કોરોનાવાઈરસ:ગુજરાતમાં 15 દિવસથી રોજના 1300થી વધુ કેસ, પાટીલે કોરોનાને માત આપી, ભારદ્વાજ ગંભીર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે 1,349 નવા કેસો, કુલ કેસની સંખ્યા 1.16 લાખ પર પહોંચી

રાજ્યમાં છેલ્લા પખવાડિયાથી રોજના કોરોનાના 1300થી વધુ કેસ આવી રહ્યાં છે. બીજી બાજુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોરોનાને માત આપી છે જ્યારે રાજકોટના અગ્રણી વકીલ અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ ગંભીર છે.

બીજી બાજુ મંગળવારે રાજ્યમાં કોરોનાના 1,349 નવા કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,16,345 પર પહોંચ્યો છે. છેલ્લાં 24 કલાકમાં નવા નોંધાતા કેસોની સંખ્યા પર ધ્યાન દઇએ તો સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં ગુજરાત અઢારમા સ્થાને છે. એટલે કે બીજા રાજ્યોમાં વધી રહેલાં સંક્રમણની સાપેક્ષે ગુજરાતમાં સંક્રમણનું પ્રમાણ થોડું ઓછું છે.

હાલ ગુજરાતમાં દર દસ લાખ લોકોએ 1,713 લોકોને કોરોનાનું સંક્રમણ લાગી ચૂક્યું છે, જો કે કુલ કેસના માત્ર 14 ટકા લોકો હાલ સંક્રમણ ધરાવે છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા હાલ 16,389 છે. આ ઉપરાંત ગુજરાતમાં હવે અઠવાડિક કેસોની વૃદ્ધિની સરેરાશ ટકાવારી પ્રમાણે 1.2 ટકા થઇ છે જે ગયા અઠવાડિયે 1.3 ટકા હતું. આમ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાનના અઠવાડિયાની સરખામણીએ આ સોમવારે પૂરા થયેલાં 8થી 14 સપ્ટેમ્બરના અઠવાડિયા દરમિયાન કોરોનાના કેસની વૃદ્ધિ સામાન્ય ઘટી છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 1,444 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે અને આ સાથે કુલ સાજા થયેલાં દર્દીઓની સંખ્યા 96,709 પર પહોંચી છે. હાલ ગુજરાતમાં કુલ 82.84 ટકા જેટલાં દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

આ ઉપરાંત મંગળવારે વધુ 17 દર્દીઓના મૃત્યુ થયાં હતાં તે પૈકી અમદાવાદ શહેર અને સૂરત જિલ્લામાં 4-4, સૂરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, તથા જામનગર શહેર અને જામનગર, વડોદરા, ગાંધીનગર, મહિસાગર જિલ્લામાં 1-1 દર્દીઓના મોત થયાં છે. અત્યાર સુધીમાં કુલ 3,247 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થઇ ચૂક્યા છે. હજુ રાજ્યમાં 96 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે.

હાલ ગુજરાતમાં 7.43 લોકો ક્વોરન્ટીન છે. આ ઉપરાંત મંગળવારે એક જ દિવસમાં 78 હજારથી વધુ ટેસ્ટ થયાં છે અને અત્યાર સુધીમાં કુલ 34.38 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. દર દસ લાખની વસ્તીએ હાલ 50,614 સેમ્પલ ટેસ્ટ કરાયાં છે.

અન્ય સમાચારો પણ છે...