સ્વીટી નહીં પણ સળગેલા હાડકાં મળ્યા:સ્વીટી પટેલનો પોલીસ પતિ અજય દેસાઈ જ હત્યારો નિકળ્યો, કરજણના બંગલે હત્યા કરી કિરીટસિંહની બંધ હોટેલ પાસે લાશ સળગાવી

અમદાવાદ3 મહિનો પહેલા
પતિ અજય દેસાઈ સાથે સ્વીટી પટેલ
  • 4 જૂનની રાત્રે સાડા બારે ઊંઘમાં જ સ્વીટીનું ગળું દબાવી મારી નાંખી, બીજા દિવસે સાંજે લાશ બાળી
  • સ્વીટીની બાજુમાં તેનું બાળક ઊંઘતુ હતું છતાં મર્ડર કર્યું, ગાડીમાં લાશ મૂકી સાળાને સ્વીટી ગુમ થયાનું કહ્યું
  • કરજણ ટોલનાકાએ CCTVમાં PIની દેખાયેલી કાર, લાશ મળી એ સ્થળે તેમના મોબાઈલ લોકેશને શંકાને વધુ ઘેરી બનાવી
  • વડોદરા પોલીસે 45 દિવસ સુધી અંધારામાં ફાંફા માર્યા ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસમાં જ ભેદ ઉકેલી દીધો

વડોદરા જિલ્લા એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. આ કેસમાં આજે નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલની હત્યા PI પતિ અજય દેસાઈએ જ કરી છે. આરોપી PI એ.એ.દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે.અજય દેસાઈએ પોતાના કરજણ સ્થિત ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં જ ગળાટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.

4 જૂનની રાત્રે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો
કરજણમાં 4 જૂનની રાત્રે પોતાના બંગલોમાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધે તકરાર થઈ હતી. ત્યાર બાદ રાતના 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુતું હતું ત્યારે જ પતિ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધું હતું.સમગ્ર રાત દરમિયાન સ્વીટીની લાશ પ્રયોશા સોસાયટીના ઉપરના મકાનમાં આવેલા બેડરૂમમાં મુકી દીધી હતી.

આ પણ વાંચોઃ 'મને ભણવામાં રસ નથી, હું કંટાળી ગયો છું'નું ફોન-રેકોર્ડિંગ કરી સગીરે ઘર છોડ્યું, સાથે રૂ.60 હજાર લેતો ગયો

અટાલી સ્થિત મિત્રની બંધ હોટલમાં લાશ સળગાવી
ત્યાર બાદ 5 જૂનની સવારે પોણા અગિયાર વાગ્યાની આસપાસ પોતાની બ્લેક કલરની જીપ કમ્પાસને પોતાના ઘરના કમ્પાઉન્ડમાં રિવર્સ લઈ ઘરના મુખ્ય દરવાજા સુધી લાવીને મુકી દીધી હતી. સ્વીટીની લાશને ઉપરના રૂમમાં બ્લેન્કેટમાં પેક કરી ગાડીની ડીકીમાં મુકી. લાશને ગાડીમાં મુક્યા બાદ ગાડીને ફરી બાજુના મકાનના કમ્પાઉન્ડમાં મુકી સાડા અગિયાર વાગ્યાની આસપાસ પોતાના સાળા જયદીપને સ્વીટી ગુમ થયાના સમાચાર આપી કહ્યું કે હું સ્વીટીને શોધવા જઉં છું.

મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદ લઈ લાશને સળગાવી
ત્યાર બાદ આરોપી અજય દેસાઈએ પોતાના મિત્ર કિરીટસિંહ જાડેજા કરજણવાળાની મદદ લીધી. લગભગ સાંજના ચારેક વાગ્યે લાશને કરજણ-આમોદ-વાગરાથી દહેજ હાઈવે પર અટાલી ગામના પાટિયા પાસે આવેલી કિરીટસિંહ બંધ હોટલમાં પુંઠ્ઠા, લાકડા અને ઘાસ નાખીને લાશ સળગાવી દેવામાં આવી હતી. લાશ સળગાવી દીધી.

આરોપી અજય દેસાઈએ બે વર્ષમાં લગ્ન કર્યા હતા
PI એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.

બંધ હોટલના માલિક કિરીટસિંહની ધરપકડ થશે
હત્યા કર્યા બાદ સ્વીટીની લાશ કારમાં દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગમાં લઈ ગયો હતો. આ જમીન અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા સહિત 15થી 16 ભાગીદારોની માલિકીની છે અને 10 વર્ષ પહેલા જમીન પર હોટેલનું બાંધકામ કરાયું હતું, પણ કોઇ કારણોસર આ બાંધકામ અધુરુ રહ્યું હતું. જેને પગલે હવે કિરીટસિંહ જાડેજાની પણ આ કેસમાં સંડોવણી ખુલી હોવાથી ધરપકડ થશે.

