આ વર્ષે ઉત્તરાયણને દિવસે વહેલી સવારથી 12 વાગ્યા સુધી પવનની ગતિ થોડી વધુ રહેવાની શક્યતા છે. પરંતુ, 12 વાગ્યાથી સાંજ સુધી પવનની ગતિ પતંગ ચગાવવા માટે માફક આવે તેવી 8થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, ઉત્તરાયણને દિવસે શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
પતંગબાજી માટે સામાન્ય રીતે 8થી 15 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ, ઉત્તરાયણને દિવસે સવારના 6.30 કલાકથી બપોરના 12.30 કલાક સુધી પવનની ગતિ 10થી 22 કિલોમીટરની રહેશે જે પ્રમાણમાં થોડી વધુ કહેવાય બપોરના 12.30થી સાંજના 7.30 કલાક સુધી પવનની ગતિ ઓછી થશે. વાસી ઉત્તરાયણને દિવસે પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે.
બજારોમાં છેલ્લી ઘડીએ ભીડ જામી
ઉત્તરાયણના આગલા દિવસે પતંગ-દોરીની ખરીદી માટે રાયપુર, કાલુપુર ટંકશાળ, દિલ્લી દરવાજા, તેમજ પશ્ચિમ અમદાવાદના બજારોમાં ભારે ભીડ જામી હતી. કોરોનાને કારણે આ વખતે પતંગ દોરીના વેચાણને થોડી ઘણી અસર થયાનું વેપારીઓનું કહેવું છે.
ચીકી અને કચરિયાના ભાવમાં 20 ટકા વધારો
સિંગની ચીકી અને કાળા તેમજ સફેદ તલના છૂટક ભાવમાં આ વખતે 20 ટકા વધારો થયો છે. હોલસેલ બજારમાં ભાવ વધ્યા નથી પણ છૂટક વેપારી વધુ ભાવ વસૂલે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.