ઓલ ગુજરાતી વાલી મંડળ તેમજ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના 10થી વધુ વાલીમંડળે સ્કૂલ શરૂ થાય અને કોઈ બાળકને સ્કૂલમાં કોરોનાનો ચેપ લાગે તો હોસ્પિટલમાં બાળકની સારવાર માટેનો ખર્ચ સ્કૂલ સંચાલક પાસેથી વસૂલ કરવાની માગણી રાજ્ય સરકાર સમક્ષ મૂકી છે.
વાલીઓનું કહેવું છે કે, કોરોનાનું સંક્રમણ વધવાને કારણે સાત રાજ્યોમાં સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય પાછો ખેંચાયો છે, ઓલ ગુજરાત વાલી મંડળના નરેશ શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચિવને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, કોરોના એટમ બોમ્બ જેવો ઘાતક બની રહ્યો છે, ત્યારે સરકારે હજુ બે મહિના સ્કૂલ શરૂ કરવી જોઈએ નહીં.
અગાઉ યુવક કોંગ્રેસે સરકારને ચીમકી આપી હતી કે, સ્કૂલ-કોલેજમાં શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે તો આંદોલન કરાશે.23 નવેમ્બરથી સ્કૂલો ફરી શરૂ કરવાનો નિર્ણય ગુરુવારે રાત્રે રાજ્ય સરકારે બદલ્યો તે પહેલાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ મુકુંદ પટેલે કહ્યું હતું કે, કોરોનાના સમયમાં અમારા સંતાનોને સ્કૂલમાં ભણવા મોકલીને અમારે ડેથ સર્ટિફિકેટ જોઈતું નથી. અમારી માગણી છે કે, પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી બાળકોના હિતમાં સ્કૂલ શરૂ કરવી જોઈએ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.