તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઈમ:ફ્રેન્ડશીપના વોટ્સએપ પર મેસેજ મોકલી લલચાવીને નાણા ખંખેરતી ગેંગ ઝડપાઈ, સુરતી ભાઈ-બહેન ઝડપાયા અને 9 ફરાર, 71 લોકોએ ફ્રેન્ડશીપ ક્લબમાં લાખો ગુમાવ્યા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયબર સેલ, એલ.સી.બી અને સાણંદ પોલીસ મળી અમદાવાદ ગ્રામ્ય પોલીસે 2ને ઝડપ્યા - Divya Bhaskar
સાયબર સેલ, એલ.સી.બી અને સાણંદ પોલીસ મળી અમદાવાદ ગ્રામ્ય પોલીસે 2ને ઝડપ્યા
  • સ્ત્રી મિત્ર બનાવી આપવાના બહાને લોકોને લૂંટતી ટોળકીના ભાઈ-બહેનને અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ, એલ.સી.બી અને સાણંદ પોલીસે સુરતમાંથી ઝડપી પાડ્યા

વોટ્સએપ પર મેસેજ મોકલીને લોકોને ફ્રેન્ડશીપ કરવા લલચાવીને ભાઈ-બહેનની નાણાં ખંખેરતી ગેંગને અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ, એલ.સી.બી ટીમ તથા સાણંદ પોલીસ સ્ટેશન ટીમે સંયુક્ત રીતે ઓપરેશન કરીને સુરતથી ઝડપી પાડ્યા છે. યુવક પાસે ફ્રેન્ડશીપ કરવાના બહાને 10 લાખ જેટલી રકમ ખંખેરી લેતા તેણે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. પોલીસે બંને ભાઈબહેનને ઝડપી પાડ્યા છે. જ્યારે તેમના 9 સાગરિતો ફરાર છે. અત્યાર સુધી 71 લોકોને તેમણે શિકાર બનાવ્યો હતો અને રૂ, 41 લાખ પડાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સાણંદના યુવાનને વોટ્સએપ મેસેજ કરીને જાળમાં ફસાવ્યો
24 ઓગસ્ટે એક નવીન પધ્ધતિથી ઓનલાઇન ફ્રોડ કરતી ટોળકીએ એક નાગરિક (નામ ગુપ્ત રાખેલ છે) સાથે ફ્રોડ કર્યું હતું. આ જે બનાવમાં ટોળકી દ્વારા યુવકને દોઢેક માસ અગાઉ એક મેસેજ મોકલેલો જેમાં જણાવવામાં આવેલું કે, જો તમે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવા માંગતા હોવ તો જણાવેલ નંબરે ફોન કરવો. યુવકે ફોન કરી ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવા જણાવતા ટોળકી દ્વારા ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવા રજિટ્રેશન કરાવવા ઓનલાઇન ખાતામાં રૂ. 2400 જમા કરાવ્યા હતા. ત્યારબાદ તેના વિઝિટિંગ કાર્ડ બનાવવા માટે રૂ.15,500 ત્યારબાદ ફ્રેન્ડશીપ ક્લબમાં સ્ત્રી મિત્ર બનાવી આપવા તથા તેની સાથે મુલાકાત કરાવવા માટે અલગ અલગ તારીખોએ રૂ. 50000, રૂ.1,49,300, રૂ.1,71,799, રૂ.1,50,000, રૂ.94,000, રૂ.4,12,500 એમ કુલ રૂ. 10,45,199 અલગ-અલગ ખાતાઓમાં ટોળકી દ્વારા યુવક પાસે ભરાવવામાં આવેલા હતા.

યુવકે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
યુવકને તેની સાથે ફ્રોડ થયાનું જાણ થતાં તેણે અમદાવાદ જિલ્લા સાયબર સેલનો સંપર્ક સાધેલો હતો. જે અનુસંધાને સાણંદ પોસ્ટેશનમાં 406, 420આઇ.ટી. એક્ટ કલમ 66સી, 66 ડી મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્યએ સાયબર ક્રાઇમ સેલ, એલ.સી.બીને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ફ્રોડ કરતી ટોળકીને તાત્કાલિક પકડી પાડવા એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.પાવરા, તથા પો.સ.ઇ. એસ.એસ.નાયરને સૂચના આપી હતી.

રૂ.51,200ના મુદ્દામાલ સાથે ટોળકીના બે સાગરિતો પકડાયા
ટેક્નિકલ સર્વેલન્સ આધારે અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ, એલ.સી.બી ટીમ તથા સાણંદ પોલીસ સ્ટેશન ટીમના માણસોએ ટોળકીની સુરત શહેર રીંગ રોડ, સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પાસે સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્ષના પાંચમા માળે ઓફિસ નં 506 તથા સુરત શહેર વેસુ ઉધના-મગદલ્લા રોડ જે.એસ.અંબાણી સ્કૂલની સામે એસ.એન.એસ. બિજનસ પાર્કની ઓફિસ નં 305માં દરોડા કરતા ટોળકી જે સિસ્ટમ દ્વારા ઓનલાઇન ફ્રોડ કરતી હતી. તે લેપટોપ, ડેસ્કટોપ મળી કુલ કિંમત રૂ.51,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ટોળકીમાં સામેલ ભાઇ-બહેનની અટકાયત કરવામા આવી હતી..

