મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના મામલે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી સુઓમોટો અરજી સાથે સાંભળવામાં આવશે. જાહેરહિતની અરજીમાં દુર્ઘટનાની તપાસ એનઆઈએને સોંપવા અને મૃતકોના પરિવારને 25 લાખ વળતર ચુકવવા દાદ મગાઈ છે.
ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે એવું ઠેરવ્યંુ હતું કે, દુર્ઘટના અંગે હાઈકોર્ટે સુઓમોટો સ્વીકારી છે તેથી એક જ બનાવની વધુ અરજી અલગથી સાંભળવાનો કોઈ અર્થ નથી. જાહેરહિત અરજીને સુઓમોટોની સુનાવણી દરમિયાન સાથે સાંભળવા તેમણે આદેશ કર્યો છે. સંજીવ ઇઝાવા નામના અરજદાર વતી એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ રજૂઆત કરી હતી કે, મોરબીની દુર્ઘટનામાં સરકારે બનાવેલી એસઆઈટીને રદ કરી તપાસ એનઆઈએને સોંપવી જોઈએ. રાજ્યમાં બનેલી અનેક દુર્ઘટનાઓમાં સરકારે માત્ર કમિટીઓ બનાવી છે, પરતું તેમાં જવાબદારો સામે કોઈ પગલાં લીધાં નથી.
સરકારે મૃતકોના પરિવારજનોને 6 લાખ વળતરની જાહેરાત કરી છે, પરંતુ આ રકમ ઘણી ઓછી છે. સરકારે દરેક ભોગ બનનારના પરિવારજનોને 25 લાખ વળતર ચૂકવવું જોઈએ અને ઘવાયેલાને 5 લાખ વળતર ચૂકવવું જોઈએ. આ દુર્ઘટનાની તટસ્થ તપાસ એજન્સીને સોંપવી જોઈએ. નગરપાલિકાએ પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર અનુભવ વગરની અજંતા મેન્યુફેક્ચરિંગ કંપનીને પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.