ગુજરાતમાં રાજકીય હલચલ શરૂ:UP ચૂંટણી પરિણામના 48 કલાકમાં મોદી-શાહ ગુજરાત આવશે, આ રહ્યો PMનો બે દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ, શુક્રવારે વિધાનસભાની બેઠક રદ

અમદાવાદ5 મહિનો પહેલા
 • એરપોર્ટથી કમલમ સુધી PMનો ભવ્ય રોડ શો યોજાશે
 • નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમથી PM ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવશે. ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાંના 48 કલાકમાં પહેલીવાર બંને નેતા ગુજરાતમાં એકસાથે પ્રવાસે આવી રહ્યા છે. આ વર્ષે જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે ચૂંટણી પહેલાં રાજ્યમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. PMના કાર્યક્રમને લઈને આખી સરકાર વ્યસ્ત હોવાથી શુક્રવારનું વિધાનસભાનું સત્ર પણ રદ કરવામાં આવ્યું છે.

PMના આગમનને લઈને વિધાનસભામાં શુક્રવારે સત્ર નહીં મળે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મીથી બે દિવસના ગુજરાત પ્રવાસને લઈને શુક્રવારે વિધાનસભાનું બજેટસત્ર નહીં મળે. વિધાનસભાની પરંપરા મુજબ શુક્રવારે બજેટની એક જ બેઠક હોય છે. જોકે આ સત્રમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોવાથી શુક્રવારે એક દિવસની રજા રાખવામાં આવશે, જેની જગ્યાએ આગામી 16 માર્ચે મળશે બે બેઠક.

PM મોદીની ફાઈલ તસવીર.
PM મોદીની ફાઈલ તસવીર.

આખી સરકાર PM મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે
વિધાનસભાનાં સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી શુક્રવારે, 11મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે આયોજિત સરપંચ સંમેલન કાર્યક્રમમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. તો બીજી તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારનું આખું પ્રતિનિધિમંડળ પણ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે, જેને કારણે 11 માર્ચના શુક્રવારે વિધાનસભાના બજેટસત્રમાં રજા રાખવામાં આવશે અને ત્યાર બાદ બીજો અને ચોથો શનિ-રવિ હોવાથી સરકારી કામકાજમાં પણ રજા રહેશે.

PMનો 11મી માર્ચનો કાર્યક્રમ

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે.
 • અહીંથી કમલમ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે.
 • આ રોડ શોમાં ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ તથા અપેક્ષિત હોદ્દેદારો હાજર રહેશે.
 • PM મોદી આ બાદ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરશે અને કમલમમાં ભોજન લેશે.
 • અહીંથી તેઓ રાજભવન જશે અને ત્યાંથી GMDC ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.

PMનો 12મી માર્ચનો કાર્યક્રમ

 • આ બાદ 12મી માર્ચના રોજ PM નરેન્દ્ર મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનાં લોકાર્પણ અને કોન્વોકેશનમાં હાજરી આપશે.
 • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
 • આ કાર્યક્રમ બાદ મોદી સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.
 • આ દરમિયાન સ્પોર્ટ પોલિસીની પણ જાહેરાત કરવામાં આવશે.
PM મોદીની ફાઈલ તસવીર
PM મોદીની ફાઈલ તસવીર

PMના આગમનને લઈને પુરજોશમાં તૈયારી
ઍરપોર્ટથી કમલમ સુધી વડાપ્રધાનના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓની સમીક્ષા ભાજપના નેતાઓ, ધારાસભ્યો, મેયર, કમિટી ચેરમેનોએ કરી હતી. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી 1 લાખની માનવસાંકળ બનવવામાં આવશે. એરપોર્ટથી કમલમ સુધીની વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહે એ માટે નાનામાં નાની વસ્તુઓ અને આયોજન અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

PMના રોડ શોની તૈયારીનું નિરીક્ષણ કરતા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા.
PMના રોડ શોની તૈયારીનું નિરીક્ષણ કરતા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને વૉક-વેનું લોકાર્પણ કરશે
દોઢ દિવસના ગુજરાતના પ્રવાસમાં વડાપ્રધાનના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પાલડી નજીક તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા પશ્ચિમ અને પૂર્વ ફ્રન્ટને જોડતા વોક-વેનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાતભરના કાર્યકરોને મોદી માર્ગદર્શન આપશે
ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એ સમયે ભાજપે તો પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોઈપણ ભોગે સત્તા ટકાવી રાખવા માટે તેણે કમર કસી છે, જેનો શંખનાદ આગામી 11મી માર્ચે નરેન્દ્ર મોદીના વિરાટ શક્તિપ્રદર્શન સાથે ફૂંકવામાં આવશે. આ મિશન ગુજરાતમાં ભાજપના દોઢ લાખથી વધારે જનપ્રતિનિધિઓ હાજર રહેશે, જેમાં ઉત્તરપ્રદેશ ભાજપના વિજયના વિશ્વાસ સાથે આ કાર્યક્રમમાં યુપીનો વિજયોત્સવ ઊજવવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં નરેન્દ્ર મોદી ગુજરાતભરમાંથી આવેલા કાર્યકર્તાઓએ ગુજરાતની ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપશે. આ માટે ભાજપ સરકાર અને સંગઠન સાથે મળીને તડામાર તૈયારીઓ કરે છે. વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ભાજપનું આ વિરાટ શક્તિપ્રદર્શન મિશન 150 બેઠક માટેનું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...