વિમાની સેવા ખોરવાઈ:વરસાદી માહોલમાં અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી 10થી વધુ ફ્લાઈટનું શિડ્યુલ ખોરવાયું, દિલ્હી અને ચેન્નાઇની ફ્લાઇટ રદ્દ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદથી ઓપરેટ થતી અલગ અલગ રૂટની અનેક ફ્લાઈટના સમયમાં ફેરફાર કરાયા
  • 20 મિનિટથી લઈને 2 કલાક સુધી ફ્લાઈટ લેટ થઈ

જન્માષ્ટમી પર્વ પર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે રાજ્યમાં વરસાદી માહોલને વિમાની સેવા ખોરવાઈ ગઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી 10થી વધુ ફ્લાઈટનું શિડ્યુલ ખોરવાઈ ગયું હતું. તો દિલ્હી અને ચેન્નાઈની અમદાવાદથી જતી ફ્લાઈટને વરસાદી વાતાવરણના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી.

ફ્લાઈટ લેટ પડી
અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા હતા અને અમદાવાદથી ઓપરેટ થતી અલગ અલગ રૂટની અનેક ફ્લાઈટના સમયમાં ફેરફાર કરાયા. 20 મિનિટથી લઈને 2 કલાક સુધી ફ્લાઈટ લેટ થઈ હતી. કેટલીક ફ્લાઈટને તો રદ્દ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી. જેમાં દિલ્હી અને ચેન્નાઈ જતી ફ્લાઈટને કેન્સલ કરવી પડી હતી.

શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બાદ ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. શહેરના એસજી હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા તેમજ પૂર્વના નરોડા, નિકોલ, કૃષ્ણનગર, એસપી રિંગ રોડ, સરદારનગર, કુબેરનગર, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે
રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

ચોમાસાની સિઝન પુરી થવામાં દોઢ મહિનો બાકી
રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. જૂનમાં 120 મિમી, જુલાઈમાં 177 મિમી અને ઓગસ્ટમાં 54 મિમી મળીને કુલ 352 મિમી વરસાદ થયો છે. ગુજરાતમાં થતાં 840 મિમી વરસાદની સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. બીજી બાજુ ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાની ભિતી છે.