કડવા અનુભવને અવસરમાં પલટ્યો:30 સેકન્ડના કામ માટે 15 મિનિટ રાહ જોઈ ને અમદાવાદના યુવાઓએ AI સોફ્ટવેર બનાવી દીધું, ગણતરીની સેકન્ડ્સમાં તમામ માહિતી આપશે

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: અદિત પટેલ
  • કૉપી લિંક
  • RTPCR ટેસ્ટ ફરજિયાત છે કે નહીં જાણવા કોલ કર્યો ને 15 મિનિટનો સમય લાગતા વિચાર સ્ફૂર્યો
  • થ્રિપટી AI સોફ્ટવેર કે જે માત્ર માહિતી જ નહીં પણ બિલ બનાવીને પેમેન્ટ પણ વસૂલી શકે છે
  • હર્ષ ઝા, દર્શના ઝા, તનુશ્રી મુખર્જી અને યશેષ ગુપ્તાએ સ્ટાર્ટ અપ શરૂ કર્યું

ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરતા આ યુગમાં હવે ડગલેને પગલે આપણને ટેકનોલોજીની જરૂર પડે છે. ત્યારે અમદાવાદના હર્ષ ઝા નામના યુવાને પણ એક નવી સિદ્ધિ મેળવી છે. આ યુવાને પોતાની સાથે થયેલા કડવા અનુભવને અવસરમાં બદલી નાંખ્યો છે.

30 સેકન્ડના કામ માટે 15 મિનિટની રાહ જોવી પડીને વિચાર આવ્યો
અમદાવાદમાં રહેતો હર્ષ ઝા નામનો વિદ્યાર્થી કોરોનાકાળ દરમિયાન પૂનામાં હતો. આ સમયે તેને અમદાવાદ પરત ફરવું હતું. જેથી તેને RTPCR ટેસ્ટ ફરજિયાત છે કે નહીં તે અંગે જાણવું હતું. આથી તેણે એરપોર્ટથી સ્પાઇસજેટ એરલાઇનની હેલ્પ નંબર પર કોલ કર્યો, પણ તેને 15 મિનિટ સુધી કોલ પર વેઈટિંગ કરવું પડ્યું. ત્યારબાદ બાદ તેણે માત્ર 30 સેકન્ડમાં પૂછપરછ કરીને માહિતી મેળવી. પરંતુ તેના મનમાં એક વિચાર સ્ફૂર્યો કે 30 સેકેન્ડ માટેનો જવાબ લેવા માટે પણ મારે 15 મિનિટ કોલ ચાલુ રાખવો પડે છે, આ બાબતે કંઈક કરવું જ પડશે.

થ્રિપટી AI સોફ્ટવેરે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી
આ અંગે હર્ષ ઝાએ તેના મિત્રો સાથે ચર્ચા કરી અને તે પોતે બી.ટેકનો અભ્યાસ કરતો હોવાથી તેને એક આઈડિયા આવ્યો. તેણે વિચાર્યું કે આ માટે એક AI સોફ્ટવેર જ બનાવી દઈએ તો લોકોને ઓછા સમયમાં વધુ જાણકારી મળી રહે. આ સ્ટાર્ટઅપ બી.ટેકના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હર્ષ ઝા, દર્શના ઝા, તનુશ્રી મુખર્જી અને યશેષ ગુપ્તા એમ ચાર મિત્રોએ મળીને શરૂ કર્યું. જેમાં તેએઓ થ્રિપટી નામનું AI સોફ્ટવેર બનાવ્યું છે. આ સ્ટાર્ટઅપ તૈયાર કરવામાં આવેલા થ્રિપટી AI સોફ્ટવેરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી નામના મેળવી છે. જેમાં તેઓએ TIE (ધ ઈન્ડસ આંત્ર્યપ્રિન્યોર)ગ્લોબલ સમિટમાં ભાગ લીધો અને આ સમીટમાં પોતાના પ્રોજેકટને પહેલીવાર રજૂ કર્યો.

8 દેશોમાંથી ટોપ 500 સ્ટાર્ટઅપમાં સ્થાન મળ્યું
ત્યારબાદ તેમના સ્ટાર્ટઅપથી પ્રભાવિત થઈને તેમને CII(કન્ફેડેરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી)અને 3M જેવી કંપનીએ તેમને મેરિટ લેટર આપ્યા. માત્ર એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય લેવલે Innopreneurs સ્ટાર્ટઅપ કોન્ટેસ્ટમાં 8 દેશોમાંથી ટોપ 500 સ્ટાર્ટઅપમાં સ્થાન મળ્યું. આ સ્ટાર્ટઅપ માં ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ આંત્ર્યપ્રિન્યોર કાઉન્સિલમાં ઈન્ક્યુબેશનમાં સિલેક્શન થતા તેઓ ને 1.50 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ મળી છે.

થ્રિપટી AI સોફ્ટવેરમાં શું છે
આ સોફ્ટવેર આઈફોનની સિરી અને એન્ડ્રોઇડના ગૂગલ આસિસ્ટન્ટ કરતા ખૂબ જ અલગ પ્રકારનું AI( આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સોફ્ટવેર છે. આ સોફ્ટવેરમાં એક પ્રકારનો માનવી કોમ્પ્યુટરમાં દેખાય છે જે તમને માહિતી સાથે સમજણ પણ પુરી પાડે છે, એટલું જ નહીં જેમાં તેમાં આપેલા કમાન્ડ મુજબ આ સોફ્ટવેર કોઈ યોજના કે સુવિધા માટે સરળતાથી માહિતી ઉપલબ્ધ કરાવી તે માટેનું ફોર્મ પણ તમારા ઈશારે ભરી આપે છે એ પણ તમારી પસંદગીની ભાષામાં. જેમકે કોઈ સરકારી યોજના માટે કોઈને એપ્લાય કરવું હોય તો તેના માટેની માહિતી અને તેમાં એપ્લિકેશન પણ આ સોફ્ટવેરની મદદથી ફિલઅપ કરી શકાય છે.

