મોરબી બ્રિજ હોનારતમાં ગુજરાત સરકારની ગંભીર બેદરકારીને લપડાક મારતાં ગુજરાત હાઈકોર્ટે મંગળવારે અણિયારા પ્રશ્નો કર્યા છે. ગત 30 ઓક્ટોબરે ઝૂલતા પુલની 130થી વધુ લોકોથી વધુનાં મોતની દુર્ઘટનામાં સુઓમોટો લીધા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા છે કે "શા માટે એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરાઈ નહોતી? શા માટે બીડ આમંત્રિત કરાયું નહોતું?"
'મોરબી નગરપાલિકાની પણ ગંભીર ફરજચૂક'
"રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું પાલન કર્યું હતું? આના પરિણામે 135 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં," એવી કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડથી ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો 15 વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.
આટલા મહત્ત્વના કામનો ફક્ત દોઢ પાનાનો કરાર?
"આટલા મહત્ત્વના કામ માટેનો કરાર માત્ર દોઢ પાનાનો કઈ રીતે હોઈ શકે? શું રાજ્ય સરકાર એટલી ઉદાર છે કે ટેન્ડર બહાર પાડ્યા વિના જ અજન્તા કંપનીને આટલી મોટી ધરોહર આપી દીધી. કયા આધારે આ પુલને એક એવી કંપની જૂન 2017 પછી ઓપરેટ કરતી હતી, જ્યારે કે (2008માં કરાયેલા કરારને) 2017 પછી રિન્યુ જ કરાયો નહોતો," એવી પણ હાઈકોર્ટે નોંધ લીધી હતી.
ઓરેવાના 9 કર્મીની ધરપકડ, ટોચના મેનેજમેન્ટનું શું?
અદાલતે આ દુર્ઘટનાની સુઓમોટો નોંધ લેતાં છ સરકારી વિભાગો પાસે જવાબ માગ્યા હતા. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી આ કેસની સુનાવણી કરી રહ્યા છે. અત્યારસુધીમાં કરાર કરનારી કંપનીના અમુક કર્મચારીઓની ધરપકડ કરાઈ છે, પરંતુ આ રૂ. 7 કરોડનો કરાર કરનારા ટોચના મેનેજમેન્ટમાંથી કોઈને ઊની આંચ પણ આવી નથી. આ ઉપરાંત કોઈ અધિકારીને આ 150 વર્ષ જૂના પુલની દુર્ઘટના માટે જવાબદાર ઠેરવાયા નથી.
સરકારનો લૂલો બચાવ, "વીજળિક ગતિએ" બચાવકાર્ય કર્યું
સરકારે આ કેસમાં પોતાનો લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે તેણે "વીજળિક ગતિએ" બચાવકાર્ય આરંભીને ઘણાના જીવ બચાવ્યા હતા. સરકારી વકીલે ત્યાં સુધી કહ્યું હતું કે "અત્યારસુધીમાં નવ લોકોની ધરપકડ કરાઈ છે અને કોઈપણ દોષી જણાશે તો તેની સામે ચોક્કસ પગલાં લેવાશે." અદાલતે આજે મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને નિર્દેશ કર્યા હતા કે બેલિફની નિમણૂક કરીને સ્થાનિક સુધરાઈને નોટિસ ફટકારવામાં આવે, કારણ કે હજી પણ આ સમારકામના કરારમાં ઘણી ચોખવટો બાકી છે.
આઠ દિવસ પહેલાં હાઈકોર્ટે સુઓમોટો કરી હતી
અગાઉ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી છે. ગત 30 ઓક્ટોબરે મચ્છુ નદી પરનો 141 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી પડતાં 135થી વધુનાં મોત થયાં હતાં. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારના વડપણ હેઠળની ખંડપીઠે આ મામલે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચ (SHRC) વગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જારી કર્યાના અહેવાલ છે. દિવાળી વેકેશન બાદ કોર્ટ શરૂ થતાં જ આ ઘટનાની ગંભીર નોંધ લેતાં બેન્ચે આ હોનારતમાં અત્યારસુધીમાં રાજ્ય સરકારે લીધેલાં પગલાંનો અહેવાલ 14 નવેમ્બર સુધીમાં રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.
