AMCનો ઘટસ્ફોટ:​​​​​​​અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 100થી વધુ આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેવાયા, તમામને નોટીસ આપવામાં આવી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • એસ્ટેટ ખાતાની તપાસમાં મકાનમાં માલિક સિવાય બીજા કોઇ રહેતાં હોવાનો પર્દાફાશ થયો છે

અમદાવાદ શહેરમાં ગરીબો અને મધ્યમવર્ગનાં જરૂરિયાતમંદ નાગરિકો માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાઓમાં કેટલાય લોકો મકાન ભાડે આપી દીધા તેમજ બારોબાર વેચાણ કરી દેતા હોવાની ફરિયાદો મળી હતી. આજે મળેલી હાઉસિંગ કમિટીની બેઠકમાં શહેરમાં આવાસ યોજનામાં 100થી વધુ મકાનોમાં ભાડુઆત લોકો રહેતા હોવાનો ઘટસ્ફોટ અધિકારીઓએ કર્યો છે. એસ્ટેટ ખાતાની તપાસમાં મકાનમાં માલિક સિવાય બીજા કોઇ રહેતાં હોવાનો પર્દાફાશ થયો છે. જોકે આ મકાનમાલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેના વિશે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.

ઝોનમાં બે બે કર્મચારીને આવાસ યોજનાની કામગીરી સોંપવામાં આ‌વી છે
મ્યુનિ.હાઉસીંગ કમિટી ચેરમેન અશ્વિનભાઇ પેથાણીએ જણાવ્યું હતું કે કોર્પોરેશનના એસ્ટેટ અને હાઉસિંગ વિભાગના અધિકારીઓની બેદરકારીનાં કારણે આવા મકાનો મેળવી લઇ ભાડે આપવાનાં અને વેચી મારવાનાં કિસ્સા સભ્યોનાં ધ્યાને આવ્યા હોવાથી કમિટીની બેઠકમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને તે સમયે એસ્ટેટ ખાતાના અધિકારીઓને તપાસ કરવા સૂચના આપી હતી. જેમાં શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં બનાવવામાં આવેલી આવાસ યોજનાઓમાં 100થી વધુ જેટલાં મકાનોમાં માલિક સિવાય અન્ય વ્યક્તિ રહેતાં હોવાનુ જાણવા મળ્યુ છે. તેથી નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનાં મકાનોની જવાબદારી માટે દરેક ઝોનમાં એસ્ટેટ ખાતા પાસે કોઇ અલગ સ્ટાફ નથી, દરેક ઝોનમાં બે બે કર્મચારીને આવાસ યોજનાની કામગીરી સોંપવામાં આ‌વી છે.

લાખો લોકો પરિવારનાં તમામ સભ્યોનાં નામે ફોર્મ ભરી દેતાં હતા
આવાસ યોજનાનાં ફોર્મ બહાર પાડવામાં આવતાં હતા ત્યારે લાખો લોકો પરિવારનાં તમામ સભ્યોનાં નામે ફોર્મ ભરી દેતાં હતા અને મકાન લાગે એટલે ભાડે કે વેચાણ આપવાનો ધંધો કરતાં હતા. આવા લોકો ઉપર અંકુશ લાદવા માટે હવે ફોર્મ ભરનારનુ આધાર કાર્ડ તથા પરિવારનાં સભ્યોની વિગતો આપવાની ફરજીયાત કરવામાં આવ્યુ છે. તેમ છતાં હજુ પણ આ સિસ્ટમમાં સુધારો કરીને જેને પણ મકાન લાગે તે વ્યક્તિનાં આધારકાર્ડ અને ઇલેકશન કાર્ડ એક વર્ષમાં જે તે આવાસ યોજનાનાં સરનામાવાળુ કરવાની જોગવાઇ ઉમેરવી જોઇએ, જેનાથી મકાન ભાડે આપવાની કે વેચાણ આપવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ મુકી શકાશે.

અન્ય સમાચારો પણ છે...