કોંગ્રેસમાં વધુ એક 'ગાબડું' પડશે!:ધારાસભ્ય અશ્વિન કોટવાલ અખાત્રીજે ભાજપની કેસરી 'ટોપી' પહેરશે, સ્વ. અનિલ જોશીયારાના પુત્ર પણ ભાજપમાં જોડાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • આવતીકાલે કમલમ ખાતે અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે

લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની લાંબા સમયથી ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આવતીકાલે અખાત્રીજના દિવસે ભાજપમાં જોડાશે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે અશ્વિન કોટવાલ ભાજપના અન્ય નેતાઓની હાજરીમાં કેસરીયો ખેસ પહેરશે. આ સાથે જ ભિલોડાના સ્વ. ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા પણ ભાજપમાં જોડાશે.

ખેડબ્રહ્મા સીટ પર પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસની ચિંતા વધી
ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલની આગેવાનીમાં કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભુત્વ મેળવી રહી છે. જોકે એવામાં કોંગ્રેસના જ ધારાસભ્યના ભાજપમાં જવાથી આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે. જ્યારે ભાજપ આ વિસ્તારમાં પણ પોતાનું સારું એવું પ્રભુત્વ જમાવી શકે છે.

સ્વ. ડો. અનિલ જોશીયારાના પુત્ર પણ ભાજપમાં જશે
બીજી તરફ ભીલોડાના સ્વર્ગસ્થ ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ડો. અનિલ જોશીયારા કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા અને લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. તેમની સારવાર દરમિયાન રાજ્ય સરકારે તેમનો ખર્ચ ઉપાડ્યો હતો. તેમને પહેલાં અમદાવાદ અને બાદમાં ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા. હવે તેમના અવસાન બાદ તેમની સીટ ખાલી પડેલી છે.

અન્ય સમાચારો પણ છે...