ગુજરાતમાં જેલની સંખ્યા તથા કેદીઓની સંખ્યાને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. લોકસભાના આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યમાં જેલની ક્ષમતા કરતા વધુ કેદીઓ છે. ગુજરાતની જેલની કુલ કેદીઓની ક્ષમતા 13,999ની સામે 16,597 કેદીઓ જેલમાં બંધ છે. ચમરબંધીને નહિ છોડવાની વાતો કરનારી સરકારમાં ગૃહવિભાગના ચોપડે 22,696 આરોપીઓ ફરાર છે. પોલીસ આધુનિકરણની વાત કરતી સરકારમાં 123 પોલીસ સ્ટેશન સીસીટીવથી વંચિત છે. પોલીસ આધુનિકરણની કેન્દ્ર સરકારની ફળવાયેલી 25.58 કરોડની ગ્રાન્ટ વર્ષ 2020-21 અને 2021-22 માટેની રીલીઝ કરવામાં આવી નથી.
ગુજરાત ગુનાખોરીના મોડેલ તરફ વધી રહ્યું છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. ગુજરાત રાજ્યમાં જેલમાં બંધ કેદીઓના આંકડા દર્શાવે છે કે ગુજરાત ગુનાખોરીના મોડેલ તરફ વધી રહ્યું છે. ગુજરાત રાજ્યની જેલોમાં કેદીઓની ક્ષમતા કરતા વધુ કેદીઓને પૂરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની જેલો હાઉસફૂલ જઈ રહી છે. ગુજરાત રાજ્યમાં જેટલી જેલમાં કેદીઓ પૂરવાની ક્ષમતા છે તેના કરતા દોઢા આરોપીઓ-ગુનેગારો ફરાર છે.
ગુજરાતમાં 123 પોલીસ સ્ટેશન સીસીટીવીથી વંચિત
ગુજરાત રાજ્યની જેલની ક્ષમતા 13,999 કેદીઓની છે તેની સામે જેલમાં 16,597 કેદીઓ બંધ છે. ક્ષમતા કરતા જેલમાં 2598 કેદીઓ વધુ છે. કોઈ પણ ચમરબંધીને નહિ છોડવા વાત કરતી ભાજપ સરકારમાં 22,696 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. શું આ બધા આરોપીઓ પકડાઈ જશે તો ક્યાં રાખવામાં આવશે? નવી જેલ બનાવશે? ક્યારે બનાવશે? પોલીસ તંત્ર ખુબ આધુનિક છે તેવા બણગા ફૂકનારી સરકાર અને આધુનિકરણ દિશામાં ભાજપ સરકારની મંશા લોકસભાના પટલ પરના આંકડા છતી કરે છે. હાલમાં ગુજરાતમાં 123 જેટલા પોલીસ સ્ટેશન સીસીટીવીથી વંચિત છે. આ આંકડા દર્શાવે છે પોલીસના આધુનિકરણમાં સરકાર કેટલી ગંભીર છે.
રાજ્યના ગૃહ વિભાગની નબળી કામગીરી
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત પોલીસ આધુનિકરણ માટે ફળવાયેલા 25.58 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ (2020-21 અને 2021-22)થી રિલીઝ કરવામાં નથી આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી સારી કામગીરી માટેનું પ્રોત્સાહન ફંડ પણ આપવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019-20માં ગુજરાત રાજ્યને પ્રોત્સાહન ફંડ 15.61 કરોડ આપવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યના પોલીસ વિભાગને કેન્દ્ર સરકાર દ્વારા સારી કામગીરી માટેનું પ્રોત્સાહન ફંડ આપવામાં આવ્યું નથી. પ્રોત્સાહન ફંડની ગુજરાત રાજ્યને બે વર્ષથી ફાળવણી ન થવી તે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની કામગીરીનું સર્ટિફિકેટ હોય તેવું લાગે છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની નબળી કામગીરીની જવાબદારી લઈ ગુજરાતના ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.