તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદમાં અડધા શટર ખુલ્લા રાખી છૂટથી ધંધા ધમધમતા રહ્યાં, લોકોએ પણ કોરોનાને ભૂલીને નિયમોના ઉલાળ્યા કરી ટોળે વળી ખરીદી કરી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • બાપુનગરમાં દુકાનો બંધ હોવા છતાં દુકાન બહારથી વેપાર કરે છે
  • દિવાળી જેવી ભીડ ત્રણ દરવાજા અને ભદ્રના પાથરણા બજારમાં જોવા મળી
  • કોરોના સામેની બેદરકારીથી અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની શકે છે

અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં આવેલા ત્રણ દરવાજા, કારંજમાં કર્ફ્યૂ અને મિની લોકડાઉનના નિયમની ઐસીતૈસી થઈ રહી હોવાનું દિવ્યભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે. એટલું જ નહીં પોલીસ સ્ટેશનની નજીકમાં જ લોકો ખરીદી કરવા નીકળ્યા છે. જેના કારણે ફરી કોરોનાની લહેર આવે તેવી શક્યતા છે. આવી જ સ્થિતિ બાપુનગર વિસ્તારમાં આવેલી મોબાઇલની દુકાનો પણ અડધા શટરે ખુલ્લી રહી છે. જ્યાં કોઈની રહેમનજર હેઠળ દુકાનદારો બહાર માણસ ઉભો રાખીને વેપાર કરતા જોવા મળ્યા છે. હવે કોરોનાની ત્રીજી વેવનું કારણ આ લોકો બની શકે છે.

કોરોનાની સામે આ બેદરકારી માટે જવાબદાર કોણ?
કોરોનાની બીજી લહેર ચાલુ થઇ છે, જેમાં હવે કેસ ધીરેધીરે ઓછા થવા લાગ્યા છે, જે માટે લોકોએ રાખેલા સેલ્ફ લોકડાઉન અને સરકાર તરફથી રાખવામાં આવેલા કેટલાક પ્રતિબંધો છે. પરંતુ હવે ફરીથી અમદાવાદમાં કેસો વધશે તેવું લાગી રહ્યું છે. આ માટે જવાબદાર કોણ છે? શહેરના કોટ વિસ્તારમાં લોકોની બેફામ ભીડ ઉમટી છે. ભીડમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ઉલાળ્યા સાથે ખરીદી કરતા જોવા મળ્યા હતા. જેનું કારણ એ પણ છે કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ અત્યારે મૂકપ્રેક્ષક બની છે.

હૈયેહૈયા દળાયા તેવી અને દિવાળીમાં જોવા મળતી ભીડ કોરોના કાળમાં મિની લોકડાઉન જોવા મળી
હૈયેહૈયા દળાયા તેવી અને દિવાળીમાં જોવા મળતી ભીડ કોરોના કાળમાં મિની લોકડાઉન જોવા મળી

કોટ વિસ્તારના ત્રણ દરવાજા અને કારંજમાં દુકાનો ખુલ્લી!
અત્યારે જીવન જરૂરિયાત સિવાયની તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેટલીક નક્કી કરેલી દુકાન સિવાય અન્ય દુકાન ચાલુ હોય તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ શહેરના કોટ વિસ્તારમાં આવેલા ત્રણ દરવાજા અને કારંજના બજારમાં ખુલ્લેઆમ દુકાનો ખુલ્લી રાખીને વેપાર કરવામાં આવે છે. જેમાં કપડાં,બૂટ,કટલરી,રમકડા સહિતની અનેક દુકાનો ચાલુ હતું અને રોડ પર પણ જાહેરમાં વેપાર ચાલી રહ્યો હતો.

