સાહેબ મિટિંગમાં છે:સુરતમાં ગણેશ પંડાલોમાં CM સાથે જવામાં ભાજપના MLAને નડ્યો ‘હદનો વિવાદ’, વડોદરામાં મેયરની ખુરશીએ સાંસદ ગોઠવાઈ ગયાં

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી...

બે દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે ગયા હતા. આમ તો આ મુલાકાતનો મૂળ હેતુ ગણેશોત્સવ દરમિયાન વિવિધ વિસ્તારના ગણેશ પંડાલમાં હાજરી આપવાનો હતો. આ માટે સુરતના ભાજપના ધારાસભ્યોને બધા હાજર રહેવા આદેશ પણ આપી દેવાયો હતો, પણ થયું એવું કે મુખ્યમંત્રી સુરત ગયા અને જે પણ ગણેશ પંડાલમાં તેઓ જતા માત્ર ત્યાંના સ્થાનિક ધારાસભ્ય જ હાજર રહેતા હતા. પોતાના વિસ્તારને અડીને આવેલા અન્ય વિધાનસભા વિસ્તારનો પંડાલ હોય તો પણ ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રી સાથે હાજર રહેતા ન હતા. આમ, લોકો વચ્ચે જવાની જરૂર માત્ર મુખ્યમંત્રીને જ લાગી રહી છે. જોકે, ભાજપના ધારાસભ્યોને લાગતું હશે કે ક્યાં વધી હદના વિવાદમાં પડવું?

ગંગાજલ ફિલ્મનો કેટલાય IAS પર પડ્યો ગજબનો પ્રભાવ
રાજયના પ્રવાસન નિગમના (TCGL) એમડી આલોકકુમાર પાંડેએ સિનેમેટિક ટૂરિઝમ પોલિસીના લોન્ચિંગ સમયે એક નવી જ વાત જાહેરમાં કરી હતી. ફિલ્મોનો પ્રભાવ કેવો અને કયા સ્તરે પડતો હોય છે. તે અંગે આલોકકુમારે કહ્યું હતું કે હું જયારે IASની પરીક્ષા આપતો હતો, એ સમયગાળામાં ગંગાજલ ફિલ્મ રિલીઝ થઇ હતી. એ સમયે કેટલાક IAS તરીકે પસંદ થતા યુવાનોએ IPS બનવાનું નક્કી કરી લીધું હતું. જોકે પાંડે સાહેબે પછી ખુલાસો કર્યો કે એ વર્ષે હુ IAS એક્ઝામ કલિયર કરી શકયો નહોતો અને બીજા વર્ષે IAS બન્યો હતો. આમ, અજય દેવગણની સામે IAS બનવાની સફળતા અંગે પ્રેરણા આપતા અધિકારી એમ પણ કહી ગયા કે, જો હું અગાઉના વર્ષે પાસ થઇ ગયો હોત તો કદાચ IPS બન્યો હોત. જોકે આ આખીય ધટના બાદ કેટલાક પ્રવાસન વિભાગના અધિકારી એમ જણાવી રહ્યા હતા કે જો 'સર' ને ગંગાજલ ફિલ્મનો પ્રભાવ બીજા વર્ષ સુધી પડયો કે ટકી રહ્યો હોત.

