તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા મને વેક્સિન આપો...:અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટર પર આયોજનના અભાવે 100થી વધુ લોકો લાઇનમાં ધક્કે ચઢ્યા, વેક્સિનનો સ્ટોક ખૂટતાં સંખ્યાબંધ કેન્દ્રો બંધ કરવાં પડ્યાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં લોકો કોરોનાનું ભાન ભૂલીને વેક્સિન માટે પડાપડી કરી
  • રોજ 1 લાખ લોકોને રસી આપવાના દાવા વચ્ચે શનિવારે માત્ર 27 હજારને રસી અપાઈ
  • જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, બોપલ, ઘુમાના કેન્દ્રોમાં સ્ટોક નહીંનાં પાટિયાં લાગ્યાં

મ્યુનિ.એ મહાઅભિયાન શરૂ કરી દરરોજ એક લાખ લોકોને રસી આપવાનો દાવો કર્યો હતો. જોકે એક જ અઠવાડિયામાં રસી ખૂટી પડતા મહાભિયાનનો ફિયાસ્કો થયો છે. જોધપુર કામેશ્વર સ્કૂલ, વસ્ત્રાપુર કમ્યુનિટી હોલ, ફતેપુરા સરકારી સ્કૂલ, પાલડી અર્બન સેન્ટર, બોપલ, આંબલી, ઘુમા, ગોધાવી સહિત શહેરના સંખ્યાબંધ કેન્દ્રો ઉપર રસી ખૂટી પડવાની ફરિયાદો વચ્ચે કેટલાક કેન્દ્રો પર હોબાળો થયો હતો. શનિવારે મ્યુનિ. પાસે કોવેક્સિનનો 18,490 અને કોવિશિલ્ડનો 19,730 રસીનો સ્ટોક હતો. અત્યાર સુધી મ્યુનિ. ના સેન્ટ્રલ સ્ટોર પાસે રસીનો એડવાન્સ ચાર દિવસનો સ્ટોક રહેતો હતો, પણ હવે રસીનો સ્ટોક ખૂટી પડતા સેન્ટરો ઉપર વેક્સિન ઉપલબ્ધ નથીના બોર્ડ લગાવા પડ્યા હતા.

શહેરના સેટેલાઈટ, બોપલ, આંબલી, ઘુમા સહિતના રસીકરણ કેન્દ્રો પર રસી આપવાની કામગીરી બંધ હોવાના બોર્ડ લટકતાં જોવા મળ્યા હતા.
શહેરના સેટેલાઈટ, બોપલ, આંબલી, ઘુમા સહિતના રસીકરણ કેન્દ્રો પર રસી આપવાની કામગીરી બંધ હોવાના બોર્ડ લટકતાં જોવા મળ્યા હતા.

સરકારે વોક ઈન રજિસ્ટ્રેશનથી રસી આપવા જાહેરાત કરી હતી તેના કારણે રસી લેવા આવતા લોકોની સંખ્યામાં વધારો થયો હતો, પરંતુ હવે સરકાર પાસે જ રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે. બોપલ હેલ્થ સેન્ટર ઉપર 84 દિવસ બાદ રસીનો બીજો ડોઝ લેવા આવેલા ભરતસિંહ ઝાલાએ કહ્યું, કેન્દ્ર ઉપર વેક્સિન ઉપલબ્ધ નથીનું બોર્ડ લગાડેલુ હતું. તેમણે કહ્યું કે, તેમના જેવા સંખ્યાબંધ લોકો ત્યાંથી રસી લીધા વગર પરત ફર્યા હતા.

વેક્સિનેશન માટે ટોકન સિસ્ટમ ન હોવાથી અહીં લોકો એકસાથે વેક્સિન લેવા માટે ભેગા થઈ ગયા.
વેક્સિનેશન માટે ટોકન સિસ્ટમ ન હોવાથી અહીં લોકો એકસાથે વેક્સિન લેવા માટે ભેગા થઈ ગયા.

લોકો જાણે એ રીતે ભીડમાં ઊમટયા છે કે તેમને કોરોના સંક્રમણ ફેલાય એનો ડર જ નથી. આ વેક્સિનેશન કેમ્પમાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ વેક્સિનેશન માટે ટોકન સિસ્ટમ ન હોવાથી અહીં લોકો એકસાથે વેક્સિન લેવા માટે ભેગા થઈ ગયા. લોકોએ લાઈનો લગાવી અને વેક્સિન લેવા માટે પડાપડી પણ કરી. વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં આ વેક્સિનેશન કેમ્પ વિસ્તારના એક ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા AMC સાથે મળીને આયોજિત કરવામાં આવ્યો છે, પરંતુ આયોજન અને વ્યવસ્થા અભાવે હવે અહીં કોરોના વિસ્ફોટ થાય તો એમાં જવાબદાર કોને ગણવા એ સવાલ થઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી પરિસ્થિતિ કાબૂમાં છે ત્યારે હવે આ બેદરકારી આખા શહેરને ભારે પડી શકે છે.