માનવાધિકાર પંચને અલગ રિપોર્ટ આપવા સૂચના
આ ખંડપીઠમાં જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીનો પણ સમાવેશ થાય છે. ખંડપીઠે સોમવારે છ પ્રતિવાદી પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આમાં રાજ્ય માનવાધિકાર પંચે અલગથી રિપોર્ટ ફાઈલ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ખાનગી કંપની, ઓરેવા ગ્રુપ દ્વારા આ ઝુલતા પુલનું સમારકામ કર્યા પછી તે તૂટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.
'અત્યાસુધીમાં સરકારે શું પગલાં લીધાં એ કહો'
અદાલતે જણાવ્યું હતું કે, "મિ. એડવોકેટ જનરલ, આ હોનારત કાળજું કંપાવનારી હતી. તેમાં 100થી વધુના અકાળે મોત થયા છે. આ માટે અમે તેની સુઓ મોટો નોંધ લઈએ છીએ. અમે એ જાણવા માગીએ છીએ કે અત્યારસુધીમાં તમે (સરકારે) શું પગલાં લીધા છે." એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને સિનિયર એડવોકેટ મનીષા લવકુમાર શાહે સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
3 દિવસ સર્ચ-ઓપરેશન ચાલ્યું હતું
રવિવારની સાંજે મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થયાની દુર્ઘટનામાં 135થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં ત્રણ દિવસ સુધી NDRF, SDRFના જવાનો દ્વારા સતત રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું હતું. ત્યારે આ રાહતબચાવ કામગીરીનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે, જેમાં રાહતબચાવ કામગીરી કરતા જવાનો મચ્છુ નદીને ખૂંદતા નજરે પડી રહ્યા છે. 15થી વધુ લાઈફ બોટ સાથે જવાનો સતત શોધખોળ કરી રહ્યા છે. મોરબી દુર્ઘટનામાં અત્યારસુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં હતાં. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ઘટનાના 3 દિવસ સુધી સર્ચ-ઓપરેશન ચાલ્યું હતું. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સર્ચ-ઓપરેશન કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પીડિતોને મળ્યા હતા. વડાપ્રધાનની મુલાકાતને પગલે મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો હતો અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવરજવર બંધ કરાઈ હતી.
ચીફ ઓફિસરની બેદરકારી સાબિત થતી હોવાથી સસ્પેન્ડ
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો, એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંતા ઓરેવા ગ્રુપ, એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો, જેથી ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બેદરકારી સાબિત થતી હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કંપની દ્વારા કોઈ જાણ કરવામાં આવી નહોતી- ચીફ ઓફિસર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા કયા પ્રકારનું રિનોવેશન, કયા પ્રકારનું મટીરિયલ વપરાયેલું છે એની કોઈ જાણ કરાઈ નહોતી. વચ્ચે એક સમાચાર એવા હતા કે તેના દ્વારા સારામાં સારા ગ્રેડનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, પરંતુ આ કેવી રીતે તૂટી ગયું? એની કેપેસિટી શું હતી? એની ફિટનેસનાં સર્ટિફિકેટ તેમણે લીધેલા છે કે નહીં? એ અમારી જાણકારીમાં હાલમાં નથી. અમને જાણવા મળ્યું કે સાંજના સમયે અચાનક એના પર માણસો છે, એનું સમગ્ર મેઇન્ટનન્સ, એના પર જતા-આવતા માણસો અને કેટલાને જવા દેવા ? એની શું કેપેસિટી છે? એ કેપેસિટીથી વધારે માણસો એના દ્વારા ઓફિશિયલી મોકલવામાં આવ્યા અને આ ઘટના બની છે. તેમનું રેસ્ક્યૂ અમે કરી રહ્યા હતા.
ઝૂલતા પુલના સંચાલક જયસુખ પટેલનું ફરિયાદમાં નામ નહીં
મોરબી પુલ હોનારતમાં પુલનું સમારકામ અને સંચાલનની જવાબદારી ધરાવનારી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ સરકારે આ કેસના આરોપી તરીકે મૂક્યું નથી એ મોટું આશ્ચર્ય છે. મૂળમાં આની પાછળનું કારણ રાજકીય અને સામાજિક છે, કારણ કે જયસુખ પટેલ કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિનાં મંડળોમાં ખૂબ સક્રિય છે. ભાજપને ચિંતા છે કે જો જયસુખ સામે કોઇ પગલાં લેવાશે તો સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે તેવી મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાની ઓછામાં ઓછી 12 બેઠક પર તેમને સામી ચૂંટણીએ નુક્સાન જશે.
ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર પછી કડવા પાટીદાર પણ ભાજપને સમર્થન કરતી જ્ઞાતિ છે. જયસુખ પટેલે પોતાના દાન થકી કડવા પાટીદાર સમાજની અનેક સંસ્થાઓને ઊભી કરી છે અને જયસુખ પટેલ સમાજના મોભી અને મોટા દાતા તરીકે ઓળખાય છે. આ સંજોગોમાં તેમનું જયસુખ પટેલ માટે સીધું સમર્થન છે, જો સરકાર જયસુખ પટેલને ન્યાયાલયના કઠેડામાં લાવીને ઊભા કરી દે તો ભાજપને તકલીફ પડી જાય એમાં સંદેહ નથી. એવી પણ ચર્ચા થઈ રહી છે કે ભાજપ સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર કરતાં લેઉવા પાટીદાર સમાજને વિશેષ મહત્ત્વ આપે છે અને કડવા પાટીદારની ઉપેક્ષા કરે છે. સમાજના લોકોમાં હાલ ચર્ચા છે કે જયસુખ પટેલને સરકાર ખોટી રીતે ફસાવીને કડવા પાટીદારોને અન્યાય કરવાની ફિરાકમાં છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર
30 ઓક્ટોબરને રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી સુઓમોટો લઈ ફરિયાદ કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે. ફરિયાદમાં પણ ઓરેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
જવાબદારો
સામે FIR દાખલ કરવાની માંગમોરબીમાં મચ્છુ નદી પર રિનોવેટ કરેલો ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં કંપનીના માલિક સહિત મોરબી પાલિકાના અધિકારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરવા વડોદરાના વકીલે ગુજરાત હાઇકોર્ટમાં સપ્તાહ પહેલાં PIL કરી હતી. રવિવારે સાંજે 6:30 વાગ્યે સૌરાષ્ટ્રના મોરબી ખાતે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અને સિક્યોરિટી ગાર્ડ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લવામાં આવી છે. જોકે, આ પુલના મેઇન્ટેનન્સની કામગીરીની જવાબદરી જેના માથે હતી, તે ઓરેવા કંપનીના માલિક જયસુખભાઇ પટેલ કે, નગરપાલિકાના કોઇ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, જેથી આ મામલે વડોદરાના વકીલ ભૌમિક શાહે ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરી મોરબીની દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલિક, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, મુખ્ય કોન્ટ્રાક્ટર સહિત તમામ જવાબદારો સામે FIR દાખલ કરવાની અરજી કરી હતી.
તપાસ ચાલુ છે: હર્ષ સંઘવી
જયસુખ પટેલનું લોકેશન મળ્યું હોવા અંગે જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આખા કિસ્સામાં તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે પુલમાં ટિકિટ વિક્રેતા તેમજ મેનેજર સહિત કોન્ટ્રેક્ટ પર નાનું-મોટું કામ કરી રહેલા 9 લોકોની ધરપકડ કરી છે તેમજ તમામ લોકોના રિમાન્ડ લઈ કાર્યવાહી હાથ ધરી છે.
જયસુખ પટેલની જ બાતમી નથી મળતી?
ગુજરાતમાં છાશવારે કરોડોની રકમનું ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. કરોડોનો નશીલો જથ્થો ક્યાંથી નીકળ્યો છે, ક્યાં પહોંચ્યો છે, ક્યાંથી આવી રહ્યો છે, ક્યાં છુપાવ્યો છે વગેરેની માહિતી મેળવનારા અધિકારીઓ પણ પાંગળા સાબિત થઈ રહ્યાં છે, કેમ કે તેમને પણ જયસુખ પટેલની બાતમી નથી મળી રહી.
સ્પેશિયલ પ્રોસિક્યુટરની નિમણૂક કરાશે
સામાન્ય રીતે મહત્ત્વના અને ચકચારી ગુના કે ઘટનામાં સરકાર દ્વારા ખાસ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારે ચકચારી અને હૃદયદ્રાવક મોરબી પુલકાંડમાં ઝડપી ન્યાય પ્રક્રિયા પૂરી થાય એ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે સરકાર સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે, જેની મંજૂરી મળ્યા બાદ ખાસ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવશે.
જયસુખ પટેલ પરિવાર સાથે ભૂગર્ભમાં જતા રહ્યા?
