અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો આતંક શરૂ થયો છે. પાર્ટી પ્લોટનો કોન્ટ્રાક્ટ ન મળતા જેવી સામાન્ય બાબતમાં રાણીપ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં દસ જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી વિસ્તારમાં દહેશત ફેલાવી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
મિત્રોના કહેવાથી પાર્ટી પ્લોટમાં તોડફોડ
અમદાવાદ શહેર જાણે યુપી-બિહાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સાબરમતી પોલીસે કુલદીપ જોધા, પરવેજ કોરી, રીન્કુ રાજપુત, અલ્પેશ ઉર્ફે બબલુ ચૌહાણ, સાહિલ ઉર્ફે બંગાળી, સચિન દંતાણી અને ચિરાગ નિરબાના નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ રાણીપ અને સાબરમતી વિસ્તારના રહેવાસી છે. મિત્રોના કહેવાથી પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી ભાગી તો ગયા પરંતુ પોલીસથી ના બચી શક્યા અને આખરે સાબરમતી પોલીસે તમામને ઝડપી પાડ્યા છે.
કોન્ટ્રાક્ટ ન મળતા આરોપીએ બદલો લીધો
ગુનાની વિગતવાર વાત કરીએ તો મુખ્ય આરોપી કુલદીપ જોધાને પાર્ટી પ્લોટના માલિકે નવા વર્ષે એટલે કે 2023થી પાર્ટી પ્લોટનો કોન્ટ્રાક્ટ કુલદીપ જોધાને આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ પાર્ટી પ્લોટના માલિકે અગાઉના કોન્ટ્રાક્ટર સાથે સાત વર્ષનો કોન્ટ્રાક્ટ કરેલો હોવાથી આરોપી કુલદીપને કોન્ટ્રાક્ટ ન મળ્યો અને તેણે બદલો લેવા માટે કુલદીપે તેના મિત્રો સાથે હથિયારો લઇને પાર્ટી પ્લોટમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું. જો કે, પોલીસે ફરિયાદ અને સીસીટીવીના આધારે તપાસ કરતા તમામ આરોપીઓને ઝડપી પાડી તપાસ કરતા પકડાયેલા મોટા ભાગના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
દસ આરોપીઓમાંથી ત્રણ સગીર વયના
સાબરમતી પોલીસે રાયોટિંગની કલમો અંતર્ગત ગુનો નોંધી કુલ દસ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ત્રણ આરોપીઓ સગીર વયના હોવાનું સામે આવ્યું છે. પરંતુ અમદાવાદમાં બનતી આ ઘટનાઓને જોતા એ વાત ચોક્કસ કહી શકાય કે અસામાજિક તત્વોનો આતંક પોલીસ માટે પડકાર રૂપ સાબિત થઈ રહ્યો છે અને અમદાવાદ હવે યુપી બિહાર બનતું જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.