વારસાના રખેવાળ:અમદાવાદમાં MHTએ ઢાળની પોળમાં રીવાઇટલાઇઝેશન પ્રોજેક્ટ મારફતે જીવંત વારસાને રહેવા યોગ્ય બનાવવા માટેની ભવિષ્યની યોજના રજૂ કરી

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોળમાં જાહેરસ્થળોમાં વધારો કરવામાં મદદરૂપ થવા આ પ્રોજેક્ટમાં સામુદાયિક સહભાગીદારીનો સમાવેશ કરવામાં આવ્યો

વારસાનું સંરક્ષણ કરવામાં સામુદાયિક સહભાગીદારી એ દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદના જીવંત વારસાને દેશની નવી પેઢી અને મોટા પાયે લોકો માટે જીવંત અને પ્રાસંગિક રાખવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ વિચારને આગળ વધારવા માટે અમદાવાદ સ્થિત મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT)એ ઢાળની પોળ ખાતે હેરિટેજ રીવાઇટલાઇઝેશન પ્રોજેક્ટનું નેતૃત્ત્વ કરી અમદાવાદના જીવંત વારસા સમાન અમદાવાદની પોળોને વધુ રહેવા યોગ્ય બનાવવાની ભવિષ્યની યોજના દર્શાવી હતી.

સેપ્ટ યુનિવર્સિટીના નિષ્ણાતોની સાથે મળીને પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો
ઢાળની પોળનો સાર્વજનિક ક્ષેત્ર સુધારણા પ્રોજેક્ટ એ MHT દ્વારા હાથ ધરવામાં આવેલી એક મોટી પહેલનો એક હિસ્સો છે, જેનો ઉદ્દેશ્ય આ પોળોમાં રહેવાની પરિસ્થિતિને સુધારવાનો છે, કારણ કે, તે ઓછી આવકના આવાસીય સ્ટૉકની રચના કરે છે.
સેપ્ટ યુનિવર્સિટીના નિષ્ણાતોની સાથે ભેગા મળીને પાઇલટ પ્રોજેક્ટ ‘પબ્લિક એરીયા એન્હાન્સમેન્ટ ઇન ધી હેરિટેજ પ્રીસિન્ક્ટ્સ ઑફ ઢાળની પોળ’ની પરિકલ્પના વર્ષ 2015માં કરવામાં આવી હતી અને 250 મીટરના પટ્ટા માટે તેને વર્ષ 2016માં લૉન્ચ કરવામાં આવ્યો હતો, જેના માટે MHTએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC) સાથે એક એમઓયુ કર્યું હતું. ત્યારપછી, MHTએ SELCO ફાઉન્ડેશન સાથે સહભાગીદારી કરી હતી અને પ્લાનિંગ અને ડીઝાઇનના નિષ્ણાતો પાસેથી ટેકનિકલ માર્ગદર્શન મેળવવાનું ચાલું રાખ્યું હતું.

ઝમણ કૂવા વડે વરસાદી પાણીના એકત્રિકરણની સિસ્ટમને ઇન્સ્ટોલ કરવી
આ પ્રોજેક્ટના ભાગરૂપે MHTએ ઘણાં હસ્તક્ષેપોનું નેતૃત્ત્વ કર્યું હતું, જેમ કે, ચબુતરા, સાર્વજનિક કુવા, પોળમાં આવેલા હેરિટેજ માળખાં, ખાનગી માલિકીના વરસાદી પાણીના સંગ્રહના ટાંકાનું સંરક્ષણ અને જીર્ણોદ્ધાર કરવો તથા હેરિટેજ ઇમારતોના રવેશોનું સમારકામ કરવું અને તેનું ફરીથી રંગરોગાન કરવું, વિસ્તારોનું સીમાંકન કરીને પાર્કિંગની જગ્યાઓનું આયોજન કરવું, સ્ટ્રીટ લાઇટના નેટવર્ક તથા ડ્રાય-હાઇડ્રેન્ટ આધારિત અગ્નિશામક સિસ્ટમ અને ઝમણ કૂવા વડે વરસાદી પાણીના એકત્રિકરણની સિસ્ટમને ઇન્સ્ટોલ કરવી.

સેપ્ટ યુનિવર્સિટીના નિષ્ણાતો તરફથી ટેકનિકલ માર્ગદર્શન મળ્યું
સમુદાય કેન્દ્રી અને સહયોગાત્મક અભિગમ મારફતે આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવા માટે MHTએ જાહેર સંસ્થાઓ અને ખાનગી પ્લેયરોને તેમાં સામેલ કર્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટનું અમલીકરણ SELCO ફાઉન્ડેશન સાથેની સહભાગીદારીમાં અને સેપ્ટ યુનિવર્સિટીના નિષ્ણાતો તરફથી મળેલા ટેકનિકલ માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યું છે. પાછળથી તેને એચટી પારેખ ફાઉન્ડેશન, ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશન, એમ. એસ. ખુરાના એન્જિનીયરિંગ લિમિટેડ તરફથી પણ સહાય મળી હતી. બીએસએનએલ, જીટીપીએલ, ટોરેન્ટ પાવર અને એચડીએફસી જેવી પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ અને ખાનગી એન્ટિટીઓએ નાણાં અને અમલીકરણના સંદર્ભમાં આ પહેલને સમર્થન પૂરું પાડ્યું હતું.