મોરબીના ઝૂલતા પુલની હોનારત બાદ પોતાની પોલ ખૂલી જવાની બીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ પરિવાર સહિત ભૂગર્ભમાં જતો છે. હજી થોડા દિવસ પહેલાં પોતાના પરિવારમાં જાણે લગ્ન હોય એ રીતે જયસુખ પટેલે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં ઓરેવા ગ્રુપે કેટલો ખર્ચો કર્યો છે અને ક્યાં-ક્યાંથી મટીરિયલ લીધું છે એવી મોટી-મોટી વાતો કરી હતી, પરંતુ પાંચ દિવસમાં જ ઓરેવા ગ્રુપની નબળી કામગીરીની પોલ ખૂલી જતાં જયસુખ પટેલ અને તેમનો પરિવાર ભૂગર્ભમાં જતો રહ્યો છે.
સ્પેશિયાલિસ્ટ કંપનીના મટીરિયલનો ઉપયોગ કર્યો હતોઃ ઓરેવા
જયસુખ પટેલે આ પુલને ખુલ્લો મૂકતાં પહેલાં દાવો કર્યો હતો કે તેમણે મોરબીની જનતાને આ હેન્ગિંગ બ્રિજની ભેટ આપવા માટે ખૂબ ચીવટપૂર્વક રિનોવેશન કરાવ્યું હતું. તેમણે જિંદાલ સહિતની કંપનીઓને સ્પેસિફિકેશન આપીને આ બ્રિજ માટે ખાસ મટીરિયલ ડેવલપ કરાવ્યું હતું. આવા હેન્ગિંગ બ્રિજ બનાવતી ધ્રાંગધ્રાની પ્રકાશભાઈની કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો હતો. આ બ્રિજનું રિનોવેશન કરવા માટે કંપનીએ 2 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો.
વડીલોપાર્જિત મિલકતની જેમ પુલનું બારોબાર ઉદઘાટન
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે ઓરેવાએ બારોબાર ઝૂલતા પુલનું 26 ઓક્ટોબરે લોકાર્પણ કરી દીધું હતું. આ ઉદઘાટન સમારોહમાં ક્યાંય નગરપાલિકાના કોઈ સભ્ય અથવા અધિકારી જોવા મળ્યા નહોતા. ઓરેવા ગ્રુપના ફેસબુક અને ઈન્સ્ટા પેજ પર નવનિર્મિત ઝૂલતા પુલના ઉદઘાટનના ફોટો અને વીડિયોમાં માત્ર ઓરેવાના એમડી જયસુખ પટેલ અને તેમનું ફેમિલી જ દેખાતું હતું. આમ, આ પુલ જાણે જયસુખ પટેલની વડીલોપાર્જિત મિલકત હોય એ રીતે તેમણે બારોબાર ઉદઘાટન કરી દીધું હતું.
કરોડોના ખર્ચનાં જુઠ્ઠાણાં ચલાવી ફરીથી બ્રિજ ચાલુ કર્યો
જયસુખ પટેલ 2005થી બ્રિજની જવાબદારી સંભાળે છે, નિયમિત સંભાળ ન લીધી અને માત્ર ટિકિટની આવક ખાધી, જેથી બ્રિજ જર્જરિત બન્યો. વધુ નાણાં કમાવવા ટિકિટનો દર વધારી ફરી સંચાલન લીધું પણ રિપેરિંગ શું કર્યું અને કેટલો ખર્ચ કર્યો એ વાત તંત્રને ન કહી. ફિટનેસ ટેસ્ટ કે સર્ટિફિકેશનની પ્રક્રિયા ન કરી લાખો રૂપિયાનો ખર્ચ બચાવ્યો અને કરોડોના ખર્ચનાં જુઠ્ઠાણાં ચલાવી ફરીથી બ્રિજ ચાલુ કરી દીધો. 100ની ક્ષમતા હતી છતાં વધુ કમાવવા માટે 3 ગણાને બ્રિજ પર મોકલી દીધા, જેથી પુલ તૂટ્યો.
શું છે ઓરેવા અને કોણ છે જયસુખ પટેલ?
અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના MD જયસુખ પટેલ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉદ્યોગમાં જાણીતું નામ છે. તેમની કંપનીની ઘડિયાળો એક સમયે ભારતભરમાં ધૂમ મચાવતી હતી. બાદમાં તેમણે વારંવાર ચીનની મુલાકાત લઈને સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ફિલિપ્સ કંપની સામે તેમણે ખૂબ સસ્તા દામે 1 વર્ષની ગેરન્ટી આપતા બલ્બ શરૂ કર્યા હતા.