સર્વર સ્લો હોવાથી રજિસ્ટ્રેશન માટે લાંબી લાઈન
રસી આપતા પહેલા રસી કેન્દ્ર ઉપર વ્યક્તિનું પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. શનિવારે સર્વર સ્લો ચાલતુ હોવાથી એક વ્યક્તિનું રજિસ્ટ્રેશન કરવા 10થી 15 મિનિટ લાગતી હોવાથી કેન્દ્રો ઉપર રજિસ્ટ્રેશન કરવા માટે પણ લાંબી લાઈનો જોવા મળી હતી.

વેજલપુરના બેંકવેટ હોલમાં રસી માટે પડાપડી
વેજલપુરના સાનિધ્ય બેંકવેટ હોલમાં વેક્સિન લેવા લોકોની પડાપડી જોવા મળી હતી. વેજલપુર વિસ્તારના આજુબાજુના રસી કેન્દ્રો ઉપર રસી ખૂટી પડતા લોકોનો ધસારો બેંકવેટ હોલ તરફ વળ્યો હતો. એએમસી અને એક ફ્રેન્ડસ ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વેક્સિન કેમ્પના આયોજનમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.

છેલ્લા ઘણા દિવસોથી પરિસ્થિતિ કાબૂમાં છે ત્યારે હવે આ બેદરકારી આખા શહેરને ભારે પડી શકે છે.
છેલ્લા ઘણા દિવસોથી પરિસ્થિતિ કાબૂમાં છે ત્યારે હવે આ બેદરકારી આખા શહેરને ભારે પડી શકે છે.

અમદાવાદમાં 12 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા
શહેરમાં રસીકરણ વધારવા મ્યુનિ.એ મહાભિયાન શરૂ કર્યું છે. મ્યુનિ.ના આંક્ડા પ્રમાણે, દક્ષિણ-પશ્વિમ ઝોનમાં સૌથી ઓછી 1.75 અને પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 6.56 લાખ લોકોને રસી અપાઈ છે. શહેરમાં 18 વર્ષ ઉપરના લોકોની અંદાજિત વસતિ 42 લાખ છે, એ પૈકી 22.50 લાખ, એટલે કે 53 ટકા લોકોને પ્રથમ અને પાંચ લાખ, એટલે કે 12 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અધિકારીઓએ મુસ્લિમ ધર્મના આગેવાનો-ધર્મગુરુઓ સાથે બેઠક યોજી મહત્તમ લોકોને વેક્સિન લેવા અપીલ કરી છે.

રેલવે સ્ટેશને પણ વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાયો હતો.
રેલવે સ્ટેશને પણ વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાયો હતો.

સેન્ટરો પર મોટે ભાગે બહારના લોકોએ વેક્સિન લીધી છે
ખાડિયા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, શાહીબાગ, સરખેજ અને અસારવામાં મુસ્લિમોની નોંધપાત્ર વસતિ છે. મ્યુનિ.ના આંકડા પ્રમાણે, આ છ વિસ્તારોમાં અર્બન હેલ્થ સેન્ટરમાં 18થી મોટા આશરે 2.10 લાખને વેક્સિન અપાઈ છે. આ વિસ્તારોના કેટલા લોકોએ વેક્સિન લીધી છે એનો ચોક્કસ આંકડો કાઢ‌વો મુશ્કેલ હોવાનું મ્યુનિ. અધિકારીએ જણાવ્યું છે. આ છ વિસ્તારોમાં 18થી ઉપરના આશરે 4.14 લાખ લોકો વસે છે. આ વિસ્તારના વેક્સિનેશન સેન્ટરો પર મોટા ભાગે બહારના લોકોએ વેક્સિન લીધી છે, તેથી આ સેન્ટરોનો આંકડો ઊંચો આવે છે.

વેક્સિન સિવાય કોઈ વિકલ્પ નથી
દેશ અને દુનિયાના તજજ્ઞો સંભવિત ત્રીજી લહેરની શક્યતા બતાવી રહ્યા છે ત્યારે સમજવાની જરૂર છે કે આપણી પાસે વેક્સિન જ એકમાત્ર વિકલ્પ છે. મ્યુનિ.ની ટીમ 100 લોકો ભેગા થઈ શકતા હોય ત્યાં જઈને વેક્સિન આપી રહી છે. લોકોને વેક્સિન લેવા જાગ્રત કરવાની સાથોસાથ મહત્તમ લોકોનું વેક્સિનેશન કરવા મહાભિયાન શરૂ કર્યું છે. નાગરિકોનો પ્રતિસાદ મળવો ખૂબ જરૂરી છે.- મુકેશ કુમાર, મ્યુનિ. કમિશનર, એએમસી.