ગૃહમંત્રીનો કડક આદેશ:હર્ષ સંઘવીએ પ્રદીપસિંહના પગે પડીને આશીર્વાદ સાથે સવા કલાક લેસન લીધું, કહ્યું-કોઈ પોલીસ અધિકારીએ મારી પાસે આવીને સમય બગાડવો નહીં

અમદાવાદ3 મહિનો પહેલા
પૂર્વ ગૃહ રાજ્યમંત્રીના આશીર્વાદ લઈ રહેલા નવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી.
  • હર્ષ સંઘવીએ ખુરશી પર બેસવાનું મુહૂર્ત કઢાવ્યું અને 1.10 કલાકે ખુરશી પર બેઠા
  • પોલીસ અધિકારીઓએ મને મળવા આવવાની જરૂર નથી, હું રૂબરૂ આવીશઃ હર્ષ સંઘવી

ગુજરાત સરકારના નવા મંત્રીઓ આજે ચાર્જ સંભાળવા લાગ્યા છે. ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ પણ આજે કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવીએ ખુરશી પર બેસવાનું પણ મુહૂર્ત કઢાવ્યું હતું અને તેઓ બરાબર 1 કલાક અને 10 મિનિટે ખુરશી પર બેઠા હતા. આ સાથે જ તેમણે પોતાની કાર્યશૈલીને લઈ કેટલાક સંકેતો આપી દીધા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓએ મારી પાસે પોતાનો પરિચય (કોલ ઓન) આપવા આવવું નહીં અને ખોટો સમય બગાડવો નહી. હું રૂબરૂ મુલાકાત લઈશ. આમ, તેમણે આડકતરી રીતે કોઈ ખુશામત કરવા આવવું નહીં, એવો સંકેત આપી દીધો છે.

‘પ્રદીપસિંહ પાસેથી કઈ રીતે કામ કરવું એ માટેની સમજ કેળવી’
તેમણે આગળ કહ્યું હતું કે આજે સવારે જ મેં રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહના આશીર્વાદ લઈને સવા કલાકનું લેસન લઈને નવી જવાબદારી સંભાળવા આવ્યો છું. આજે મારા સિનિયર અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસેથી સવા કલાક સુધી લેસન લીધું છે અને કઈ રીતે કામ કરવું એ માટેની સમજ કેળવી છે.

‘આ કોઈ હોદ્દો નહીં, એક જવાબદારી છે’
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતભરના લોકોને વિનંતી કરું છે કે આ કોઈ હોદ્દો નથી કે સેલિબ્રેશનનો મોડ નથી. આ એક જવાબદારી છે અને એ સારી રીતે નિભાવવા માટે મેં સૌને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના બુકે કે ભેટ સાથે તમારે અહીં આવવાને બદલે સમય બચાવવા માટે ઈમેલના કે અન્ય ટેક્નોલોજિકલ માધ્યમથી તમારી ઈચ્છા દર્શાવી શકો છો. અમારા સૌ વડીલો જેમણે અહીં કામ કર્યું છે તે તમામને વંદન કરું છું. તેમણે શરૂ કરેલાં કાર્યોને આગળ વધારવા પ્રયાસો કરીશું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ આભાર માનું છું.

ભાજપના સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના મંત્રી તો છે જ, સાથે સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બનવાનો પણ રેકોર્ડ કર્યો છે. અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું. જ્યારે આઠ પાસ હર્ષે ગુજરાત ભાજપનો રેકોર્ડ તોડીને 36 વર્ષની વયે આ પદ હાંસલ કર્યું છે. જોકે બિનભાજપી સરકારમાં ગુજરાતમાં સૌથી નાની 35 વર્ષની ઉંમરે નરેશ રાવલ ગૃહરાજ્યમંત્રી બન્યા હતા.

હર્ષ રમેશકુમાર સંઘવીના પિતા પણ વેપાર સાથે સંકળાયેલા છે. શ્રીનગરના લાલચોકમાં 2011માં તિરંગો ફરકાવીને ચર્ચામાં આવ્યા હતા. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતીથી જીતીને આજે સૌથી નાની વયે 36 વર્ષની ઉંમરે ગૃહ રાજ્યમંત્રી બન્યા છે.