સાહેબ મિટિંગમાં છે:ભાજપના કાર્યક્રમમાં કોર્પોરેટર અને કાર્યકરોએ ગાળો ભાંડી, મોબાઇલ વિના મંત્રીઓ ખરેખરા બેચેન બન્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી...

મધમાખીઓ ઊડી અને મંત્રીની ઓફિસના દરવાજા બંધ થયા
વાત છે સ્વર્ણિમ સંકુલ-1ની. અહીં બીજા માળે ઋષિકેશ પટેલની ચેમ્બર આવેલી છે. મંત્રીની ચેમ્બરમાં સોમવારની સાંજે અંધારુ થયું તો પણ મુલાકાતીઓની સંખ્યા ઘણી હતી. ચેમ્બરમાં પ્રવેશતા પહેલા લોબી પાસેની બારી નજીક એક લીમડાનું ઝાડ છે. આ ઝાડ પર મધપુડો બેઠો છે. અંધારું હતું અને એ જ સમયે એકાએક આ મધપુડા પરની મધમાખીઓ ઊડવા લાગી. અસંખ્ય મધમાખી એકાએક ઊડીને આ લોબીમાં આવવા લાગી, જેથી લોબીમાં રાહ જોઈને બેઠેલા લોકો આઘાપાછા થવા લાગ્યા, કેટલાંક તો ચાલ્યા ગયા. બીજી તરફ આ મધમાખીઓ ઓફિસમાં પ્રવેશવા લાગી, જેથી ઓફિસના દરવાજા બંધ કરવા પડ્યા. ઓફિસના દરવાજા બંધ કરવાને પગલે મુલાકાતીઓમાં પણ બે ફાંટા પડી ગયા હતા. જે લોકો અંદર હતા તે અંદર જ રહી ગયા અને જે બહાર હતા તે લોકોને બહારથી ચાલ્યા જવું પડ્યું હતું.

કોરોનાની મોકડ્રીલ યોજાઈ પણ મીડિયા ક્યાં છે?
કોરોનાની સ્થિતિ ફરી એક વખત વણસે તેવી દહેશત વચ્ચે સમગ્ર દેશમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં પણ આ મોકડ્રીલ યોજાઈ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે જાત તપાસ કરવા પહોંચ્યા હતા. તેમના આગમન અગાઉ આરએમઓ ઓફિસ ખાતે તમામ તંત્ર રાહ જોતું ગોઠવાઈ ગયું હતું. મંત્રીના આવવાની તૈયારી હતી. આ સમયે ગાંધીનગર શહેર ભાજપના એક ટોચના આગેવાન આવ્યા ત્યારે હોસ્પિટલ તંત્રએ તેમને પણ આવકાર્યા. આ નેતાએ આવી અને તમામ તૈયારીઓ થઈ ગઈ છે કે કેમ તેની જાણકારી મેળવી અને બાદમાં સહજ પણ તેઓ પુછી બેઠા કે , આ ઘટનાનું કવરેજ કરવા માટે મીડિયા ક્યાં છે ? આવો સવાલ પૂછતાની સાથે જ હાજર સિવિલ હોસ્પિટલના તબીબોએ કહ્યું કે, મીડિયા તેમની વ્યવસ્થિત જગ્યાએ ગોઠવાઈ ગયું છે અને કવરેજ યોગ્ય રીતે થશે જ.

ના ગમે તો'ય મોબાઈલ તો નહીં જ વાપરવા મળે
ગત સપ્તાહે બુધવારના રોજ પ્રથમ કેબિનેટ એવી મળી હતી કે જેમાં સચિવ, અધિક મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ મોબાઈલ લીધા વગર બેઠકમાં હાજર રહ્યા હતા. બીજી તરફ મંત્રીઓને પણ મોબાઈલ બહાર રાખવાની ફરજ પડી હતી. બેઠકમાં હાજર લોકોના કહેવા પ્રમાણે, મોબાઈલ વગર કોઈને ગમતું નહોતું સ્વાભાવિક છે કે વારંવાર ફોન બહાર કાઢી અને વારંવાર સ્ક્રોલ કરવાની ટેવ પડી છે પરંતુ શું થાય ? મુખ્યમંત્રીએ મોબાઈલ લાવવાની સ્પષ્ટ ના કહી દીધી છે એટલે ગમે કે ના ગમે? પણ મોબાઈલ હવે વાપરવા નથી જ મળવાનો એટલે આ ટેવ તો પાડવી જ પડશે.

પટાવાળા બુકે લઈને પોણો કલાક ઊભા રહ્યા પણ સ્વાગત ના થયું
કોરોનાની ગાંધીનગર ખાતે યોજાયેલી મોકડ્રીલ દરમિયાન આરોગ્ય મંત્રી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. તેમની મુલાકાત સમયે તેમનું સ્વાગત કરવા માટે હોસ્પિટલ તંત્રએ બુકેની પણ વ્યવસ્થા કરી હતી, જેને એક પટાવાળાને આપવામાં આવ્યા હતા. મંત્રી આવ્યા પણ ખરા અને જાત નિરીક્ષણ પણ કર્યું. બાદમાં તમામ મીડિયા સાથે વાતચીત કરી અને ફરીથી કોરોના હોસ્પિટલના બેડની સમીક્ષા પણ કરી. આશરે પોણો કલાક જેટલો સમય આ મુલાકાત ચાલી હતી ત્યારે આખીયે આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના પટાવાળા પાસે રહેલા બુકે હાથમાં ને હાથમાં જ રહી ગયા. આમ ના તો મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું કે ના તો તેમને બુકે આપવામાં આવ્યા.

પક્ષનો કોરડો વિંઝાયો ને અમદાવાદના ધારાસભ્યો CMના કાર્યક્રમમાં હાજર થઈ ગયા
કહેવત છે કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ જેને ભાજપના નેતાઓ પર સાર્થક સાબિત થઈ છે. ભાજપના પ્રદેશના નેતાઓ તરફથી મળેલા ઠપકાઓ અને સૂચનાઓ બાદ અમદાવાદના ધારાસભ્યો અને કોર્પોરેટરોએ હવે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર રહેવાનું શરૂ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રીના અમદાવાદમાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે ભાજપના નવા જ ચૂંટાયેલા ધારાસભ્યો અને કોર્પોરેટરો હાજર રહેતા નહોતા. આ બાબતે અનેક વખત સૂચનાઓ આપવામાં આવતી હતી છતાં પણ ધારાસભ્યો અને કોર્પોરેટરો આ સૂચનાઓને અવગણતા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યા બાદ અમદાવાદમાં મુખ્યમંત્રીનો 25 ડિસેમ્બરે કાંકરિયા કાર્નિવલનો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો. જેમાં ભાજપના સાત જેટલા ધારાસભ્યો અને 160માંથી 100થી વધુ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા, જે અંગેની પ્રદેશના નેતાઓ દ્વારા ગંભીરતાથી નોંધ લેવાઈ અને તાત્કાલિક અમદાવાદ શર સંગઠનની પ્રદેશના નેતા દ્વારા બેઠક લેવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરોને સૂચના આપવામાં આવી હતી કે જ્યારે પણ કાર્યક્રમો હોય ત્યારે હાજર રહેવું. જેથી આ બાબતની અસર 31મી ડિસેમ્બરના રોજ ફ્લાવર શોના ઉદઘાટન કાર્યક્રમમાં જોવા મળી હતી. મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શો નો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો જેમાં ભાજપના અમદાવાદના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો સવારે 9:30 વાગ્યે હાજર થઈ ગયા હતા. પ્રદેશના નેતાઓ તરફથી ઠપકાની મળેલી સોટીથી કાર્યક્રમમાં હાજર રહેવાની વિદ્યા મળી ગઈ હતી.

મોકડ્રીલના નામે ધારાસભ્યનું ચેકિંગના બદલે ફોટોસેશન
એક તરફ કોરોના સામે દેશવ્યાપી ચિંતા થઈ રહી છે અને હવે જો કોરોના આવે તો તેની સામે પણ તંત્ર સાબદું છે તે સંદર્ભે પૂરા દેશમાં સ્વાસ્થ્ય અધિકારીઓ અને જન પ્રતિનિધિઓ સાથે મળીને હોસ્પિટલોમાં સ્ટાફ અને સાધનોની સજ્જતા વિશે મોકડ્રીલ કરી રહ્યા છે. આ મોકડ્રીલ બેહદ ગંભીર બાબત છે અને એમાં જેટલી સાવચેતી રાખવામાં આવે તે ઉપયોગી થઈ શકે. પરંતુ જૂનાગઢમાં ધારાસભ્ય સિવિલ હોસ્પિટલમાં જઈ અને ચેકિંગ કરતા 114માંથી 99 કર્મચારી ગેરહાજર મળ્યા હતા. જ્યારે રાજકોટમાં સિવિલ સર્જન દ્વારા સોશિયલ મીડિયામાં મોકડ્રીલ પ્રીપેર્ડનેસના જે ફોટો મૂકવામાં આવ્યા છે તેની જબરી ટીકાઓ થઈ રહી છે. જેમાં મોકડ્રીલ માટે આવેલા ધારાસભ્યનું પુષ્પગુચ્છથી અભિવાદન થાય છે અને જાણે કોઈ સમારંભ હોય તેવું જોવા મળ્યું હતું.

ભાજપના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કોર્પોરેટર સહિતના કાર્યકરોએ ગાળો ભાંડી
રાજકોટ ગ્રામ્ય સીટના ભાજપના કાર્યકરોના યોજાયેલા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ભાજપનો વોર્ડ કક્ષાનો જૂથવાદ સપાટી ઉપર આવ્યો હતો અને ભાજપના એક જૂથના કોર્પોરેટર સહિતના કાર્યકરોની અવગણના થતા કોર્પોરેટર અને કાર્યકરોએ તડાફડી બોલાવી એક તબક્કે ગાળાગાળી પણ કર્યાની વિગતો બહાર આવી છે. આ કાર્યક્રમમાં ચૂંટણીમાં મજુરી કરનારા કાર્યકરો, કોર્પોરેટર, જિલ્લા પંચાયતના સભ્યોને નીચે બેસાડવામાં આવ્યા હતાં. જ્યારે જેની પાસે કોઈ હોદ્દા જ નથી તેવા પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિતનાઓને સ્ટેજ ઉપર સ્થાન અપાતા વાત વણસી હતી અને ગણગણાટ શરૂ થયો હતો.

આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન એક જૂથના કાર્યકરોના નામ જ નહીં બોલવામાં આવતાં વાત વધુ વણસી હતી. ભાજપના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે સર્જાયેલા વિવાદ વચ્ચે નવા ચૂંટાયેલા ધારાસભ્ય રમેશ ટીલાળાએ રાજકોટમાં અમે ચારેય ધારાસભ્ય સરળ છીએ તેવું જણાવતા, સ્ટેજ ઉપર બેઠેલા ધારાસભ્ય ઉદય કાનગડે વચ્ચે જ જણાવ્યું હતું કે, હું જરાય સરળ નથી. આ દરમિયાન રમેશ ટીલાળાએ વાત વાળી લેતા જણાવ્યું હતું કે, એક તો એવા હોવા જ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...