અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત મણિનગરની એલજી હોસ્પિટલ અને સરસપુર શારદાબેન હોસ્પિટલમાં રૂ. 19 કરોડના ખર્ચે બે નવા સીટી સ્કેન મશીન મૂકવામાં આવશે. નવી ટેક્નોલોજીવાળા બે મશીન મૂકવામાં આવતા હવે એલજી અને શારદાબેન હોસ્પિટલમાં જલ્દી સીટી સ્કેન થઈ શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ કમિટી દ્વારા આ બે નવા મશીન ખરીદી અને મૂકવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.
જૂના સીટી સ્કેન મશીનોથી વારંવાર બંધ થઈ જતાં
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં કેટલાક મશીનો ઘણા જૂના થઈ ગયા છે, જેને બદલવા માટે થઈ અને અવારનવાર રજૂઆતો થઈ હતી. મણિનગર એલજી હોસ્પિટલ અને સરસપુર શારદાબેન હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી જુના સીટી સ્કેન મશીન અવારનવાર બંધ થઈ જતાં દર્દીઓને બહાર જવું પડતું હતું. તેમજ સીટી સ્કેન થઈ શકતા ન હતા.
10 વર્ષના મેન્ટેનન્સ સાથે મશીન મૂકાશે
હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલ અને ડેપ્યુટી ચેરમેન ડો. ચાંદની પટેલે જણાવ્યું હતું કે, બંને હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીન મૂકવામાં થઈ રજૂઆત કરાઈ હતી. જેના પગલે એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં બે સીટી સ્કેન મશીન નવા મૂકવામાં આવશે. રૂ.19 કરોડના ખર્ચે 10 વર્ષના મેન્ટેનન્સ સાથે આ મશીન મૂકવામાં આવશે.
નવા મશીનથી 50 ટકા સમય ઘટી જશે
અગાઉ બંને હોસ્પિટલમાં જે સીટી સ્કેન મશીન હતા. તેમાં 40 મિનિટમાં એક સીટી સ્કેન થઈ શકતું હતું, પરંતુ હવે નવા ટેકનોલોજી વાળા આ બે મશીન લાવવાના કારણે 50 ટકા સમય ઘટી જશે અને હવે 20 મિનિટમાં એક સીટી સ્કેન કરી શકાશે. એલજી હોસ્પિટલમાં રોજના સરેરાશ 60 થી 70 સીટી સ્કેન થાય છે, જ્યારે સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં 30 થી 35 સીટી સ્કેન થાય છે. આ મશીન આવવાથી બંને હોસ્પિટલમાં રોજના હવેથી 100 જેટલા સીટી સ્કેન કરી શકાશે. બંને નવા મશીન ખરીદવાના કારણે નાગરિકોને હવે સીટી સ્કેન કરાવવા માટે બહાર જવું પડશે નહીં અને વધારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.