સાયબર ક્રાઇમની કાર્યવાહી:મોદી, શાહ, યોગી, રૂપાણી વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ, વીડિયો પોસ્ટ કરનાર ઝડપાયો; અન્ય નેતાઓ વિશે પણ સોશિયલ મીડિયામાં ટિપ્પણીઓ કરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શાંતિ ડહોળાય તેવા મેસેજ ફેલાવવા બદલ સાઇબર ક્રાઇમની કાર્યવાહી

કોરોના મહામારીમાં સરકારની કામગીરીની ટીકા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણીઓ કરવા બદલ અમદાવાદ સાઇબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વિપુલ પટેલ નામના યુવકની ધરપકડ કરી છે. સાઇબર ક્રાઇમ પોલીસ સોશિયલ મીડિયા પર સતત વોચ રાખતી હોય છે, જેમાં કોઈ નાગરિક શાંતિ સલામતી અને સુરક્ષા જોખમાય તેવા લખાણ કે ટિપ્પણી પર તેમ જ જાહેરજીવનની વ્યક્તિઓ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વિખવાદ ફેલાય તેવા કૃત્ય કરનારા સામે કાર્યવાહી કરાતી હોય છે.

તપાસને આધારે યુવકને ઝડપી પાડ્યો
આ સંજોગોમાં સાઇબર ક્રાઇમના પીએસઆઈ કે. કે. મોદીના ધ્યાને આવ્યું હતું કે, કોઈ અજાણ્યા સોશિયલ મીડિયા એકાઉન્ટધારકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના ભાજપના નેતાઓ સામે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ અને વીડિયો ફેસબુક માધ્યમથી પ્રસારિત કર્યા હતા. આ મામલે તેમણે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને શોધવા માટે ટેક્નિકલ તપાસ કરી હતી, જેને આધારે શુક્રવારે વિપુલ પટેલ નામના યુવકની ધરપકડ કરી હતી. આ અંગે તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

સોશિયલ મીડિયા પર નેતાઓ વિશે કેવી કેવી કોમેન્ટ્સ કરી હતી

  • કોરોનાથી થતા તમામ મોત કોંગ્રેસ દ્વારા બનાવાયેલી હોસ્પિટલોમાં થઈ રહ્યા છે. શૌચાલયમાં એક પણ મૃત્યુ થયું નથી.
  • ગુજરાતીઓને સૌરાષ્ટ્રના દરિયાની દિશામાં એક મિનિટ સુધી જોરથી ફૂંક મારવા અપીલ છે, જેથી તાઉતેને આપણી તાકાતનો પરચો મળશે અને તેની દિશા પાકિસ્તાન તરફ ફરી જશે. ફૂંક મારશે ગુજરાત, બચશે ગુજરાત, મરશે પાકિસ્તાન
  • હમે પોઝિટિવ કેસો કી સંખ્યા બઢાની હે, ઈસ નમૂને કી બાતોં મેં ન આયે અપના ઓર પરિવાર કા ખ્યાલ રખે.
  • અબ પાર્ટી મેં મેરા રાજ ચલેગા સંઘ મેરે સાથ હૈ, પહેલે ઈસે જોલા દેકર ભગાઓ..
  • આને કોક મારશે હવે...

અગાઉ પણ અભદ્ર ટિપ્પણી કરતાં ફરિયાદ થઈ હતી
અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અગાઉ પણ કોરોનામાં સરકારની કામગીરીને લઈને સોશિયલ મીડિયામાં રાજકીય નેતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ તેમજ મીમ્સ બનાવી વહેતા કરવા મામલે એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં હજુ સુધી આરોપી પકડાયો નથી. નોંધનીય છે કે, સાઈબર ક્રાઈમમાં સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. જે વાંધાજનક લખાણો સામે સરકાર તરફે ગુનો દાખલ કરવાની કામગીરી કરે છે.