હત્યા:અમદાવાદના ગોતાથી ગુમ થયેલ સાત વર્ષની ખુશીની હત્યા કરાયેલી લાશ મળી, પોલીસે DNA રિપોર્ટની કાર્યવાહી હાથધરી

અમદાવાદએક વર્ષ પહેલા
ઘર આંગણે રમતાં રમતાં 13 સપ્ટેમ્બરના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ હતી ખુશી. - Divya Bhaskar
ઘર આંગણે રમતાં રમતાં 13 સપ્ટેમ્બરના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ હતી ખુશી.
  • મોડી સાંજે એસપી રિંગ રોડ પર આવેલા ઓંગણજ ટોલનાકા નજીક ખુલ્લી જગ્યામાંથી ખુશીની લાશ મળી

શહેરના ગોતા હાઉસિંગમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી ખુશી રાઠોડ નામની સાત વર્ષની બાળકીની લાશ આજે મોડી સાંજે એસપી રિંગ રોડ પર આવેલા ઓંગણજ ટોલનાકા નજીક ખુલ્લી જગ્યામાંથી મળી આવી છે. રિંગ રોડ પર દુર્ગંધ મારતા ખુલ્લી જગ્યામાં તપાસ કરતા લાશ મળી હતી. જેથી સોલા પોલીસને જાણ કરવામાં આવી હતી. સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચતા કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. નાની બાળકીની લાશ હોવાથી ખુશીની જ લાશ હોવાનું પોલીસને શંકા છે. લાશની ઓળખ માટે પોલીસે DNA રિપોર્ટ કરાવ્યો છે.

ઝોન 1 DCP ડો. રવિન્દ્ર પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોહવાયેલી હાલતમાં લાશ મળી છે ખુશીની જ લાશ છે કે કેમ તે DNA રિપોર્ટ પછી ખ્યાલ આવશે. હાલમાં તેનો DNA રિપોર્ટ કરાવવામાં આવ્યો છે.

ખુશીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી લાશને ખુલ્લા ખેતરમાં ફેંકી દેવામાં આવી હોવાની શંકા છે. બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું કે કેમ તે પીએમ રિપોર્ટમાં બહાર આવશે.

એક પરિચિત વ્યક્તિની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી
બાળકીના પરિવારમાં એક પરિચિત વ્યક્તિની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. જેની પૂછપરછ બાદ બાળકીની લાશ ઓગણજ ટોલનાકા પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ફેંકી હોવાનું જણાવતા પોલીસને લાશ મળી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક બાળકીના કોઈ પરિવારજનની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે. જો કે ક્રાઈમ બ્રાન્ચ આ મામલે આવતીકાલે ખુલાસો કરે તેવી શક્યતા છે.

ગોતા હાઉસિંગમાં રહેતા શ્રમજીવી પરિવારની 7 વર્ષની બાળકી ખુશી રાઠોડ ઘર આંગણે રમતાં રમતાં 13 સપ્ટેમ્બરના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ સોલા પોલીસે સ્થાનિક રહીશોની મદદથી આસપાસના વિસ્તારમાં આખી રાત તપાસ કરી હતી. તેમ છતાં બાળકીની કોઈ જ ભાળ ન મળતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ધ્રાંગધ્રાના વતની દંપતી 15 વર્ષથી ગોતા હાઉસિંગમાં રહે છે. સંતાનમાં તેમને 3 દીકરી હતી, જેમાં સૌથી મોટી દીકરી 7 વર્ષની ખુશી હતી. શનિવારે રાતે ખુશી ન દેખાતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી નહોતી. પોલીસે લાઉડ સ્પીકર પર તેમ જ પોલીસ વાનના સેટ પર ખુશીને શોધવા આખી રાત જાહેરાત કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ ન મળતા રવિવારે સવારથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાળકીની શોધ શરૂ કરી હતી. પરંતુ પોલીસને કોઈ કડી હાથે લાગી ન હતી. દરમ્યાનમાં આજે પોલીસને ઓગણજ ટોલનાકા પાસેથી બાળકીની લાશ મળી છે.

અન્ય સમાચારો પણ છે...