres Of Miyawaki Forest And The Country's First State of the art Elephant Hospital

ગુજરાત બન્યું હાથીઓનું સાથી:150થી વધુ હાથીને નવું જીવન મળ્યું, 500 એકરમાં મિયાવાકી જંગલ અને દેશમાં પહેલી સ્ટેટ ઓફ આર્ટ એલિફ્ન્ટ હોસ્પિટલ

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: ઝુલ્ફીકાર તુંવર
  • કૉપી લિંક
  • ઘણાં રાજ્યના હાથીઓને આશરો: તરછોડાયેલા, ઉંમરલાયક, બીમાર હાથી માટે હૂંફનું સરનામું
  • કેર સેન્ટરમાં ખાસ તળાવ બનાવાયાં, હાથીઓને ફરવા-ચરવા માટે ખાસ ટ્રેક

એ હાથીનું મૂળ કામ સર્કસમાં અવનવા ખેલ દેખાડી લોકોને ખુશ કરવાનું હતું. તે પૂરી ઇમાનદારીથી પોતાની ફરજ નિભાવતો હતો પણ એક દિવસ સર્કસમાં આગનો બનાવ બન્યો અને એ હાથી પણ આગનો શિકાર બન્યો. એ હવે સર્કસના કામનો નહોતો રહ્યો. એ હાથીની કુદરતી રંગવાળી ચામડી પણ નહોતી રહી. એની માટે દેવદૂત બન્યું જામનગર નજીક આવેલું રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ.

આવા અનેક કિસ્સા આ કેન્દ્રમાં સાંભળવા મળશે
અહીં 150થી વધુ તરછોડાયેલા, ઇજાગ્રસ્ત, ઉંમરલાયક હાથીઓની સારસંભાળ રખાય છે. આજે એ હાથી સંપૂર્ણ સ્વસ્થ છે. અન્ય એક હાથી ઉંમરના કારણે આર્થરાઇટિસથી પીડાતો હતો. આજે સારવારના કારણે તે પોતાની મેળે ચાલી પણ શકે છે. આવા અનેક કિસ્સા આ કેન્દ્રમાં સાંભળવા મળશે. અહીં હાથીઓને નામ પણ અપાયાં છે. જેમ કે, એક બેબી એલિફન્ટનું નામ સૂર્યવંશી છે, તો કોઇનું નામ બોબી કે ચંપા.

હાથીઓ અહીં માત્ર સુખેથી જીવન જીવી રહ્યા છે
ગુજરાત આમ તો એશિયાટિક સિંહના એકમાત્ર રહેઠાણ તરીકે દુનિયામાં જાણીતું છે પણ હાથીઓ માટે સૌથી મોટું સાથી તરીકે ઊભરી રહ્યું છે. જામનગર નજીક ખાવડામાં રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંભાળ લેવાતા આ હાથીઓ અહીં માત્ર સુખેથી જીવન જીવી રહ્યા છે, આરામ કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે. આ હાથીઓ કોઇ પ્રાણીસંગ્રહાલય, સર્કસ કે કોઇપણ પ્રકારની મનોરંજન પ્રવૃતિમાં ભાગ નથી લેતા.

અહીં 150થી વધારે હાથીની સારસંભાળ રખાય છે
અહીં માત્ર હાથીઓની સેવા થાય છે. હાલ અહીં 150થી વધારે હાથીની સારસંભાળ રખાઈ રહી છે. જેમને દેશના જુદાં-જુદાં રાજ્યો જેવાં કે મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ વગેરેમાંથી લવાયા છે. રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટને રિલાયન્સ દ્વારા પણ મદદ મળે છે. ટ્રસ્ટે આપેલી માહિતી પ્રમાણે, 2013-14માં શરૂઆત કરાઈ હતી.

હાથીઓને અહીં રાખવાનો હેતુ તેમને સારું રહેઠાણ
ટ્રસ્ટ દ્વારા હાથીઓની કોઇ ખરીદી કરાતી નથી, પરંતુ તરછોડાયેલા અને ઇજાગ્રસ્ત હાથીઓને સારસંભાળ માટે લવાય છે. સર્કસમાંથી કે ક્યાંય બીજી પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા હાથીઓને પણ અહીં રેસ્ક્યૂ બાદ રખાય છે. ઘણીવાર કોઇ વ્યક્તિ પાસે હાથી હોય અને તે સારસંભાળ લેવામાં સક્ષમ ના હોય એવા હાથીઓનું પણ અહીં સ્વાગત છે. હાથીઓને અહીં રાખવાનો હેતુ તેમને સારું રહેઠાણ મળે તે જ છે.

આ હોસ્પિટલમાં દરેક હાથી માટે પંખા, ફુવારા સાથે રહેવાની તમામ અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ
500 એકરથી વધારે જગ્યામાં માનવ નિર્મિત મિયાવાકી જંગલ બનાવાયું છે જેના કારણે અહીં તાપમાન જળવાયેલું રહે છે. ત્યાં હાથીઓ વિહરે છે. હાથીઓને હરવા, ફરવા અને ચરવા ખાસ ટ્રેક પણ બનાવાયા છે. દરેક હાથી માટે પંખા, ફુવારા સાથે રહેવાની પણ સુવિધા છે. હાથીઓને રહેવાની દરેક ખાસ જગ્યા બહારથી મંગાવેલા રબર ફ્લોરિંગથી સજ્જ છે. 100 એકરમાં દસ નાનાં તળાવ અને નવ હાઇડ્રો થેરેપી પૂલ છે. મોટાભાગના હાથીઓ ઉંમરલાયક અને આર્થરાઇટિસ હોવાથી હાઇડ્રો થેરેપી પૂલનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ઘણા બધા ફૂલટાઇમ અને પાર્ટટાઇમ પશુ ચિકિત્સકો કામ કરે છે. અહીં આયુર્વેદિક રીતે પણ હાથીઓની સારવાર કરાય છે.

દર મહિને આવે છે એલિફન્ટ મેન ઓફ ઇન્ડિયા
અહીં 300થી વધુ મહાવત છે, જેથી 24 કલાક દરેક હાથીની દેખરેખ રાખી શકાય. જરૂર પડ્યે અહીં વિદેશી નિષ્ણાતોનું માર્ગદર્શન પણ લેવાય છે. જાણીતા પશુુચિકિત્સક અને એલિફન્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા પદ્મશ્રી કુશાલકોંવર શર્મા અહીં દર મહિને આવે છે. હાથીઓના તણાવને ઘટાડવા અહીં બે બાયોલોજિસ્ટ છે કારણ કે, અહીં મોટાભાગના હાથીઓનો ભૂતકાળ આઘાતજનક છે.

હાઇડ્રોલિક ક્રેનની મદદથી સારવાર અને કસરત
અહીં સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ પણ છે, જ્યાં હાથીઓની સારવાર કરાય છે. અહીં એન્ડોસ્કોપી મશીન, સર્જરી સુવિધા, સિટી સ્કેન, હાઇડ્રોલિક ક્રેનની સુવિધા છે. હાથીઓને કસરત થાય તેનું પણ ધ્યાન રખાય છે. તેમનું ટેક્નોલોજી અને સોફ્ટવેરની મદદથી મોનિટરિંગ થાય છે. આ ટ્રસ્ટ દ્વારા દેશમાં પહેલીવાર હાથીઓ માટે એવી હોસ્પિટલ છે, જ્યાં હાઇડ્રોલિક ક્રેનની સુવિધા છે. જેના કારણે તબીબો હાથીઓને બહુ હેરાનગતિ ના થાય એ રીતે તેની દરેક બાજુથી તપાસ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...