મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટ દાખલ કરાયેલી સુઓમોટો PILમાં આજે મોરબી નગરપાલિકાએ સોગંદનામું રજૂ કરીને ઘટનાની જવાબદારી સ્વીકારી છે.સોગંદનામામાં કહ્યું છે કે, આ બ્રિજ જ નહોતો ખોલવો જોઈતો.હાઈકોર્ટે પાલિકાના પ્રમુખને આગામી સુનાવણીની તારીખ 24મી નવેમ્બરે હાઈકોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. નગરપાલિકાએ જણાવ્યું હતું કે, અજંતાએ મોરબી નગરપાલિકાને પુલનું કયા પ્રકારનું રીપરીંગ કરાયું કે ફીટનેસ સર્ટિફિકેટ સહિતની વાતને લઇ જાણ કરાઇ ન હતી અને નગરપાલિકાની પૂર્વ પરવાનગી મેળવ્યા વિના જ ઝુલતો પુલ લોકો માટે ખુલ્લો મૂકી દીધો હતો. ટિકિટ વીન્ડો ઓપરેટર અને કંપનીના સુરક્ષા જવાનોએ ૩૦૦થી વધુ લોકોને પુલ પર જવાની મંજૂરી આપતાં આખરે આ કરૂણાંતિકા સર્જાઇ અને 135 નિર્દોષ લોકોના મોત નીપજયા હતા.
ચીફ ઓફિસરને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો
મોરબી નગરપાલિકાની હાઈ કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, બપોરે 4 વાગ્યા પહેલાં સોગંદનામું નહિ કરો તો એક લાખ દંડ ભરવા તૈયાર રહેજો. આથી બપોરે 4 વાગે મોરબી નગરપાલિકાએ સોગંદનામું રજૂ કરી દીધું હતું .નગરપાલિકા તરફથી આસિ. સોલિસિટર જનરલે એવી રજૂઆત કરી હતી કે, ડેપ્યુટી કલેક્ટર ચૂંટણી કામમાં વ્યસ્ત હોવાથી જવાબ રજૂ કરી શક્યા નથી. આથી ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે ઠપકો આપ્યો હતો કે આ મુદ્દાને સહેજ પણ હળવાશથી લેવાની ભૂલ ન કરતા, નહિતર મુસીબત વધશે. ખંડપીઠે નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.
કોર્ટના વલણને પારખીને બપોરે એફિડેવિટ ફાઇલ કરાઈ
હવે વધુ સુનાવણી 24મી તારીખે મુલત્વી રાખી છે. સુઓમોટો અરજીની સુનાવણી સવારે શરૂ થઈ ત્યારે મોરબી નગરપાલિકાએ એફિડેવિટ ફાઇલ નહિ થઈ હોવાની રજૂઆત કરતા ખંડપીઠે સખત નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટના વલણને પારખીને બપોરે એફિડેવિટ ફાઇલ કરી દેવામાં આવી હતી. ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે, બ્રિજ ક્યારથી બંધ કરવામાં આવ્યો હતો અને ક્યાં સુધી બંધ રહ્યો હતો. નગરપાલિકા તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે, રાજકોટ કલેક્ટર અને અજંતા મેન્યુફેક્ચરિંગ વચ્ચે એમઓયુ કરાયો હતો. 9 વર્ષ માટે તેમને જવાબદારી સોંપી હતી, જેમાં પુલનું મેન્ટેનન્સ, મેનેજમેન્ટ અને વિઝિટિંગ ચાર્જ તમામ જવાબદારી અજંતાને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ નવા એગ્રીમેન્ટ વગર પણ આ બ્રિજની જવાબદારી અજંતા કરતી હતી.
બ્રિજ કોની મંજૂરીથી ખુલ્લો મુકાયો તે સ્પષ્ટતા ન કરી
20-9-2021માં અજંતાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરી હતી કે, બ્રિજની હાલત ખરાબ છે, તેની તાત્કાલિક મરામત જરૂરી છે. ડ્રાફટ એગ્રિમેન્ટ મંજૂરી માટે મોકલી આપ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર અને અજંતા વચ્ચે 15 વર્ષનો કરાર થયો હતો, પરંતુ જનરલ બોડીની મીટિંગમાં તેની મંજૂરી લેવાની બાકી હતી, પરંતુ મોરબી પાલિકાની જનરલ મીટિંગ થઈ જ નહિ અને એગ્રીમેન્ટને જનરલ બોડીની મિટીંગમાં મુકાયો જ નહિ. કંપનીએ કોઈ મંજૂરી વગર શરૂ કરી દીધો. દરમિયાન આ ઘટના બની. એફિડેવિટમાં બ્રિજ કોણે અને કોની મંજૂરીથી ખુલ્લો મૂક્યો તે અંગે કોઈ સ્પષ્ટતા જ નથી, પરંતુ અજંતાએ નગરપાલિકા પાસેથી કોઈ મંજૂરી મેળવ્યા વગર ખુલ્લો મૂક્યો હોવાનું સાબિત થાય છે. મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને મોરબી નગરપાલિકાને નોટિસ મોકલી આપવા હાઈકોર્ટે આદેશ કરતા સ્પશિયલ બિલિફ દ્વારા નોટિસ મોકલાઈ હતી.
હાઇકોર્ટના વેધક સવાલ | હવે સરકારે જવાબ આપવા પડશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.