કોવિડ-19 મૃતક મદદ:કોરોનાની 50 હજારની મૃત્યુ સહાય માટે 3 દિવસમાં જ 1 હજારથી વધુ અરજી આવી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજી સાથે જોડવાના પુરાવાની સ્પષ્ટતા ન હોવાથી લોકો મૂંઝવણમાં મુકાયા

કોરોનાના કારણે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને 50 હજાર રૂપિયાની સહાય આપવા સરકારે જાહેરાત કરી હતી. આ સંદર્ભની મૃતકોના પરિવાર પાસે અરજીઓ મગાવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા 60 સિવિક સેન્ટર ઉપર બુધવારથી અરજી ફોર્મ મૂકવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં સમગ્ર શહેરમાંથી એક હજાર અરજીઓ આવી છે.

બુધવારે શહેરના પ્રત્યેક સિવિક સેન્ટર ઉપર 250 લેખે કુલ 15 હજાર જેટલા પરિશિષ્ટ-1 અરજી ફોર્મ મૂકવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ દિવસે 150, બીજા દિવસે 400 અને ત્રીજા દિવસે 450 અરજીઓ આવી હતી. નાગરિકો ઘરે બેઠા અરજી ફોર્મ મેળવી શકે તે માટે સરકારે વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ મૂક્યા છે. વેબસાઈટ પરથી લોકો ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે જરૂરી પુરાવા જોડી જે સિવિક સેન્ટરમાંથી ફોર્મ મેળવ્યું હોય તે જ સિવિક સેન્ટરમાં ફોર્મ જમા કરાવવા નિયમ બનાવાયો છે.

કોરોનાની મૃત્યુ સહાય મેળવવા માટેનું અરજી ફોર્મ લેવા લોકો આવી રહ્યાં છે, પણ અરજી સાથે કેવા પ્રકારના પુરાવા રજૂ કરવાના છે તેને લઈ હજુ લોકો મૂંઝવણમાં છે. આ કારણે તેમણે સિવિક સેન્ટરના ધક્કા ખાવા પડે છે. બીજી તરફ મૃતકનો કોરોના રિપોર્ટ અને તેથીય અગત્યનું કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મેળવવા ધક્કા ખાવા પડી રહ્યાં છે.

કોરોનાના નવા 8 કેસ, 27 હજારને રસી
દિવાળી બાદ શહેરમાં કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના આઠ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 16 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શનિવારે વધુ 26,499 લોકોને રસી મૂકવામાં આવી હતી જેમાં 4,312 લોકોને પ્રથમ જ્યારે 22,187 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. બીજી અમદાવાદ જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...