તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રીપોર્ટ:અમદાવાદમાં બે ઈંચ વરસાદમાં જ AMCના પ્રિ-મોન્સુન પ્લાન પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાની પોલ ખુલી ગઈ

અમદાવાદ3 મહિનો પહેલા
ગરનાળામાં પાણી ભરાઈ જાય છે પણ પાણી કાઢવા માટે કોઈ કામગીરી ઝડપથી થતી નથી.
  • સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટને બે વાર ફોન કરવા છતાં તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

ચોમાસા દરમ્યાન અમદાવાદ શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાઓ ન રહે અને માત્ર બેથી ત્રણ કલાકમાં પાણી નીકળી જાય તેવી વ્યવસ્થા કરવા માટે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનની મોટી મોટી વાતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ કરે છે. અમદાવાદ શહેરમાં માત્ર એક કે બે ઈંચ વરસાદના કારણે ગરનાળાઓમાં ભરાતા પાણીથી પ્રિ-મોનસૂન તેમજ વોટર ડ્રેનેજ પાછળ ખર્ચાતા લાખો કરોડો રૂપિયાની પોલ ખુલી ગઈ છે.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ બુધવારે રાતે વરસાદ બાદ હાથીજણ પાસે રિંગ રોડ પર આવેલા એક ગરનાળામાં પાણી ભરાતા ગાડી ફસાઈ ગઈ હોવા અંગે ટ્વીટ કર્યું હતું. પીક-અપ વાન પાણીમાં ફસાતા અનેક શ્રમિકોના જીવ જોખમાં મુકાયા હતા. દર વર્ષે અમદાવાદ મહાનગર પાલીકા દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સુન પ્લાનના નામે કરોડો રૂપિયા ખર્ચો કરે છે. પરંતુ કામ ના નામે માત્ર મીંડુ હોય છે. ચાલુ વર્ષે પણ AMC એ જાહેરાત કરી હતી કે શહેરમાં પ્રિ-મોન્સુન પ્લાન તૈયાર છે. જો કે તેનો અમલ જોવા મળ્યો નથી.

વોટર એન્ડ ડ્રેનેજ કમિટિના ચેરમેન શું કહે છે?
વોટર એન્ડ ડ્રેનેજ કમિટિના ચેરમેન જતીન પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં 48 વોર્ડમાં આવેલી 51 હજાર જેટલી કેચપીટ બે વખત સાફ કરી દેવામાં આવી છે. ગરનાળામાં પાણી ભરાવવાની સમસ્યા હોય ત્યાં સમ્પ મૂકી અને પમ્પથી પાણી બહાર ઉલેચવાની કામગીરી કરવામાં આવે છે. જ્યાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી નથી થતો અને પાણી ભરાવવાની સમસ્યાઓ છે ત્યાં મશીનો દ્વારા પાઈપની સફાઈ કરાવવામાં આવી છે. વોટર ડ્રેનેજ પાછળ કેટલા રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે અને ખર્ચ મામલે તેઓએ જણાવ્યું હતું કે મારે તો તે માટે જોવું પડશે.. જ્યારે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટને બે વાર ફોન કરવા છતાં તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા
બુધવારે રાતે અમદાવાદ શહેરમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં અનેક વિસ્તારોમાં અને ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. Divyabhaskarએ શહેરમાં આવેલા ગરનાળામાં ભરાતા પાણીનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. કાળીગામ અને ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા ગરનાળામાં તપાસ કરતા કાળીગામ ગરનાળામાં પાણી ભરાયેલું હતું. વાહનોને પાણીમાં થઈને જવુ પડતું હતું. માત્ર એક ઇંચ વરસાદમાં જ ગરનાળામાં અડધું વાહન ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાઈ ગયું હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાઢવા માટે પંપ મુકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી.

અંડરપાસમાં ભરાયેલા પાણીમાં શ્રમિકોને લઈ જતી પીક અપ વાન ફસાઈ
અંડરપાસમાં ભરાયેલા પાણીમાં શ્રમિકોને લઈ જતી પીક અપ વાન ફસાઈ

પાણી ઉલેચવા માટે પમ્પ મુકવામાં આવ્યા હતા
સ્થાનિક રહીશો સાથે Divyabhaskarએ વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે કાળીગામ ગરનાળામાં પાણી ભરાવવાની વર્ષોથી સમસ્યા છે. જો એક કલાક ભારે વરસાદ પડે તો આખું ગરનાળુ ભરાઈ જાય છે અને વાહનવ્યવહાર બંધ કરવો પડે છે. દર વર્ષે જો એક દિવસ જોરદાર વરસાદ પડે તો કાળીગામ ગરનાળુ એક અઠવાડિયા સુધી બંધ રાખવું પડે છે.ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયું હતું. રાતે વરસાદ બાદ ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. ગરનાળામાંથી વાહન જઈ શકે નહીં એટલું પાણી ભરાઈ જતા બંધ કરવું પડ્યું હતું. પાણી ઉલેચવા માટે પમ્પ મુકવામાં આવ્યા હતા.

ગરનાળામાંથી પાણી ઝડપથી નીકળે તેવી કોઈ કામગીરી દેખાતી નથી
ગરનાળામાંથી પાણી ઝડપથી નીકળે તેવી કોઈ કામગીરી દેખાતી નથી

ગરનાળામાંથી પાણી કાઢવાની કોઈ કામગીરી નથી
ગરનાળુ બંધ હોવાના કારણે વાહનચાલકોને બે કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે. દર વખતે આ સમસ્યા સર્જાય છે. કેટલાક વાહનચાલકોએ તો સાઈડમાંથી વાહનના પાટા ક્રોસ કરી જવાની ફરજ પડી હતી. આવા અનેક ગરનાળા છે પરંતુ ત્યાંથી ઝડપથી પાણી નીકળે તેવી કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ઝડપથી નીકળતું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રિ-મોન્સૂનની કામગીરી અંગે વાતો કરે છે પરંતુ ગરનાળામાંથી પાણી ઝડપથી નીકળે તેવી કોઈ કામગીરી દેખાતી નથી.

અન્ય સમાચારો પણ છે...