સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઈ:કચ્છના મોટા રણમાં ફ્લેમિંગોના 1 લાખથી વધુ બચ્ચાં જોવા મળ્યા, 151 સિંહ વધ્યા તો ઘુડખરની સંખ્યા 6082એ પહોંચી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 19મી બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતની ગૌરવ સિદ્ધિઓની વિગતો આપવામાં આવી હતી. વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા વન પર્યવારણના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની આ 19મી બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની વન્ય સૃષ્ટિ, જંગલ વિભાગના વિવિધ કામોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત અને ભારતને વિશ્વસ્તરે વન્યપ્રાણી સૃષ્ટિમાં ગૌરવ અપવનારા ગીરના સાવજ એશિયાટિક લાયનની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે. સિંહોની વસ્તી 523થી વધીને 674 થઇ છે. એટલું જ નહીં, ઘુડખરની વસ્તીમાં પણ 37 ટકાની વૃધ્ધિ થવાથી અગાઉની 4403 ઘુડખરની સંખ્યા વધીને હવે 6082 થઇ છે.

કેવડિયામાં દેશ-વિદેશના 1500થી વધુ પ્રાણી-પક્ષીઓ પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર
આ બેઠકમાં વન્ય પ્રાણી સૃષ્ટિના જતન-સંવર્ધન અંગેની ચર્ચા દરમ્યાન જણાવવામાં આવ્યું કે, આ વર્ષે કચ્છના મોટા રણમાં ફલેમિંગોનું મોટા પ્રમાણમાં સામૂહિક નેસ્ટિંગ(માળા બંધાયા) નોંધાયું છે. તેમજ ગ્રેટર અને લેસર ફ્લેમિંગોની વસાહત સ્થપાઇ છે અને 1 લાખથી વધારે સંખ્યામાં બચ્ચાં જોવા મળ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઝડપી જંગલ સફારી સરદાર ઝિઓલોજિકલ પાર્કના નિર્માણ દ્વારા દેશ-વિદેશના 1500થી વધુ પ્રાણી-પક્ષીઓ પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

રક્ષિત વિસ્તારના ઉપયોગ માટે કેટલીક દરખાસ્તો માટે મંજૂરી આપવા ભલામણ
આ સમગ્ર વિષયે પણ તલસ્પર્શી છણાવટ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વન્યપાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 29 હેઠળ વિવિધ હેતુ માટે રક્ષિત વિસ્તારના ઉપયોગ માટે કેટલીક દરખાસ્તો માટે મંજૂરી આપવા આ બેઠકમાં ભલામણ કરવામાં આવેલી. જેમાં ઓઇલ એન્ડ ફ્રુડ પાઇપલાઇન, ગેસ પાઇપલાઇન, ઇલેક્ટ્રિક લાઇન, રોડ ટ્રાન્સમીશન લાઇન અને ઓપ્ટીકલ ફાયબર કેબલ નાખવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇકો સેન્સિટિવ ઝોનમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિ. ગાંધીનગરની નેચરલ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને મંજૂરી માટે ભલામણ કરવામાં આવી છે. સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફના નોમિનેટ સભ્યો દ્વારા કેટલાક અગત્યના સૂચનો કરવામાં આવ્યા હતા. તેમાં બૃહદ ગીરનો મેનેજમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવો, સ્ટાફની ભરતી કરવી, સિંહોના સ્વાસ્થ્ય માટે કાળજી લેવા તથા કેવડીયા ખાતે ખૂબ જ ટૂંકા ગાળામાં વૈવિધ્યસભર પ્રવાસન સ્થળે વન અને વન્યજીવનના સંર્વધન અને સંરક્ષણ સાથે વિકાસ કરવામાં આવેલો છે તેની પ્રશંસા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...