અમદાવાદ કોટ વિસ્તારમાં મતનો મિજાજ:AAPના ગુજરાતમાં આવવાથી ભાજપમાં હડકંપ, રાજકીય પક્ષોએ લઘુમતી સમાજનો માત્ર ઉપયોગ કર્યો

અમદાવાદ6 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIM પણ મેદાને છે. આમ આદમી પાર્ટી દ્વારા સામાન્ય માણસો તરફ વધુ ફોકસ રાખવામાં આવે છે પરંતુ હવે લઘુમતી સમાજ પણ આમ આદમી પાર્ટી તરફ વળ્યો હોય તેમ લાગી રહ્યું છે. લઘુમતી સમાજના લોકો પણ હવે આમ આદમીને એક વિકલ્પ તરીકે ગણી રહ્યા છે. દિવ્યભાસ્કરે શહેરના કોટ વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં લોકોએ જણાવ્યું હતું કે લઘુમતી સમાજનો દરેક રાજકીય પક્ષો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા તેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ હવે અરવિંદ કેજરીવાલના કામો અને તેમની શિક્ષણ, આરોગ્ય અને ફ્રી વીજળીને જાહેરાતને લઈ મુસ્લિમ મતદારો હવે આમ આદમી પાર્ટી તરફ આકર્ષિત થયા છે.

AAPના ગુજરાતમાં આવવાથી ભાજપમાં હડકંપ
જમાલપુર વિસ્તારના રહેવાસી ઈરફાન શેખે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યું છે પરંતુ આજ દિન સુધી શિક્ષણ કે આરોગ્ય અથવા તો મફત વીજળીની વાત કરી નથી પરંતુ અરવિંદ કેજરીવાલે ફ્રી શિક્ષણ અને વીજળી તેમજ આરોગ્યની વાત કરી છે. નરેન્દ્ર મોદી કહે છે વિકાસ કર્યો છે તો પછી શા માટે તેઓ ગુજરાતમાં આટલા બધા આંટાફેરા મારે છે. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં આવવાથી ભાજપમાં હડકંપ મચી ગયો છે અને મુસ્લિમો પણ હવે જાગૃત થઈ ગયા છે અને તેઓ પણ આમ આદમી પાર્ટીને મત આપે તેવી અમે પણ અપીલ કરી રહ્યા છીએ.

લઘુમતી સમાજ માત્ર ઉપયોગ જ કરાયો
સલીમ છીપાએ જણાવ્યું હતું કે, લઘુમતી સમાજ પણ હવે આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યો છે. આમ આદમી પાર્ટીના જે પાંચ મુદ્દા છે તે ખૂબ જ હવે હાઈલાઈટમાં આવ્યા છે. લઘુમતી સમાજના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને દરેક રાજકીય પક્ષો દ્વારા માત્ર ઉપયોગ જ કરાયો છે કઈ આપ્યું નથી અને હવે આમ આદમી પાર્ટી આવી છે માત્ર લઘુમતી નહીં પરંતુ અન્ય કોમને પણ સારી રીતે હેન્ડલ કરશે.

કોંગ્રેસે આશ્વાસન આપી ઉપયોગ કર્યો
મોહમ્મદ આરીફે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંને રાજ કર્યું છે. જેમાં ભાજપે કોમવાદ કરાવી અને કોંગ્રેસે માત્ર આશ્વાસન આપી ઉપયોગ કર્યો છે. ભાજપ કહે છે અમે ગરીબોની સેવા કરી પરંતુ ગેસનો બાટલો રૂ. 700નો હવે 1100 રૂપિયાનો કરી નાખ્યો છે. અરવિંદ કેજરીવાલે શિક્ષણ આરોગ્ય અને વીજળીની વાત કરી છે જે બહુ સારી વાત છે અને હવે અરવિંદ કેજરીવાલને લાવવાના છે.

અન્ય સમાચારો પણ છે...