અરજી કોર્ટે ફગાવી:મોન્ટુ નામદારે પત્નીની સર્જરી માટે જામીન માગ્યા, પોલીસ તપાસમાં પકડાયું કે, ડોક્ટર તો જેલમાં હતો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભાજપ કાર્યકરની હત્યાના આરોપી મોન્ટુએ 30 દિવસના પેરોલ માટે કરેલી અરજી કોર્ટે ફગાવી

ખાડિયાના ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની હત્યા કરનારા મોન્ટુ નામદારે પત્નીના મણકાના ઓપરેશન માટે 30 દિવસના પેરોલ પર છૂટવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે મોન્ટુની પત્નીએ જે ડોક્ટરના રિપોર્ટ રજૂ કર્યા હતા. પોલીસ તે ડોક્ટર પાસે ખરાઈ કરવા પહોંચી ત્યારે ડોક્ટર જેલમાં હોવાનું જાણવા મળ્યું હતું તેમ જ આ સાથે રજૂ કરેલાં અન્ય કારણો પણ યોગ્ય નહીં જણાતા કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા.

મોન્ટુ નામદારે કોર્ટમાં જામીન માટે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, તેની પત્ની ઘરે કામ કરતા અકસ્માતે પડી જવાથી તેમને કમરમાં ઈજાઓ થઈ હતી. કરોડરજ્જુ અને મણકામાં વધારે નુકસાન થયું હોવાથી ઓપરેશન કરવું પડે તેમ હતું. ઓપરેશન માટે રૂ.50 હજાર ખર્ચો થવાનો હોવાથી તે પૈસાની વ્યવસ્થા કરવાની છે.

જ્યારે સામે પક્ષે સરકારી વકીલ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મોન્ટુની પત્નીને સામાન્ય મણકાનો દુખાવો છે, સર્જરીની જરૂર નથી. વધુમાં તેમનો દીકરો 28 વર્ષનો છે, તે પણ સારસંભાળ સારી રીતે રાખી શકે તેમ છે. જ્યારે મોન્ટુની પત્નીએ જે ડોક્ટરનો ઓપરેશન માટેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તેના ત્યાં 2 સપ્ટેમ્બરે ખરાઈ કરવા માટે પોલીસની ટીમ ગઈ હતી ત્યારે ડોક્ટરના પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના પતિની સીઆઈડી ક્રાઈમ દ્વારા ગત 26-08-2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી દવાખાનું પણ બંધ છે.

આથી આ સર્ટિફિકેટમાં શું લખેલું છે અને કયા ભાગનું ઓપરેશન કરવાનું હતું. તે બાબતે મને કશું ખબર નથી. આટલું જ નહીં તેમનાં પત્ની ક્યારે છૂટશે અને ક્યારે ઓપરેશન કરશે તે પણ તેઓ જાણતા નહીં હોવાનું ડોક્ટરના પત્નીએ તેમના નિવેદનમાં લખાવ્યું હતું. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મોન્ટુના જામીન નામંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...