બદલાતા જમાનાની વિચારધારા અને જરૂરિયાતોને કારણે સંયુક્ત પરિવારો ઓછા થઈ રહ્યા છે. જોકે ભારતીય પરંપરાની શાન ગણાતાં આવા પરિવારોનો વારસો આજે પણ ઘણા મોભીઓએ જાળવી રાખ્યો છે. આવા 30 સંયુક્ત પરિવારોને રવિવારે ટાગોર હોલમાં આયોજિત એક કાર્યક્રમમાં સન્માનિત કરાયા હતા.
આ પરિવારોમાં વસ્ત્રાલનો 61 સભ્યોનો પરિવાર હતો. પરિવારના મોભીએ કહ્યું કે, તેમના વડીલોએ 4 પેઢીથી સંયુક્ત પરિવારનો વારસો જાળવ્યો છે. હાલ તેઓ વસ્ત્રાલના ગોપી બંગ્લોઝમાં સાથે જ રહે છે. સવારની ચા અલગ અલગ થાય છે, પણ જમવાનું એક જ રસોડે થાય છે. મૂવી જોવા કે ફરવા જવા માટે તેમને મિત્રોની જરૂર પડતી નથી. આર્થિક મુશ્કેલીઓમાં તેઓ એકબીજાને મદદરૂપ થઈને સમસ્યાનો ઉકેલ લાવે છે. તેઓ ઘરના યુવાનોને પણ સંયુક્ત પરિવારમાં રહેવાના ફાયદા વિશે સમજાવે છે. તેમનું માનવું છે કે, સંયુક્ત પરિવાર એ ખુશીઓનો ગુણાકાર અને દુ:ખોનો ભાગાકાર છે. સાથે રહેવાથી પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળી શકાય છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી સંયુક્ત પરિવારોને એકમંચ પર લવાયા
સન્માનિત કરાયેલા પરિવારોમાં સૌથી વધુ 61 સભ્યનો પરિવાર હતો. 28 સભ્યો ધરાવતા 2 પરિવાર, 17થી 19 સભ્યો ધરાવતા 3 પરિવાર, 13 સભ્યો ધરાવતાં 4 પરિવાર હતા. બાકીના સંયુક્ત પરિવારો 6થી 10 સભ્યોના હતા. કાર્યક્રમના આયોજક સંગીતાબેન પટેલે કહ્યું કે, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કલાસૂર્ય ફાઉન્ડેશને કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પરિવારોને સોશિયલ મીડિયા, હોર્ડિંગ્સના માધ્યમથી એકમંચ પર લાવી શકાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.