LRD 'દોડ'ની ક્વિક ટિપ્સ:દોડની પરીક્ષાની મોક ટેસ્ટ સૌથી પહેલા દિવ્યભાસ્કર પર, દોડની પ્રેક્ટિસ, કસોટીમાં શું ધ્યાન રાખવું? નેશનલ એથ્લીટ રૂપેશ મકવાણાએ આપી ટિપ્સ

અમદાવાદ6 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • LRD ભરતી માટે રાજ્યના લાખો યુવાનો ખેતર, મેદાન, બગીચામાં દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે
  • દોડમાં હંમેશા ત્રણ ફેક્ટર કામ કરે છે, પહેલું સ્ટેમિના, બીજું સ્ટ્રેન્થ એટલે પગમાં પાવર અને ત્રીજું ઝડપ: રૂપેશ મકવાણા

ગુજરાત પોલીસમાં લોકરક્ષક કેડરમાં 10,459 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. આ ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે જેઓની ડિસેમ્બર મહિનામાં શારીરિક દોડની પરીક્ષા યોજાવાની છે. પુરૂષ ઉમેદવારોએ 25 મિનિટમાં 5 કિલોમીટર (5000 મીટર) અને મહિલા ઉમેદવારોએ 1600 મીટર 9.30 મિનિટમાં દોડવાનું છે. રાજયના લાખો યુવાઓ અત્યારે દોડની પ્રેક્ટિસ કરી રહ્યાં છે, ત્યારે શારીરિક દોડમાં પાસ થવા અને વધુ જલ્દી કઈ રીતે દોડ પુરી કરી અને વધુ માર્કસ મેળવવા તે અંગે Divyabhaskarએ અમદાવાદના નેશનલ એથ્લીટ (દોડ) રૂપેશ મકવાણા પાસે દોડ અંગે ટિપ્સ લીધી હતી.

દોડતા પહેલા અને પછી વોર્મ-અપ કરવું જરૂરી
દિવ્યભાસ્કર સાથે વાત કરતા રૂપેશ મકવાણા કહે છે, રનિંગ શરૂ કરીએ તો સૌથી પહેલા ઈજા ન થાય તેના માટે ધ્યાન રાખવું. સૌથી પહેલા પગ પછાડીને ન દોડવું જોઈએ. જો પગની પાની પહેલા પછડાશે તો ઘૂંટણ પર ભાર આવશે અને જો તેનો પ્રોબ્લેમ થયો તો ભવિષ્યમાં પણ દોડી ન શકાય તેવી સ્થિતિ સર્જાય, એટલે પગ ન પછડાય તેનું ધ્યાન રાખવું. રનિંગ પહેલા સૌથી પહેલા વોર્મ અપ, સ્ટ્રેચિંગ, એક્સરસાઈઝ કરો, આ નહીં કરો તો મસલ્સમાં ઈજા થવાની શક્યતા વધી જાય છે.

ઘણા લોકો મેદાન પર આવીને દોડવાનું શરૂ કરી દેતા હોય છે. તમે બાઈક કે એક્ટિવા પર આવો ત્યારે મસલ્સ ટાઈટ હોય છે અને સીધું દોડવાનું શરૂ કરવાથી તે તૂટવાનો ભય રહે છે. એટલે સૌથી પહેલા વોકિંગના બે રાઉન્ડ કરવા, પછી સ્ટ્રેચિંગ કરવું. આમ કરવાથી મસલ્સ સ્ટ્રેચ થશે. જો રનિંગ કરો છો તો તેની સાથે પણ થોડો સમય જોઈએ એટલે તે દરમિયાન દરેકે ઓછામાં ઓછી છથી સાત કલાકની ઊંઘ લેશો તો જ તમારું બોડી રિલેક્સ થશે.

રનિંગની શરૂઆત કેવી રીતે કરવી?
તેમણે વધુમાં જણાવ્યું કે, દોડમાં હંમેશા ત્રણ ફેક્ટર કામ કરે છે. પહેલું સ્ટેમિના, બીજો સ્ટ્રેન્થ એટલે પગમાં પાવર અને ત્રીજો ઝડપ. સૌ સૌપ્રથમ આપને આપના સ્ટેમીના પર કાર્ય કરવાનું હોય છે, જેમાં પહેલા દિવસે પોતાની ક્ષમતા પ્રમાણે દોડવાનું હોય છે. ત્યારબાદ ધીરે-ધીરે બે-ત્રણ મિનિટ વધારતા 50 મિનિટ સુધી એક સાથે દોડવાનું છે. જો તમે ધીરે-ધીરે બે-ત્રણ મિનિટ વધારતા જશો તો તમને ખબર પણ નહીં પડે તમે 50 મિનિટ સુધી દોડતા થઈ જશો અને જ્યારે 50 મિનીટ દોડતા થઈ ગયા ત્યારે તમે પહેલું પગથિયું પાર કરી દીધું છે, એટલે કે તમે તમારો સ્ટેમિના બનાવી લીધો છે.

પગને મજબૂત કરવાની કસરત કરો
તેઓ કહે છે, ત્યારબાદ પગને મજબૂત કરવાની કસરતો અને તેની સાથે દોડવામાં ઝડપ આવે તેવા વર્કઆઉટ કરવાના હોય છે. જેમ કે પગની કસરત માટે હાફ સ્ક્વોડ, જમ્પિંગ જેક્સ, સ્કિપિંગ, લોન્ચિસ, અને પગનું સ્ટ્રેચિંગ જે ખૂબ જ જરૂરી છે અને ત્યારબાદ અનુભવી કોચ દ્વારા તમે ઝડપ માટે શિડયુલ લઈને તેમની સલાહ પ્રમાણે દોડવામાં આવે તો તમે પાંચ કિલોમીટર 20થી 22 મિનિટમાં દોડી શકો છો. ઝડપ માટે તમે પુનરાવર્તન વર્કઆઉટ, સ્લો ફાસ્ટ વર્ક-આઉટ કરવામાં આવે તો ચોક્કસપણે તમારો સમય ઓછો થઈ શકે છે.

દોડતી વખતે પેટમાં દુઃખાવો થાય તો શું કરવું?
રૂપેશ મકવાણા ઉમેર્યું કે, ઘણીવાર લોકો દોડતા સમયે પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા હોય છે. આવી સ્થિતિમાં તેમણે હાથની હથેળીમાં અંગૂઠો રાખીને મુઠ્ઠી વાળીને દોડવું જોઈએ. બે મિનિટમાં જ તેમની પેટમાં દુઃખાવાની ફરિયાદ દૂર થઈ જશે. સાથે જ દોડતા પહેલા વધારે પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી પટેમાં પાણીના હલનચલનથી પણ પેટમાં દુઃખાવાની ફરિયાદ રહે છે.