હડતાળની નહીંવત અસર:રિક્ષા ચાલકોના આંદોલનમાં બે ફાંટા, મોટાભાગના યુનિયનો હડતાળમાં જોડાયા જ નહીં, રોડ પર રિક્ષાઓ રાબેતા મુજબ દોડતી દેખાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
વેજલપુર અને શિવરંજની પાસે રિક્ષાઓ રાબેતા મુજબ દોડતી દેખાઈ
  • કેટલાક રિક્ષાચાલક પ્રતિનિધિઓએ ઉભા રહી અવર-જવર કરતી રીક્ષાને રોકતા નજરે ચડ્યા

અમદાવાદ સહિત રાજ્યના રિક્ષાચાલકોનાં વિવિધ એસોસિયેશનો-સંગઠનો દ્વારા રચવામાં આવેલી સી.એન.જી. ભાવવધારા વિરોધી સમિતિ દ્વારા CNGનો ભાવવધારો પાછો ખેંચવા રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા પંદર હજારની સહાય, ચાલકો પર થતા પોલીસ અત્યાચાર બંધ કરવા વગેરે મુદ્દાઓ બાબતે 15 નવેમ્બર આખો દિવસ, 16 નવેમ્બર બપોર બાર વાગ્યા સુધી હડતાળ પાળશે. આ હડતાળમાં જોડાવા અંગે રિક્ષાચાલક યુનિયનમાં મતમતાંતર હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષાડ્રાઈવર યુનિયન દ્વારા હડતાળમાં નહીં જોડાવાની જાહેરાત પણ કરવામાં આવી છે. પરંતુ અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને મોળો પ્રતિસાદ મળ્યો છે.

દિવ્યભાસ્કરે હડતાળનો ગાઉન્ડ રીપોર્ટ કર્યો
દિવ્ય ભાસ્કરે અમદાવાદના વેજલપુર,પ્રહલાદનગર,જીવરાજ પાર્ક, મેમનગર, નવા વાડજ આરટીઓ સર્કલ પાસે રિક્ષા ચાલકોની હડતાળને લઈને શું પરિસ્થિતિ છે? તેની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. આ તમામ વિસ્તારના રસ્તા ઉપર રિક્ષા રાબેતા મુજબ દોડતી જોવા મળી હતી. બીજી તરફ જે રિક્ષાચાલક સંગઠનના પ્રતિનિધિઓ હડતાળની જાહેરાત કરી છે, તેઓ હડતાળને સફળ બનાવવા માટે કલેકટર કચેરી પાસે અવર-જવર કરતી રીક્ષાને રોકતા જોવા મળ્યા હતાં. રિક્ષા રોકી હડતાળમાં જોડાવવા માટે પણ આ પ્રતિનિધિઓએ સમજાવ્યા હતાં.

આજે રિક્ષા ચાલકોની હડતાળની નહિવત અસર જોવા મળી
આજે રિક્ષા ચાલકોની હડતાળની નહિવત અસર જોવા મળી

કલેક્ટર કચેરી પાસે રિક્ષા ચાલકો રાબેતા મુજબ જોવા મળ્યા
અમદાવાદ સહિત રાજ્યભરમાં રિક્ષા ચાલક સંગઠનોએ હડતાળની જાહેરાત કરી છે. જોકે મહત્વની વાત એ સામે આવી છે કે અમદાવાદમાં રીક્ષા ચાલકોની હડતાળને નહિવત પ્રતિસાદ મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કર દ્વારા અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં હડતાળને લઈને વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં મોટાભાગે રિક્ષા રસ્તા પર દોડતી જોવા મળી. મોટી વાત તો એ છે કે કલેકટર કચેરી પાસે કેટલાક રિક્ષાચાલક પ્રતિનિધિઓ ઉભા રહી અવર-જવર કરતી રીક્ષાને રોકતા નજરે ચડ્યા હતાં. CNG ભાવવધારા તથા અન્ય મુદ્દાઓને લઈને રીક્ષા ચાલક સમિતિએ બે દિવસની હડતાળની જાહેરાતો કરી છે. પરંતુ તેની અસર નહિવત પ્રમાણમાં જોવા મળી હતી.

મોટાભાગના રિક્ષાચાલકોએ હડતાળ અંગે વાકેફ હતા નહીં
આ બાબતે રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાનું કહેવું છે કે મોટાભાગના રિક્ષાચાલકોએ હડતાળ અંગે વાકેફ હતા નહીં ઉપરાંત અન્ય સંગઠનો કે જેના પ્રતિનિધિઓ ભારત ભાજપના મળતાં તરીકે કામ કરે છે તેમને પણ હડતાળને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાંય અમારી લડત ચાલુ રહેશે.રાજ્યના રિક્ષા ચાલકોના વિવિધ એસોસિએશનો દ્વારા રચવામાં આવેલ સી.એન.જી. ભાવ વધારા વિરોધી સમિતિ દ્વારા સી.એન.જી.ના ભાવ વધારો પાછો ખેંચવા, રિક્ષા ચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા પંદર હજારની સહાય, ચાલકો ઉપર થતા પોલીસ અત્યાચાર બંધ કરવા વગેરે મુદ્દાઓ બાબતે 15 નવેમ્બર આખો દિવસ, અને 16 નવેમ્બર બપોર બાર વાગ્યા સુધી હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણા
રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણા

આ માગ કરવામાં આવી છે
રિક્ષાચાલક સમિતિની મુખ્ય માગ છે કે CNGના ભાવ ઘટાડવા આવે. બીજાં રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે. સમિતિનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલમા વેટ ઘટાડીને ભાવ ઘટે તો CNGના ભાવમા કેમ નહીં. રિક્ષાચાલકો અને ટેક્સીચાલક પ્રતિનિધિઓનું કહેવું છે કે CNGમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે, જેથી CNGના ભાવમાં રૂપિયા 20થી 25 રૂપિયા ટેક્સ વસૂલાય છે. જેથી પ્રતિ કિલો 9 રૂપિયાનો ઘટાડો CNGના ભાવમાં કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે.