ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બરવાળા તાલુકાના નાનકડા ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ સરકાર સફાળી જાગી તો ગઈ, પણ મંત્રીઓ કે રાજકીય નેતાઓ મોઢા સંતાડીને પોલીસ અધિકારીઓને આગળ ધરી રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાત બહારના ભાજપ શાસન સિવાયના કોઈ રાજ્ય કે શહેરમાં આવી કોઈ ઘટના બને તો ટ્વીટ કરવામાં ઉત્સાહી ભાજપના મંત્રીઓ-નેતાઓ આ મામલે 24 કલાકથી સોશિયલ મીડિયાથી અલિપ્ત થઈ ગયા છે.
તો બીજી તરફ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે, કેજરીવાલે સૌથી પહેલા ટ્વીટ કરી સવાલો ઉઠાવ્યા છે. જ્યારે કોંગ્રેસ મોડી જાગી છે અને ટોચના નેતાઓએ બરવાળાની મુલાકાત લીધી હતી.
બુટલેગરોની ધરપકડ કરીને સંતોષ માનવાના પ્રયાસો
બરવાળા તાલુકાના રોજીદ ગામમાં દેશી દારૂના કારણે લઠ્ઠાકાંડ થયા બાદ સરકાર આળસ મરડીને સફાળી જાગી છે. તાત્કાલિક અસરથી સરકારી રાહે સીટ બનાવી તપાસ ચાલુ કરી દીધી છે. બુટલેગરોની ધરપકડ કરીને સંતોષ માનવાના પ્રયાસો આદર્યા છે. એટલું જ નહીં, ઉત્સાહમાં આવી ગયેલી સરકારે સૌ પેહલા ગૃહ રાજ્ય મંત્રી ની પત્રકાર પરિષદ ગોઠવી દીધી, પછી થોડીક જ વારમાં ગૃહ રાજ્ય મંત્રીની પત્રકાર પરિષદ રદ કરી પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સ ગોઠવી દીધી હતી, તે જોતા એવું લાગે છે કે, લઠ્ઠાકાંડ જેવી ઘટના પછી રાજકીય નેતાઓ અને મંત્રીઓ જનતા અને મીડિયાથી દુર ભાગી રહ્યા છે.
જોયું જશે માની સરકાર અને તંત્ર ચૂપ થઈ જશે
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સામાન્ય જનતા માની રહી છે કે, આટલી મોટી ગંભીર ઘટના અને સરકારની ચૂક હોવા છતાં પણ બે ચાર પોલીસને સસ્પેન્ડ કરી, 10-15 બુટલેગરોની ધરપકડ કરી, મૃતકોના સગાઓને સહાય ચૂકવી મામલો પૂરો કરી દેશે. ફરી જ્યારે આવો લઠ્ઠાકાંડ સર્જાશે ત્યારે જોયું જશે એમ માની સરકાર અને તંત્ર ચૂપ થઈ જશે.
કેજરીવાલે ટ્વીટ કરતા જ ભાજપ સરકાર ભીંસમાં આવી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વારંવાર ગુજરાત આવીને ભાજપને જંગી બહુમતીથી જીતાડવા મહેનત કરી રહ્યા છે. આમ ગુજરાત સરકારની ચૂકના કારણે લઠ્ઠાકાંડ જેવી ઘટના સર્જાતા ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ પણ આ બાબતે ગંભીર નોંધ લીધી છે અને ગુજરાત સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવી શકે છે. ખાસ કરીને વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ એકદમ એક્ટિવ થઈ ગઈ છે, એટલું જ નહીં ગઈકાલે લઠ્ઠાકાંડની ઘટના બની તે જ સમયે આપના સુપ્રીમો કેજરીવાલ પણ ગુજરાતમાં હતા અને સૌથી પહેલા કેજરીવાલે જ ટ્વીટ કરી સરકાર સામે સવાલો ઉઠાવતા ભાજપ સરકાર ભીંસમાં આવી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.