ગુજરાતમાં પહેલી લહેર કાબૂમાં રહી હતી, જોકે ફેબ્રુઆરી બાદ આવેલી બીજી લહેરે ઘાતક રૂપ ઘારણ કરી લીધું હતું, હાલ કેસ અને મોત આંશિક રીતે કાબૂમાં આવી ગયાં છે, જોકે હાલ પણ દૈનિક બે હજાર જેટલા કેસ આવી રહ્યા છે. કોરોનાની પહેલી અને બીજી લહેરની વાત કરીએ તો 28 ફેબ્રુઆરી સુધીના 1 વર્ષમાં કોરોનાના 2.70 લાખ કેસ થયા હતા. ત્યાર બાદ છેલ્લા 3 મહિનામાં જ ડબલ થઈને 5.37 લાખ નવા કેસ નોંધાયા છે. જેના પરથી ત્રીજી લહેરનો અંદાજ લગાવી શકાય કે કેટલી ઘાતક હશે. અત્યારે પણ કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો છે. ત્યાં ઠેર-ઠેર મેળવડાઓ જોવા મળી રહ્યા છે.
પહેલી અને બીજી લહેરમાં નોંધાયેલા કેસ
કોરોનાની પહેલી લહેર, એટલે કે 28 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં 269889 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ બીજી લહેરમાં છેલ્લા 3 મહિનામાં જ 537599 કેસનો વધારો થયો છે. આ વધારો બે ગણા જેટલો થાય છે. હાલ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 807488 પર પહોંચી ગયો છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોનાના વધતા કેસને કારણે હોસ્પિટલો, સ્મશાન, ઈન્જેક્શન લેવા દર્દીઓની લાઈનો પણ જોવા મળી હતી.
મોતમાં બે ગણાથી પણ વધુનો વધારો
પહેલી લહેર એટલે કે 28 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં 4410 દર્દીનાં કોરોનાને કારણે મોત થયાં હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં બે ગણાથી પણ વધારે, એટલે કે 5405 દર્દીનાં મોતનો વધારો થયો છે. ગત મહિનાની 29 એપ્રિલના રોજ એક જ દિવસમાં 180 દર્દીનાં મોત થયાં હતાં. ત્યાર બાદ ઘટાડો થઈ રહ્યો છે.
રિકવરીમાં વધારો થતાં રાહત
ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 762270 દર્દી રિકવર થયા છે. પહેલી લહેર એટલે કે 28 ફેબ્રુઆરી સુધીમાં કુલ 263116 દર્દી રિકવર થયા હતા, જ્યારે ત્યાર બાદ છેલ્લા ત્રણ મહિનામાં કુલ 499154 દર્દી રિકવર થયા છે. હાલ ગુજરાતનો રિકવરી રેટ 94.40 ટકા જેટલો છે. પહેલી લહેરમાં રિકવરી રેટ 97.49 ટકા હતો. છેલ્લા ત્રણ મહિનાનો રિકવરી રેટ 92.84 ટકા પર પહોંચી ગયો છે.
કેટલા ટેસ્ટમાંથી કેટલા કેસ નોંધાયા
ગુજરાતમાં પહેલી લહેર એટલે કે 28 ફેબ્રુઆરી સુધીમાં કુલ 11739846 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 269889 કેસ નોંધાયા હતા, જેનો પોઝિટિવિટીનો દર 2.29 ટકા હતો. જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં 9939372 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 537599 કેસ નોંધાયા છે, જેનો પોઝિટિવિટી રેટ 5.40 ટકા નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.