વડોદરાના મેયર ઊભા થયા તો તેમની ખુરસીમાં સાંસદ ગોઠવાઈ ગયા
વડોદરામાં શિક્ષકદિનના જિલ્લાના કાર્યક્રમ દરમિયાન રાજ્યના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં શ્રેષ્ઠ શિક્ષકનો અવોર્ડ જીતેલા શિક્ષકે વ્યથા ઠાલવી એ તો જગજાહેર છે, પરંતુ આ દરમિયાન મંચ પર પણ એક વિચિત્ર ઘટના બની હતી. રાજેન્દ્ર ત્રિવેદીની સાથે સાથે મંચ પર વડોદરાના મેયર કેયૂર રોકડિયા અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ બેઠાં હતાં. કાર્યક્રમ શરૂ થયા બાદ સૌથી પહેલું સંબોધન મેયર કેયૂર રોકડિયાએ કર્યું અને તેમને બીજા કાર્યક્રમમાં જવાનું હતું, આથી આ કાર્યક્રમ જેમના અધ્યક્ષસ્થાને યોજાઈ રહ્યો હતો તેવા રાજેન્દ્ર ત્રિવેદીને વિનંતી કરી કેયૂર રોકડિયા ખુરસીમાંથી ઊભા થઇ બહાર જવા લાગ્યા. હવે રોકડિયાની ખુરસી જેવી ખાલી થઇ કે તરત વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ રોકડિયાની ખુરશી પર ગોઠવાઈ ગયા. વાત જાણે એમ છે કે, મેયરની ટર્મ 2023માં સપ્ટેમ્બરમાં પૂર્ણ થઇ રહી છે. જ્યારે રંજનબેનની ટર્મ 2024માં પૂરી થશે, પરંતુ આ સંગીત ખુરસીની રમત પરથી ચર્ચાઈ રહ્યું છે કે વડોદરામાં બીજી અઢી વર્ષની ટર્મ માટે મહિલા મેયર આવશે તે રંજનબેનની નજીકના હશે.

દિલ્હી સુધી જબરૂ લોબિંગ, ઉમેદવારોની હોડ લાગી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાજપે રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી સાથે પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરતાવેંત જ રાજકોટની હાઈ પ્રોફાઈલ વિધાનસભા-69ની બેઠક માટે દાવેદારોની લાઇન લાગી ગઈ છે. આ સીટ માટે દિલ્હી સુધી લોબિંગ શરૂ થઈ ગયું છે. આ સ્થિતિમાં આંતરિક જૂથવાદ પણ સપાટી પર આવી શકે છે. આ બેઠક પરથી જેને ટિકિટ નહીં મળે તે સામે વાળાને હટાવવા ગોઠવણો કરશે. હાલ તો આ બેઠક માટે પૂર્વ મેયર બીનાબેન આચાર્ય અને હાલનાં ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, કલ્પક મણિયાર, પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુકલ, ભાજપના લીગલ સેલના વડા અનિલ દેસાઈ ઉપરાંત પ્રદેશ નેતા નીતિન ભારદ્વાજ સહિતના અગ્રણીઓ દાવેદાર છે. બધા પોતપોતાની રીતે ડાયરેકટ ડાયલિંગ કરી રહ્યા છે. જો કે ભાજપ માટે પણ દ્વિધા છે કે કોઈ નારાજ ન થાય એ રીતે ટિકિટ આપી મામલે થાળે પાડવો.

કેબિનેટ મંત્રીને ધારાસભ્ય પણ ન બનવા દેવા તખતો તૈયાર
સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકને લઈને ભાજપમાં આંતરિક કકળાટ શરૂ થયો છે. માર્ગ અને મકાન ખાતું ગુમાવ્યા બાદ હવે આગામી વિધાનસભામાં ચૂંટણીમાં પૂર્ણેશ મોદીનું પત્તું કપાય અને તેઓ ધારાસભ્ય પણ ન રહે એવો તખતો ગોઠવાઈ રહ્યો છે. તેમને ભાજપના એક ટોચના નેતાના કટ્ટર પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. આ વિધાનસભા બેઠક પરથી એમને ટિકિટ ન મળે એના માટે આંતરિક તૈયારી શરૂ થઈ ગઈ છે. આ બેઠક પરથી શહેર મહામંત્રીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે છતાં કોર કમિટીમાં જો કોઈ અડચણ ઊભી થાય તો શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અથવા હાલના મેયરને પણ મેદાનમાં ઉતારી શકે છે. પૂર્ણેશ મોદીને આ બાબતની ગંધ પણ આવી ગઈ છે છતાં શિસ્તના નામે તેઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