ઝૂંપડપટ્ટીઓ વીજળી બચાવતાં CFL બલ્બથી ઝળહળી ઊઠી
જયસુખ પટેલનું સપનું ભારતનું દરેક ઘર અને ઝૂંપડીઓ અજંતાની CFL લાઈટથી ઝળહળી ઊઠે તેવું હતું. અજંતાએ CFL શરૂ કરી એ સમયે ભારતમાં બે મહારથી- બજાજ અને ફિલિપ્સે CFL લાઇટ્સ શરૂ કરી દીધી હતી, પરંતુ જયસુખ પટેલે આ મહારથીઓને ટક્કર આપવા માટે રણનીતિઓ પહેલેથી જ ઘડી દીધી હતી. આ મહારથીઓ એ ભૂલી ગયા હતા કે ભારત ગામડાંનો બનેલો દેશ છે. તેઓ ભારતને ‘શ્રીમંતોનો દેશ’ ગણીને તેમની CFLની પ્રોડક્ટ્સનું બ્રાન્ડિંગ ‘લક્ઝુરિયસ લેમ્પ’ તરીકે કરતા હતા. જ્યારે બીજી તરફ, દેશનાં તમામ ઘર અને ઝૂંપડીઓમાં પહોંચવાનાં સપનાંને ધ્યાનમાં રાખીને ‘એનર્જી સેવિંગ ટેક્નોલોજી’ તરીકે, ઓરેવા (ઓ એટલે ઓધવજી અને રેવા એટલે ઓધવજીભાઈનાં પત્ની) નામની કંપનીથી બ્રાન્ડિંગ કર્યું, જેના પરિણામે CFL માર્કેટમાં ઓરેવાનું નામ લોકોનાં ઘર ઘર સુધી પહોંચી ગયું.
ઓરેવા CFLની તમામ પ્રોડક્ટ્સ પર ગેરંટી આપતું
ઓરેવાની CFL પ્રોડક્ટ્સ, ફિલિપ્સ કરતાં ખૂબ જ ઓછા ભાવમાં મળી રહેતી. ફિલિપ્સ જેવી કંપની જ્યારે વૉરંટી પણ નહોતી આપતી, ત્યારે ઓરેવા CFLની તમામ પ્રોડક્ટ્સ પર ગેરંટી આપતું હતું. બલ્બ તૂટી ગયો, જે બગડી ગયો હોય તોપણ બદલી આપતા. બસ ત્યાર બાદ, અજંતા ગ્રુપનું સામ્રાજ્ય આજે ઘડિયાળ ઉપરાંત સિરામિક, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સીસ, કેમિકલ્સ, FMCG, ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ, સ્ટીલ વગેરે જેવા ઉદ્યોગોમાં વિસ્તરી ચૂક્યું છે. ઉદ્યોગ ઉપરાંત આ કંપની સામાજિક જવાબદારીઓમાં પણ અગ્રેસર છે.
બલ્બમાં 1 વર્ષની વોરન્ટીની શરૂઆત કરી હતી
ઉલ્લેખનીય છે કે ભારતમાં સીએફએલ તથા એલઈડી બલ્બમાં એક વર્ષની વોરન્ટી આપવાની શરૂઆત ઓરેવાએ કરી હતી. એ સમયે ફિલિપ્સ તથા હેવેલ્સ જેવી કંપનીઓને જયસુખ પટેલે હંફાવી હતી, પરંતુ બલ્બમાં એક વર્ષની વોરન્ટી આપનારા ઓરેવા હેન્ગિંગ બ્રિજમાં કોઈ વોરન્ટી આપી ન શક્યા.
1971માં 15000ના રોકાણથી કંપનીની શરૂઆત, આજે 800 કરોડનું ટર્નઓવર
અજંતા ક્લોકે મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો દેશ-વિદેશમાં ડંકો વગાડ્યો છે. અજંતા ક્લોકના માલિક ઓધવજી પટેલ 1971માં 15 હજારનું મૂડીરોકાણ કરીને આ કંપનીમાં સ્લીપિંગ પાટર્નર તરીકે જોડાયા હતા, તો ઓરેવાના MD જયસુખ પટેલે મોરબીના ઘડિયાળ ઉદ્યોગને વૈશ્વિક માર્કેટ પૂરું પાડ્યું છે. આજે કંપનીનો 45 દેશમાં બિઝનેસ વ્યાપેલો છે. કંપનીના 7000 કર્મચારીમાંથી 5000 મહિલા છે, જ્યારે વાર્ષિક 800 કરોડનું ટર્નઓવર ધરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.