પોલીસે સ્ટેશનથી 100 મીટરના અંતરે દુકાનમાં 25 લોકો
કારંજ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે જ આવેલી દુકાનમાં દિવ્યભાસ્કર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દુકાન આમ તો બંધ રાખવામાં આવી હતી. જેની બહાર એક માણસ ઉભો હતો. જે ગ્રાહકોને કપડાં લેવા હોય તો દુકાનનું શટલ ખોલીને અંદર પ્રવેશ આપતો હતો. દુકાનની અંદર પણ ચકાસતા દુકાન માલિક, સ્ટાફ અને ગ્રાહકો સહિત 20થી 25 વ્યક્તિઓ હાજર હતા. માત્ર એક દુકાન જ નહીં પરંતુ બાજુમાં આવેલી ચપ્પલ, ઘડિયાળ, કટલરી સહિતની અનેક દુકાનો ચાલુ હતી.

અડધા શટરે ખુલ્લી દુકાનમાં લોકો કપડાંની ખરીદી કરવા માટે ઉમટ્યા હતા
અડધા શટરે ખુલ્લી દુકાનમાં લોકો કપડાંની ખરીદી કરવા માટે ઉમટ્યા હતા

દિવાળીમાં જેવી અત્યાર ભીડ
બાદમાં ત્રણ દરવાજા જે કારંજ પોલીસ સ્ટેશનથી 200 મીટરના જ અંતર આવેલી છે. તેની પાસેના બજારમાં દિવાળીના સમયે બજારમાં થતી ખરીદી જેવો માહોલ હતો.700-800 વ્યક્તિઓના ટોળાની ભારે ભીડ બજારમાં જોવા મળી હતી. બજારમાં બેફામ લોકો વેપાર કરી રહ્યા હતા ત્યારે ખરીદી કરવા આવેલા અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. નજીકમાં જ પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેમ કોઈ કાર્યવાહી કાર્ય વિના બજારો ચાલુ રહેવા દીધા હતા.

બાપુનગરમાં મોબાઈલ માર્કેટ પણ અડધા શટરે ચાલુ
બાપુનગરમાં સ્થિતિ અલગ જોવા મળી હતી.બાપુનગરમાં આવેલું મોબાઈલનું મોટું બજાર આવેલું છે. જ્યાં નવા મોબાઈલ અને મોબાઈલ રિપેરીંગ થાય છે. હાલ બજાર બંધ રાખવા આદેશ છે તેમ છતાં અનેક દુકાનો અડધા શટલ સાથે ચાલુ છે અને વેપારીઓ ધંધો કરે છે. જ્યારે કેટલીક દુકાનો બંધ છે અને વેપારીઓ દુકાનની બહાર જ ઉભા રહીને આવતા જતા ગ્રાહકોને શું લેવું છે તેમ પૂછે છે. નવો મોબાઈલ અને મોબાઈલ રિપેરીંગ કરાવવો હોય તો પણ કરી આપવામાં આવે છે.

મોબાઈલ માર્કેટ પણ અડધા શટરે દુકાનો ખુલ્લી જોવા મળી હતી
મોબાઈલ માર્કેટ પણ અડધા શટરે દુકાનો ખુલ્લી જોવા મળી હતી

અમદાવાદમાં કહેવા પૂરતું મિની લોકડાઉન
અમદાવાદ શહેરમાં કહેવા માટે મિની લોકડાઉન છે પરંતુ હકીકત કઈક અલગ છે. બજારોની રિયાલિટી ચેક કરતા બજારો અનેક એવી દુકાનો છે. જે દેખાવા પૂરતી બંધ છે પરંતુ હકીકતમાં ચાલુ છે. આ જ સ્થિતિ રહી તો લોકો કોરોનાને હરાવી નહીં શકે અને તેમની જગ્યાએ કોરોના તેમને હરાવશે. અમદાવાદને ફરીથી કોરોનાનું એપી સેન્ટર બનતા સમય નહીં લાગે અને ફરીથી એમ્બુલન્સના સાયરન દરેક વિસ્તારમાં ગૂંજશે. અમદાવાદી હજુ પણ ચેતી જાવ સતર્કતા જ બચાવ છે.

અન્ય સમાચારો પણ છે...