ભાસ્કર એક્સક્લૂસિવ:ધોરણ 12 ફિઝિક્સની બુકમાં ભૂલો, વેચાણ બંધ કરાયું, શિક્ષકોએ કહ્યું - 3 વર્ષથી આ જ ભણાવીએ છીએ

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પાઠ્યપુસ્તક મંડળનો દાવો, માત્ર આ વર્ષે પ્રિન્ટ થયેલાં પુસ્તકોમાં જ ભૂલ છે
  • મોટા પાયે સંજ્ઞામાં ભૂલ, હાલ સ્કૂલોને નવા પુસ્તકની સોફ્ટ કોપી મોકલી દેવાઈ

ધોરણ 12ના ફિઝિક્સ વિષયના પાઠ્યપુસ્તકમાં મોટા પાયે સંજ્ઞામાં ભૂલો હોવાનું જણાતા પાઠ્યપુસ્તક મંડળે તેનું વેચાણ અટકાવી દીધું છે. ટૂંક સમયમાં નવું પાઠ્યપુસ્તક માર્કેટમાં આવશે. પાઠ્યપુસ્તક મંડળે દાવો કર્યો છે કે, માત્ર આ વર્ષે પ્રિન્ટ થયેલા પુસ્તકોમાં જ ભૂલ છે, જ્યારે શિક્ષકોનો દાવો છે કે, છેલ્લાં ત્રણ વર્ષથી આ જ પુસ્તક ભણાવીએ છીએ. ધોરણ 12ના ફિઝિક્સના પુસ્તકમાં મોટા ભાગના ચેપ્ટરમાં સંજ્ઞામાં પ્રિન્ટિંગની ભૂલ જોવા મળી હતી, જેથી પાઠ્યપુસ્તક મંડળે પરિપત્ર કરી દરેક સ્કૂલોને સોફ્ટ કોપીમાં નવું પાઠ્યપુસ્તક મોકલ્યું હતું.

આ સાથે સોફ્ટ કોપીમાં આપેલા પાઠ્યપુસ્તકને આધારે અભ્યાસ કરાવવાની સૂચના આપી હતી. એક જાણીતી સ્કૂલમાં ફિઝિક્સ વિષયના શિક્ષકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, પ્રિન્ટિંગમાં ભૂલ છે તેવું પુસ્તક અમે છેલ્લાં ત્રણ વર્ષથી ભણાવીએ છીએ, પરંતુ અનુભવ હોવાના કારણે અભ્યાસ કરાવતી વખતે જ્યાં પણ ભૂલ આવે છે ત્યાં અમે વિદ્યાર્થીઓને સમજાવીને સુધારો કરાવી લેતા હોઈએ છીએ.

વિદ્યાર્થીઓએ ભૂલ ભરેલા પુસ્તકનો અભ્યાસ કરી પરીક્ષા પણ આપી ચૂક્યા છે. પાઠ્યપુસ્તક મંડળે પુસ્તકમાં સંજ્ઞામાં પ્રિન્ટિંગની ભૂલો હોવાની જાણ બોર્ડને કરી હતી. સાથે જ તેમણે સુધારેલી સોફ્ટ કોપી પણ મોકલી આપી હતી, જેથી ડીઈઓએ સુધારેલા પુસ્તકો તમામ સ્કૂલોને પહોંચાડવા સૂચના આપી છે. જોકે કોની ભૂલથી પાઠ્યપુસ્તકમાં ભૂલો ગઈ છે તેની હજી સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. નવા પાઠ્યપુસ્તક માટે કેટલો ખર્ચ થશે તેની પણ ગણતરી થઈ રહી છે. આગામી સમયમાં કમિટીની બેઠકમાં નવા પાઠ્યપુસ્તકોના વેચાણ અને વિતરણ અંગે નિર્ણય લેવાશે.

ખાનગી સ્કૂલોમાં પુસ્તક બદલી આપવા અંગે વિચારણા
આ વર્ષે પ્રિન્ટ થયેલા ફિઝિક્સના પાઠ્યપુસ્તકનાં વિવિધ પ્રકરણોમાં સંજ્ઞામાં ફોન્ટ મિસિંગની સમસ્યા ઊભી થઈ છે. અમે હાલમાં પુસ્તકનું વેચાણ અટકાવી દીધું છે. સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને નવું પુસ્તક અપાશે, જ્યારે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓનાં પુસ્તકને રિપ્લેસ કરવું કે નહીં તેનો નિર્ણય આગામી સમયમાં લેવાશે. > ડી. આર. સરડવા, નાયબ નિયામક, પાઠ્યપુસ્તક મંડળ

અન્ય સમાચારો પણ છે...