વડોદરા જિલ્લા પોલીસ આંધળાનો ગોળીબાર કરતી રહી
આ કેસમાં જિલ્લા પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ પૂરવાર થયું છે. છેલ્લા 45 દિવસ ઉપરાંતથી સિટી પટેલને શોધવામાં જિલ્લા પોલીસે કંઈ ઉકાળી શકી નહોતી. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં સ્વીટી પટેલ પ્રકરણ ઉપરથી પડદો ઉંચકી નાંખ્યો છે. સ્વીટી પટેલને શોધવા માટે જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈની સૂચના પ્રમાણે પ્રમાણે ડભોઇ ડિવિઝનના DYSP કલ્પેશ સોલંકી, જિલ્લા એલ.સી.બીની ટીમો કામે લાગી હતી. પરંતુ 45 દિવસમાં માત્ર અને માત્ર તેઓએ હવામાં ફાંફા ભર્યા હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સ્વિટી પટેલ ઉપરથી પડદો પાડવા જિલ્લા પોલીસે કરેલી તપાસ શંકા ઉપજાવે છે.​​​​​​​

હાડકાં મળેલાં ત્યાંથી PIનું લોકેશન પણ મળેલું
પોલીસને અટાલીના મકાનમાંથી માનવ હાડકાં મળી આવતા પોલીસે અવાવરું મકાનની આસપાસના મોબાઇલ ટાવરોની તપાસ કરી હતી. જેમાં સ્વીટીના પતિ એ.એ.દેસાઇના મોબાઈલ ફોનનું લોકેશન મળી આવ્યું હતું.

નવેસરથી તપાસનો દોર શરૂ થયો હતો
થોડા દિવસમાં જ આ કેસ રાજ્યની બે મહત્ત્વની એજન્સી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાયો હતો. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ સ્વીટી ગુમ કેસમાં વડોદરા પહોંચ્યા હતા. તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચના એ.સી.પી. ડી. પી.ચૂડાસમાને સોંપવામાં આવી હતી. ત્યાર બાદઅમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમ કરજણ ખાતે પહોંચી હતી. અને અત્યારસુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા DYSP કલ્પેશ સોલંકી પાસેથી તપાસના કાગળો લીધા હતા. એ બાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો.

અટારીના અવાવરું મકાનમાંથી માનવ હાડકાં મળ્યાં હતાં
ક્રાઇમ બ્રાચની ટીમે તપાસ હાથ પર લીધા બાદ રહસ્યમય ગુમ સ્વીટી પટેલના પતિ પી.આઇ. એ.એ. દેસાઇના કરજણ સ્થિત મકાનનું પંચનામું કર્યું હતું. એ બાદ ટીમ દહેજના અટારી ખાતેના અવાવરૂ મકાનમાં પહોંચી હતી અને જે સ્થળેથી માનવ હાડકાં મળ્યાં હતાં એ જગ્યા અને મકાનનું પંચનામું કર્યું હતું.

પીઆઇ અને સ્વીટીની વ્હોટ્સએપ ચેટના અંશો પોલીસના હાથે લાગ્યા
પોલીસે સ્વીટીના મોબાઇલમાંથી કેટલીક વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, ત્યારે પીઆઇ અને સ્વીટીની વ્હોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે લાગ્યા છે. પોલીસને હાથ લાગેલી વ્હોટ્સએપ ચેટમાં સ્વીટી પીઆઇને કહે છે કે હું જતી રહીશ, મરી જઇશ. પોલીસે મોબાઇલની વ્હોટ્સએપ ચેટને આધારે વધુ તપાસ શરૂ કરી હતી.

શું છે સમગ્ર મામલો
વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં ફરજ બજાવનાર પીઆઇ એ.એ.દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ છેલ્લા 49 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતાં. હાડકાંના નમૂના એકત્ર કરીને એફએસએલ ખાતે મોકલાતા હાડકા યુવાન વય અને મધ્યમ ઉંમરની વ્યક્તિનાં હોવાનું તારણ અપાયા બાદ પોલીસે પીઆઇ દેસાઇ તથા તેમનાં પત્ની સ્વીટી પટેલના 2 વર્ષના બાળકના સેમ્પલ લઇને એફએસએલમાં મોકલી ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો .

અન્ય સમાચારો પણ છે...