હવે PAASના કથીરિયા AAPના:ભાવનગરના ગારિયાધારમાં કેજરીવાલે અલ્પેશ અને ધાર્મિકને આપનો ખેસ પહેરાવ્યો, પાસનો આપમાં દબદબો

અમદાવાદએક મહિનો પહેલા

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માન બંનેએ ભાવનગરના ગારિયાધારમાં સભા સંબોધી હતી. એ પહેલાં કેજરીવાલે પાસના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને 'આપ'નો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) કોની સાથે જશે તેને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી. પરંતુ શનિવારે જ PAASના કન્વીનર અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના હોદ્દેદારો આમ આદમી પાર્ટી (AAP)માં જોડાશે તેવા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે બંને જોડતાની સાથે પાસનો આપમાં દબદબો બન્યો છે. પાસના કન્વીનર સહિતના નેતાઓ આપમાં જોડાઈ ગયા છે. આ પહેલાં પાસના જ ઈટાલિયા આપમાં જોડાયા હતા અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટીના સર્વોચ્ચ પદે છે.

અલ્પેશ કથીરિયા વરાછાનો જાણીતો ચહેરો, તે બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ
અલ્પેશ કથીરિયા સુરત શહેરના વરાછા વિસ્તારનો સૌથી સ્વીકૃતિ ચહેરા પૈકીનો એક છે. અલ્પેશ કથીરિયાને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. પાટીદાર વિસ્તારોમાં પાસ અનામત આંદોલન સમિતિ બાદ અલ્પેશ કથીરિયાની રાજકીય સફર શરૂ થઈ છે. પાટીદારોનું સુરતમાં ખૂબ મોટું પ્રભુત્વ છે વિશેષ કરીને વરાછા, કામરેજ, ઓલપાડ ,કરંજ, કતારગામ સહિતની બેઠકો ઉપર પાટીદાર મતદારો જે પાર્ટીને ઈચ્છે તેને વિજય બનાવી શકે છે. જેને કારણે દરેક રાજકીય પક્ષની સ્વાભાવિક રીતે ઈચ્છા હોય કે તેઓ પાસ સમિતિને પોતાના તરફ લઈ આવી જેથી કરીને તેમને રાજકીય ફાયદો થાય. ત્યારે આપમાં પાસના નેતાઓ જોડાયા હતા. અલ્પેશ કથીરિયા રાજ્યની હોટેસ્ટ સીટ ગણાતી વરાછા સીટ પરથી ચૂંટણી લડશે. જ્યારે ધાર્મિક માલવિયા ઓલપાડ સીટ પરથી ચૂંટણી જંગમાં ઊતરશે.

જયનારાયણ વ્યાસના ભાજપને રામ રામ?
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના નેતા જય નારાયણ વ્યાસની મુલાકાતે ચર્ચાનો દૌર જગાવ્યો છે ત્યારે નર્મદાના પુસ્તક સંબંધી વાતચીત કરવા માટે મુલાકાત થઈ હોવાનું દેખીતું કારણ જય નારાયણ વ્યાસે આપી ઔપચારિક મુલાકાત હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. જો કે આ બધા વચ્ચે જય નારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી દાવેદારી નોધાવી છે. મળતી માહિતી પ્રમાણે, ભાજપ જય નારાયણ વ્યાસને ટિકિટ આપવાના મૂડમાં ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અશોક ગેહલોત સાથેની મુલાકાત કરવા પાછળ કોંગ્રેસમાંથી સિદ્ધપુર બેઠક પર ચૂંટણી લડવા માટેનું આયોજન જયનારાયણ વ્યાસનું હોય શકે છે.

બીજી તરફ અટકળો એવી પણ ચાલી રહી છે કે જો ભાજપ દ્વારા જય નારાયણ વ્યાસને સિદ્ધપુર બેઠક પર ટિકિટ નહીં આપવામાં આવે તો જયનારાયણ વ્યાસ ભાજપને રામ રામ કરી અને કોંગ્રેસનો હાથ પકડી શકે છે. અથવા તો જો તેઓ કોંગ્રેસમાં નથી પણ જોડાતાં તો પડદા પાછળ રહીને કોંગ્રેસને મદદ પણ કરી શકે છે. જયનારાયણ વ્યાસ 1990, 1995, 1998 અને 2007 એમ ચાર ટર્મ સુધી સિદ્ધપુરના ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. જો કે, 2002, 2012 અને 2017માં તેમનો કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજય થયો હતો.

ડાબેથી જય નારાયણ વ્યાસ અને અશોક ગેહલોત
ડાબેથી જય નારાયણ વ્યાસ અને અશોક ગેહલોત

રાહુલ ગાંધીના ગુજરાતના કર્મચારીઓને 3 વાયદા
ગુજરાતમાં ચૂંટણી ગમે ત્યારે જાહેર કરાય તેવી શક્યતા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે. ત્યારે ગુજરાત માટે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને 3 વાયદાઓ ગુજરાતમાં સરકાર બનશે તો લાગુ કરી દેશે તેમ જણાવ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટના માધ્યમથી પાકી નોકરીનો વાયદો કર્યો હતો. જેમાં લખ્યું હતું કે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી નોકરી, જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવી અને સમયસર પ્રમોશનના લાભ રાજસ્થાનમાં લાગુ કર્યા, હવે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતાં જ કર્મચારીઓને તેમનો હક મળશે.