ગાંધીનગરના સરકારી ડોક્ટરનો વટ તો જુઓ, શું કોર્પોરેટર ને શું અધિકારી?
ગાંધીનગર મનપાના બે વેટરનરી ડોક્ટર જેવી બિનધાસ્ત રીતે આખા રાજ્યમાં કોઈ સરકારી અધિકારી નોકરી નહીં કરતા હોય. તેમનો વટ તો એવો છે કે, તેઓ ગાંધીનગર મનપા કોર્પોરેટર તો ઠીક સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓના ફોન પણ ઉપાડતા નથી. રખડતાં ઢોરની સમસ્યા ગાંધીનગર શહેરમાં વધી છે, ત્યારે અલગ અલગ વોર્ડના કોર્પોરેટર દ્વારા તેમને મદદ માગવા માટે ફોન કરવામાં આવે છે. તેમ છતાં તેઓ ફોન નથી ઉપાડતા. આમ, કોર્પોરેટરો દ્વારા હવે તેમને કેટલા ફોન કર્યા તેના મોબાઈલ ના સ્ક્રીન શોટ લઈને અધિકારીઓને બતાવે છે. અરે છેક આરોગ્ય વિભાગ સુધી આ બંનેની ફરિયાદો પહોંચી છે છતાં તેઓ આરોગ્ય અધિકારીઓને પણ ગાંઠતા નથી. કોણ જાણે આ બંને પાસે શું જેક છે?

વાતો પ્રાકૃતિક ખેતીની ને હોર્ડિંગ્સમાં હજુ પણ ફોટો જર્સી ગાયનો
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી પર વધારે જોર આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીના માધ્યમથી લોકોને સ્વસ્થ અને રોગમુક્ત જીવન જીવવા માટે સરકાર અને રાજ્યપાલ સહિતના લોકો અભિયાન ચલાવી રહ્યાં છે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પણ એગ્રી એક્સપો યોજવામાં આવી રહ્યો છે, જેમાં પણ પ્રાકૃતિક ખેતી પર જોર આપવામાં આવ્યું હતું, પરંતુ અહીં લાગેલા હોર્ડિંગ્સમાં ગીર જેવી સ્વદેશી ગાયના ફોટો રાખવાની જગ્યાએ જર્સી ગાયના ફોટો રાખવામાં આવતા ચર્ચાનો મુદ્દો બન્યો હતો, કે જોર પ્રાકૃતિક ખેતી પર પણ ફોટો તો વિદેશી ગાયનો?

ગુજરાત કોંગ્રેસમાં હવે ચાલશે તો ગેહલોતનું જ
કોંગ્રસ નેતા રાહુલ ગાંધી હાલ તેમની ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટનું કોણ નક્કી કરશે તે વાત ચર્ચામાં ચાલી છે. સામાન્ય રીતે રાજ્યમાં ચૂંટણી માટેના મુરતિયા-ઉમેદવારની પસંદગી અને તેની પ્રક્રિયા વહેલી શરૂ થતી હોય છે, પરંતુ ગુજરાતમાં આવું થયું નથી. આ સંજોગોમાં તમામ નિર્ણયો ગુજરાતના હાલના પ્રભારી અને રાજસ્થાનના સીએમ ગેહલોત જ લેશે અને તેઓ જ સર્વેસર્વા રહેશે એ લગભગ નક્કી થઈ ગયું છે. તેથી ગુજરાતના નેતાઓ તેમના નામની ભલામણ માટે રાજસ્થાનથી ગેહલોત સાહેબના કનેકશન શોધવાની શરૂઆત કરી દીધી છે, તેથી અગ્રણી નેતા કહી રહ્યા છે. ગુજરાતમાં ઠાકોરનુ ભલે ચાલે પણ ખરા અર્થમાં ગેહલોતનું જ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...