ઘરે બેઠા બેઠા કામ થઈ જશે
સામાન્ય રીતે કોઈપણ સેવાના કસ્ટરમર કેરમાં ફોન કરો તો તેમાં લોકોને રેકોર્ડેડ કમાન્ડના કારણે ઘણી રાહ જોવી પડે છે, આ સોફ્ટવેરને એવી રીતે ડિઝાઇન કરાયું છે કે કોઈ વ્યક્તિને જે માહિતી જોઈએ તે સીધી અને સરળતાથી મળી રહે. તેને બિનજરૂરી માહિતી ઉપલબ્ધ ન થાય. આ સોફ્ટવેર મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાથી લોકોને જે જગ્યાએ રૂબરૂ જવું પડે તેની બદલે તે ઘરે બેઠા બેઠા તમામ કામ આ એપથી અને એ પણ કોઈની સાથે વાત કરતા હોય તે રીતે કરી શકે. જેથી કોઈ જગ્યાએ ભીડ ન થાય અને તમામ કામ ઝડપી થાય.

AMCએ પણ આ યુવાનોને જનમિત્ર કાર્ડ બનાવવા માટેનું કામ આપ્યું છે, જેથી હવે લોકોને આ કાર્ડ માટે AMCની ઓફિસ જવાના બદલે એપ પર જ તમામ માહિતી મેળવીને કાર્ડ મેળવી શકે છે. સાથે તેઓ પેમેન્ટ પણ સરળતાથી કરી શકે તે માટે પણ આ સોફ્ટવેરને તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાત યુનિ. સ્ટાર્ટઅપ આંત્ર્યપ્રિન્યોર કાઉન્સિલે 1.50 લાખની મદદ કરી
આ AI સોફ્ટવેરનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર હર્ષ ઝાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા સાથે જે બનાવ બન્યો કે જેમાં મારે માત્ર હા કે ના જાણવામાં 15 મિનિટ બગાડવી પડી તેને લઈને મને આઈડિયા આવ્યો કે ટેકનોલોજીના જમાનામાં ક્યાં સુધી આટલો બગડતા રહીશું. એટલે મેં મારા મિત્રો સાથે ચર્ચા કરી અને મને આ સ્ટાર્ટઅપનો આઈડિયા આવ્યો. જેમાં મેં મિત્રો સાથે ઘણી ચર્ચા કરીને આખરે અમે આ પ્રકારનું સોફ્ટવેર બનાવવા માટે પહેલ કરી. અમને ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ આંત્ર્યપ્રિન્યોર કાઉન્સિલ તરફથી 1.50 લાખની મદદ પણ મળી.અમે આ સોફ્ટવેરનું થ્રિપટી નામ આપ્યું છે.

પબ્લિક પ્લેસ પર KIOSK અથવા મોબાઈલ એપ પર માહિતી મળશે
હર્ષ ઝા આગળ કહે છે અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ સોફ્ટવેરને લોકો સમક્ષ મૂક્યું, જેમાં અમને પ્રાઇઝીઝ પણ મળ્યા.આ સોફ્ટવેર આવનારા દિવસોમાં ખુબજ ઉપયોગી બનશે. તમામ પબ્લિક પ્લેસ પર KIOSK અથવા મોબાઈલ એપ થ્રુ લોકોને તમામ માહિતી સરળતાથી મળી રહેશે. હાલ અમને IIM બેંગ્લોર મેન્ટોરશિપ આપી રહ્યું છે STARTUP INSTABULએ પોતાની વેબસાઈટ પર પણ અમને ફિચર કરીને એપ્રિશિયેટ કર્યા છે.સાથે AMCનો એક જનમિત્ર સોફ્ટવેર બનાવવાનો પ્રોજેકટ પણ અમને મળ્યો છે જેના પર અમે કામ કરી રહ્યા છે. અમારું સોફ્ટવેર લોકોને માહિતી સાથે અલગ અલગ સર્વિસ પણ પુરી પાડે છે આ જ AI સોફ્ટવેરની મુખ્ય ખાસિયત છે.

વેક્સિનેશન માટે પણ સોફ્ટવેરમાં ડિઝાઈન કામ શરૂ કર્યું
આ સ્ટાર્ટઅપ ટીમની મેમ્બર દર્શના ઝાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ AI સોફ્ટવેર આપણા જેવું એક માણસ જ છે એ રીતે અમે ડિઝાઇન કર્યું છે.આ સોફ્ટવેર ઘણી જાહેર સેવા માર્કેટિંગ અને સર્વિસ માટે ઉપયોગી બનશે. જેમાં હોટેલમાં આ સોફ્ટવેર સાથે કોઈ KIOSK ઉભું કરવામાં આવે તો ગેસ્ટ ખચકાટ વગર રૂમ રેન્ટ, રેસ્ટોરન્ટ અને હોટલની માહિતી મેળવીને બુકિંગ કરવા માંગે તો બુકિંગ કરી શકે છે. તેમજ અમે એક વેક્સિનેશન માટે આ સોફ્ટવેરમાં ડિઝાઈન કરી રહ્યા છીએ જે તમને વેક્સિનેશનની માહિતી આપીને સમજણ પુરી પાડશે. તે પણ તમારી ગમતી ભાષા માં અને એક રિયલ માણસની જેમ સવાલના તમામ જવાબ પણ તે આપશે.આ પ્રોજેક્ટમાં અમને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે જેમાં ફેમિલી નો પણ ઘણો સપોર્ટ રહ્યો છે.