વિધાનસભા ચૂંટણીની જાહેરાત આડે હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. કેજરીવાલની નજર પાટીદાર મતદારો પર છે જ્યારે મોદીની વિકાસનાં કામો પર નજર છે.

ચૂંટણી જાહેર કરવા વિજ્ઞાન ભવનમાં હિલચાલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી મુજબ, વિજ્ઞાન ભવનમાં ચૂંટણીની જાહેરાત માટે હિલચાલ શરૂ થઈ ગઈ છે. 1 નવેમ્બરે બપોરે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ કરે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર સુધી મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને જંગી જનસભાને સંબોધશે. એ ઉપરાંત તેઓ ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને પણ સંબોધન કરશે. વડાપ્રધાનનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ 1 નવેમ્બરે પૂર્ણ થશે અને 1 નવેમ્બરની સાંજે અથવા 2 નવેમ્બરે બપોરે 12 વાગ્યાની આસપાસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના છે.

અમદાવાદના અશોક મિલ કમ્પાઉન્ડમાં મોદીની જાહેર સભા
આવતીકાલે સાંજે વડાપ્રધાન અમદાવાદ (અસારવા)થી ઉદયપુર ટ્રેનને લીલીઝંડી આપશે. 2000 કરોડથી વધુના ખર્ચે અમદાવાદ- હિંમતનગર મીટરગેજ રેલવે લાઈનને બ્રોડગેજ લાઈન કરી ઉદયપુર સુધી લંબાવવામાં આવી છે. 1 નવેમ્બરથી લોકો માટે અમદાવાદથી ઉદયપુરની રેલવેની સેવા મળી રહેશે. આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસારવા રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપશે. ત્યારબાદ નરોડા રોડ પર એક કિલોમીટર સુધીનો રોડ શો કરશે અને અશોક મિલ કમ્પાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે.

PM મોદી માલવાહક સ્વદેશી વિમાનોના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે વડોદરાના લેપ્રસી મેદાન ખાતે ઉદ્યોગપતિઓને સંબોધન કર્યું હતું. એ પહેલાં તેમણે રોડ શો કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓ ટાટા કંપનીના સહયોગથી ભારતીય વાયુસેના માટે નિર્માણ પામનારા માલવાહન સ્વદેશી વિમાનોની મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ પાંચ હજાર જેટલા બિઝનેસમેનોને પણ સંબોધન કર્યું હતું.

વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી ચુસ્ત બંદોબસ્ત
વડાપ્રધાનની વડોદરા મુલાકાત માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી બંને તરફ બેરિકેટિંગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. રોડ પરના સ્પીડ બ્રેકર હટાવી લેવામાં આવ્યા હતા. તેમજ લેપ્રસી મેદાન અને તેની આજુબાજુમાં 5570 વાહન પાર્ક થઇ શકે તે માટેની વ્યવસ્થા કરાઇ હતી.

મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની લેખિત પરીક્ષા આપવા આવી રહેલા પરીક્ષાર્થીઓ.
મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની લેખિત પરીક્ષા આપવા આવી રહેલા પરીક્ષાર્થીઓ.

GPSCની પરીક્ષામાં અનેક પરીક્ષાર્થીઓ ગેરહાજર
રાજકોટ શહેરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા આજે મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની લેખિત પરીક્ષા શહેરની અલગ-અલગ શાળા-કોલેજોના કુલ 15 કેન્દ્ર ખાતે લેવામાં આવી રહી છે. પરીક્ષાનો સમય સવારે 10થી બપોરના 1 વાગ્યા સુધી સુધી તેમજ બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. પરીક્ષા આપવા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચી પ્રવેશ મેળવી લીધો છે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં સ્ટેશનરી, ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પરીક્ષામાં અનેક પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા છે. રાજકોટ સેન્ટરમાં 3280 જેટલા ઉમેદવારો નોંધાયા હતા. અલગ અલગ બે ભાગમાં પરીક્ષા યોજાઈ રહી છે. સવારના 10 થી 1 અને બપોરના 3 થી 6 કલાક દરમિયાન આ પરીક્ષા યોજાઈ રહી છે.

રાષ્ટ્રીય એકતા દિવસે સ્કૂલોમાં યુનિટી રન યોજવા શિક્ષણ વિભાગનો આદેશ
31 ઓક્ટોબરે એટલે કે સરદાર પટેલ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને તમામ સ્કૂલોમાં યુનિટી રન યોજવા આદેશ કર્યો છે. દિવાળી વેકેશન ચાલી રહ્યું હોવા છતાં સ્કૂલોમાં એકતા દિવસની ઉજવણી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...