ફ્રોડમાં પકડાયેલા આરોપી
(1) સની પંકજ પારેખ ઉ.વ 20
(2) નેહા પંકજ પારેખ ઉ.વ 22 બન્ને રહે- 704, કલ્પવૃક્ષ સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત. મુળ રહે- એ/2 ધનલક્ષ્મી સોસાયટી, સાયન, સુરત.

ટોળકીમાં સામેલ અન્ય ફરાર આરોપી
(1) કેલ્વીન ઉર્ફે ભાવેશ પરષોતમ જોધાણી રહે-28 ,આંનદધારા રો-હાઉસ 3 રામ ચોક નજીક મોટા વરાછા ચોર્યાસી સુરત
(2) પ્રતિક પરષોતમ જોધાણી રહે-સી/104 પ્રિયંક પેલેસ સુદામા ચોક ચોર્યાસી સુરત
(3) ભુરાભાઇ
(4) ડોલી મુકેશ દેસાઇ
(5) અમિત
(6) પવન
(7) શ્રધ્ધા ઉર્ફે જારા
(8) મયુર
(9) રૂપલ રમેશભાઇ સતાપરા

છેલ્લા એક વર્ષથી ફ્રેન્ડશીપ ક્લબના નામે આરોપીઓ લોકો સાથે ફ્રોડ કરતા હતા
પોલીસ તપાસમાં જણાયું કે, આ ટોળકીના માણસો છેલ્લા એક વર્ષથી જુદા-જુદા અસંખ્ય નાગરીકો સાથે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવા અને સ્ત્રી મિત્ર બનાવી આપવાની લાલચ આપી લોકો સાથે ફ્રોડ કરતા હતા. અને અલગ અલગ બેંક ખાતાઓમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. જે હાલ સુધી કુલ-71 જેટલા નાગરિકો ભોગ બનેલાનું જણાઇ આવ્યું છે. જેઓ પાસેથી ઓનાલાઇન આશરે 41,49,400 જેટલી માતબાર રકમ ફ્રોડ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધેલાનુ ધ્યાને આવેલું છે.

ગુનો કરવાની પધ્ધતિ
આ ટોળકી દ્વારા પ્રથમ ટાર્ગેટ વ્યક્તિ ઉપર એક મેસેજ મોકલવવામાં આવે છે. અને તેઓને જણાવવામાં આવે છે કે, તમે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવા માંગો છો તો નીચે જણાવેલા નંબર ઉપર કોલ કરો. જો ટાર્ગેટ વ્યક્તિએ નંબર ઉપર કોલ કરે અને ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવા માંગે તો તેને રજિસ્ટ્રેશનના નામે તથા વિઝિટિંગ કાર્ડના નામે નાણા અલગ-અલગ ખાતાઓમાં ભરાવવામાં આવે છે, ત્યારબાદ ટાર્ગેટ વ્યક્તિને લેડીઝ જોડે વાત કરાવડાવી લલચાવવામાં આવે છે અને ટાર્ગેટ વ્યક્તિની સ્ત્રી મિત્ર બનાવી આપી તેની સથે મુલાકાત કરાવવાના બહાને નાણા બેંક ખાતાઓમાં ભરાવવામાં આવે છે.

જાહેર જનતાને અપીલ
લોકો આવા બનાવો પ્રકાશમાં લાવતા ડરે છે. કેમ કે, આ પ્રકારના બનાવો બહાર આવવાથી પોતાની સામાજીક બદનામી થશે જેથી આવા ભોગ બનનારોને અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ દ્વારા અપીલ કરવામા આવે છે કે જો કોઇ સાથે આ પ્રકારની પધ્ધતિથી ફ્રોડ થયેલ હોય તો અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલના નીચે જણાવેલ નંબરો ઉપર સંપર્ક કરવા જણાવવામા આવે છે. ભોગ બનનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
(1) 9727750757 (2) 9265232534 (3) 9574773333 (4) 8200456551

સોશિયલ મીડિયામાં કમાણી સાથે ગુનાઓ વધ્યાં
સોશિયલ મીડિયાનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે, તેનો ઉપયોગ સારી અને ખરાબ બન્ને રીતે લોકો કરી રહ્યા છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયાને પોતાની કમાણીનું સાધન બનાવી લીધું છે. સોશિયલ મીડિયાને પોતાની કમાણીનુ સાધન બનાવવું એ સારી વાત કહી શકાય પરંતુ કમાણી જો ફ્રોડ અથવા તો છેતરપિંડી કરીને કરવામાં આવતી હોય તો એ ગુનાપાત્ર છે. જેના કારણે સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. અને આવા ગુના કરતા ઇસમોને પકડી પાડી નાગરિકોના નાણા પરત અપાવવાના ઉદ્દેશથી દરેક જિલ્લા તથા રેન્જ લેવલે સાયબર સેલ કાર્યરત છે. સોશિયલ મીડિયા માધ્યમથી નાગરિકો સાથે મળી છેતરપિંડી અટકાવવા તથા ગુનેગારોને શોધી કાઢવા અમદાવાદ ગ્રામ્ય તથા અમદાવાદ રેન્જ લેવલે વી.ચંન્દ્રશેખર, પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્યના વડપણ હેઠળ સાયબર સેલ કાર્યરત હોઇ આવા ઓનલાઇન માધ્યમથી બનતા ગુનાઓ શોધી કાઢવા તેઓની સૂચના અને માર્ગદર્શન આધારે ગુનાઓ શોધી કાઢવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...