કાર્યવાહી:દિલ્હી લઈ જવાતાં ઇ-વે બિલ વિનાનાં મોબાઇલ, લેપટોપ, કપડાં જપ્ત કરાયાં

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જયપુર જીએસટી એન્ટિ ઇવેઝન ડિપાર્ટમેન્ટને અમદાવાદથી દિલ્હી જતી બસમાંથી બિલ વિનાની ઇલેક્ટ્રોનિક સામગ્રી મળી

જયપુર જીએસટી એન્ટિ ઇવેઝન ડિપાર્ટમેન્ટને અમદાવાદથી દિલ્હી જતી બસમાં ઇ-વે બિલ વગરનો મોબાઇલ, લેપટોપ અને ઇલેકટ્રોનિક સામગ્રી મળી આવતાં ડિપાર્ટમેન્ટે સામગ્રી સાથે બસની જપ્તી કરી હતી. ગુરુવારે ગુજરાત હોલિડે ઇન્ડિયા પ્રા.લિની ગુજરાતથી દિલ્હી જતી બસનું જયપુરના બદરૂ ટોલનાકા પાસે ચેકિંગ કરતાં લાખો રૂપિયાની માલસામગ્રી મળી આવી હતી.

જયપુરના જીએસટી એન્ટિ ઇવેઝન ડિપાર્ટમેન્ટને દિલ્હી જતી બસમાંથી મોટરપાર્ટ્સ, બ્રાસની વસ્તુઓ, કપડાં, લેપટોપ, ઇલેક્ટ્રોનિક સામગ્રી બસની સીટની નીચેના 30 કોથળામાંથી મળી આવી હતી. બસનો ડ્રાઇવર ઇ-વે બિલ અને માલની હેરફેરના દસ્તાવેજો રજૂ કરી શક્યો નહોતો. આથી તમામ માલસામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

ગુજરાત હોલિડે ઇન્ડિયાની બસના સંચાલકને નોટિસ આપી આ માલના માલિકોની વિગતો આપવા જણાવાયું છે. આ બધા માલસામાન પર સામાન્ય રીતે 18થી 28 ટકા જીએસટી લાગે છે. આ માલ પકડાતા બસ સંચાલકે જીએસટી લખેલા કેટલાક બિલ રજૂ કર્યાં હતાં. બિલમાં માલની વિગત અને જપ્ત કરેલા માલ વચ્ચે ફરક હતો. વધારામાં આ માલના ઇ-વે બિલમાં દર્શાવેલો જીએસટી નંબર પણ રદ થયેલો હતો, ઇ-વે બિલ પણ ખોટી રીતે બનાવેલું હતું. આમ બસ સંચાલકે જરૂરી માહિતી રજૂ ન કરતા ડિપાર્ટમેન્ટે બસ સંચાલક અને અન્ય વ્યક્તિ સામે ચોરીનો કેસ બનાવ્યો છે.

ડિપાર્ટમેન્ટના સૂત્રો અનુસાર, આ બસ સંચાલક અમદાવાદથી દિલ્હી વચ્ચે રોજની 5-7 બસો ચલાવે છે અને આ રીતે ઘણા સમયથી પેસેન્જરના નામે માલની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે. બસના નંબરને આધારે બનાવેલા ઇ-વે બિલની તપાસ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. સામાન્ય રીતે કોઈ વસ્તુની કિંમત 50 હજારથી વધુ હોય અને તેનું વહન કરાતું હોય ત્યારે તેનું ઇ-વે બિલ ફરજિયાત છે. જો માલસામાનની કિંમત 50 હજારથી ઓછી હોય અને જુદી જુદી વ્યક્તિનો સામાન ભેગો થઈને 50 હજારથી વધુ થાય તો તેવા કિસ્સામાં માલ લઈ જનાર ટ્રાન્સપોર્ટર દ્વારા લેનાર-મેળવનાર વતી ઇ-વે બિલ જરૂરી છે. આમ આ કાયદાનો ભંગ કરીને જીએસટીના લાખો રૂપિયાના માલની ચોરી કરાઈ રહી છે. આમ પેસેન્જર બસમાં ટ્રાન્સપોર્ટના વ્યવહારોને ચકાસાશે.

અન્ય સમાચારો પણ છે...