અમાનવીય કૃત્ય:અમદાવાદના શાહપુરમાં લોકોએ ટોળે વળી એક કૂતરાને ડંડા મારીને મોતને ઘાટ ઉતાર્યો, વીડિયો વાઈરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ20 દિવસ પહેલા
ટોળાએ એક કૂતરાને લાકડીથી બેફામ માર માર્યો હતો
  • શાહપુરના નાગોરીવાડ વિસ્તારમાં એક ટોળાએ હાથમાં લાકડીઓ લઈને એક કૂતરાને બેફામ ફટકાવાળી કરી હતી
  • કૂતરાને માર મારીને મોતને ઘાટ ઉતારાયાના બનાવ બાદ એનિમલ હેલ્પલાઈન અને જીવદયા પ્રેમીઓ કાર્યવાહીની માગ કરી

અમદાવાદમાં એક અબોલ પશુને લોકોએ ભેગા મળીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવી છે. જીવદયા પ્રેમી આ ઘટનામાં આગળ આવ્યા હતા. આખી રાત આ બનાવ સંદર્ભે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવા ભેગા થયા હતા. પરંતુ વીડિયો સામે આવ્યા બાદ હવે પોલીસે એનિમલ કૃઅલ્ટી એક્ટ અને અબોલ પશુને મારી નાખવાની ઘટના સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એનિમલ હેલ્પલાઈન અને જીવદયા પ્રેમી પોલીસ સ્ટેશન ગયા હતા
એનિમલ હેલ્પલાઇન સાથે જોડાયેલા જીગ્નેશ પંચાલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અમે આ ઘટના અંગે કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. સવારે ચાર વાગ્યા સુધી અમે અનેક પોલીસ અધિકારીને આ અંગે જાણ કરી પણ કોઈએ ફરિયાદ દાખલ કરવા મદદ કરી ન હતી. આ અંગે શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વાળાએ જણાવ્યુ હતુ કે, અમે આ કેસમાં ગુનો દાખલ કર્યો છે, જેમાં એનિમલ કૃઅલ્ટી એક્ટ અને અબોલ પશુને મારી નાખવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

કૂતરાને પૂંછડી પકડીને ઢસળ્યો હતો
કૂતરાને પૂંછડી પકડીને ઢસળ્યો હતો

વીડિયોમાં શું દેખાય છે?
શાહપુર વિસ્તારમાં નાગોરીવાડમાં એક કૂતરાને લોકો ભેગા મળીને લાકડાના ડંડા વડે ક્રૂરતાપૂર્વક મારી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાતા દ્રશ્યમાં લોકો હાથમાં ડંડા વડે કૂતરાને માર મારી રહ્યા છે. અત્યંત માર મારતા કૂતરાનું મોત નીપજ્યું છે. બીજી તરફ આ વાતની જાણ થતાં એનિમલ હેલ્પલાઈન અને અન્ય જીવદયા પ્રેમી લોકો આ ઘટના સંદર્ભે જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે ભેગા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...