સરકારનો પહેલો પડકાર:રૂપાણી સરકારે 27મી એ બોલાવેલા વિધાનસભા સત્રમાં હવે પટેલની નવી સરકારની પહેલી પરીક્ષા, જૂના મંત્રીઓ સાથે રહેશે કે સામે?

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
ગુજરાત વિધાનસભાની ફાઈલ તસવીર
  • 27 અને 28 સપ્ટેમ્બરે વિધાનસભાના બે દિવસના ચોમાસું સત્ર બોલાવાયું
  • સત્રમાં નવા મંત્રીઓને જુના મંત્રીઓ માર્ગદર્શન આપશે કે નહીં તે અંગે દ્વિધા, પક્ષ આદેશ કરી શકે છે

ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે સૌ પ્રથમ પડકાર 27 સેપ્ટમ્બરે મળી રહેલા વિધાનસભાના સત્રમાં વિપક્ષનો સામનો કરવાનો રહેશે. નવા મુખ્યમંત્રી સહિત એકદમ નવા નવા મંત્રીઓ માટે વિધાનસભાની કામગીરી પડકારરૂપ બની શકે છે.

27 અને 28 સપ્ટેમ્બરે વિધાનસભાનું ચોમાસું સત્ર બોલાવાયું
ગુજરાતમાં ભાજપે એકદમ કઠોર નિર્ણય લઈને મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ નવું બનાવી દીધું છે, તેમાંય એક પણ સિનિયર મંત્રી નથી કે અનુભવી પણ નથી, આ સંજોગોમાં અગાઉની રૂપાણી સરકારે વિધાનસભાનું ચોમાસુ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી હતી અને 27 અને 28 સપ્ટેમ્બરે બે દિવસનું સત્ર બોલાવવાની વિધાનસભા અધ્યક્ષે પણ જાહેરાત કરી દીધી છે અને હવે નવી સરકારના નવા નિશાળીયા જેવા મંત્રીઓને સીધા જ વિધાનસભા સત્રનો સામનો કરવાનો પડકાર આવ્યો છે. નવા મુખ્યમંત્રી સહિતના નવા મંત્રીઓને માથે આવી પડેલી વિધાનસભા સત્રની જવાબદારીમાં ભૂતપૂર્વ બની ગયેલા અને અનુભવી એવા પૂર્વ મંત્રીઓએ સાથ આપવો પડશે. આ મામલે પક્ષ દ્વારા પણ પૂર્વ મંત્રીઓને સીધી સૂચના આપવામાં આવે તેવી શક્યતા છે.

શપથગ્રહણ કરતા નવા મંત્રીઓની તસવીર
શપથગ્રહણ કરતા નવા મંત્રીઓની તસવીર

કાર્યકારી અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેનને સ્થાન મળી શકે
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં સ્થાન મળતા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપી દીધું હતું, અને હવે તા. 27-28ના રોજ વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર મળનાર છે, તેમાં કાર્યકારી અધ્યક્ષપદે કચ્છના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યને સ્થાન મળી શકે છે, અને આ બે દિવસના સત્રમાં જ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે.

ગુજરાત વિધાનસભાના ગૃહની ફાઈલ તસવીર
ગુજરાત વિધાનસભાના ગૃહની ફાઈલ તસવીર

શાસક પક્ષની પાટલીનું સંપૂર્ણ દ્રશ્ય બદલાશે
ગુજરાતમાં ભાજપે જે રીતે નો રીપીટ થીયરીથી મુખ્યમંત્રી ઉપરાંત તમામ મંત્રીઓને નવા મંત્રીમંડળમાંથી પડતા મુક્યા પછી હવે વિધાનસભામાં પ્રથમ હરોળના દ્રશ્યો જ બદલાઈ જશે અને મુખ્યમંત્રીની પાટલી પર ભુપેન્દ્ર પટેલ આવી જશે અને તેમની બાજુમાં રાજેન્દ્ર ત્રિવેદી બેસશે અને પછી કેબીનેટ મંત્રીઓ સિનિયોરીટી મુજબ બેસશે. આથી શાસક પક્ષની પાટલીનું સંપૂર્ણ દ્રશ્ય જ બદલાઈ જશે.

ગુજરાત વિધાનસભાની ફાઈલ તસવીર
ગુજરાત વિધાનસભાની ફાઈલ તસવીર