પ્રોજેક્ટ પહેલા MHTએ સામાજિક-આર્થિક સર્વે હાથ ધર્યો હતો
આ પ્રોજેક્ટનું અમલીકરણ કરતાં પહેલાં MHTએ સામાજિક-આર્થિક સર્વે હાથ ધર્યો હતો, જેણે ઉજાગર કર્યું હતું કે, ઇન્ટરવ્યૂમાં ભાગ લેનારા 84% પરિવારો માસિક રૂ. 15,000 કે તેનાથી ઓછી આવક ધરાવે છે; જ્યારે 78% પરિવારો પાણી, સ્વચ્છતા અને ઘન કચરાંના નિકાલ સહિતની મૂળભૂત સુવિધાઓ મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.

અમદાવાદના સદીઓ જૂના વારસાના રખેવાળ હોવાનો ગર્વ પેદા કરશે’
MHTના ટ્રસ્ટી સુશ્રી લલિતા કૃષ્ણસ્વામીએ જણાવ્યું હતું કે, ‘વારસાના મૂલ્ય પ્રત્યે જાગૃતિ, નાણાકીય અને ટેકનિકલ સંસાધનોનો અભાવ એ હેરિટેજ માળખાંઓ અને વિસ્તારોની અવનતિ ચાલું રહેવા પાછળના પ્રાથમિક પરિબળો હતાં. ઢાળની પોળનો પબ્લિક રીલેમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ એ MHT દ્વારા હાથ ધરવામાં આવેલી એક મોટી પહેલનો હિસ્સો છે, જેનો ઉદ્દેશ્ય જાહેરસ્થળોની સુધારણા અને પુનર્ગઠન, પોળની અંદર આવેલા સામુદાયિક સ્થળોના ઉત્થાન અને આસપડોસની જગ્યાને વધુ રહેવાલાયક બનાવીને પોળની અંદર રહેવાની સ્થિતિને સુધારવાનો છે. તે સમુદાયના સભ્યો અને પોળના નિવાસીઓમાં પોતીકાપણાની ભાવનાની સાથે-સાથે અમદાવાદના સદીઓ જૂના વારસાના રખેવાળ હોવાના ગર્વની ભાવના પણ પેદા કરશે.’

MHTએ AMC સાથે મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા
MHT પોળના સમુદાય અને ખાસ કરીને આ સમુદાયની મહિલાઓને પરિવર્તનના માધ્યમ બનાવવામાં વિશ્વાસ ધરાવે છે. આ પ્રોજેક્ટ માટે MHTએ શ્રેણીબદ્ધ કાર્યશાળોનું આયોજન કર્યું હતું, જેથી કરીને હેરિટેજ માળખાં અને ઇમારતોનો નકશો તૈયાર થઈ શકે, સમુદાયના મહિલા અગ્રણીઓમાં જાગૃતિ પેદા થઈ શકે, તેમને સંરક્ષણની પ્રવૃત્તિમાં સામેલ કરી તાલીમ આપી શકાય. આ વિશિષ્ટ કાર્યશાળાઓ AMCની હેરિટેજ ટ્રાન્સફર ઑફ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR) પૉલિસી પર પ્રકાશ પાડવા માટે હાથ ધરવામાં આવી હતી. આ જાહેર ક્ષેત્ર સુધારણા કાર્યનું અમલીકરણ કરવા માટે MHTએ AMC સાથે મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા.

બાળકોને હેરિટેજ વીકમાં હેરિટેજ વૉક યોજવાની તાલીમ અપાઈ
પોળના નિવાસીઓમાં પોતીકાપણા અને ગર્વની ભાવના પેદા કરવાની દ્રષ્ટિએ MHTએ પોળની મહિલાઓ અને બાળકોને દર વર્ષે વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન હેરિટેજ વૉક યોજવાની તાલીમ પણ આપી છે. આ હેરિટેજ વૉક દરમિયાન પોળના નિવાસીઓ મુલાકાતીઓને આસપાસના વિસ્તારમાં ફેરવે છે, વિવિધ માળખાંઓની વિગતો આપે છે, પોળની સંસ્કૃતિને સમજાવે છે તથા આ વારસા સાથે સંકળાયેલી વિવિધ કથાઓ કહે છે.

MHTના ડિરેક્ટ સુશ્રી બિજલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ‘લાંબાગાળે આ પ્રોજેક્ટ પાછળનો વિચાર હેરિટેજ મૂલ્ય ધરાવતા ખાનગી માળખાંઓના જીર્ણોદ્ધાર અને સંરક્ષણમાં અહીંના નિવાસીઓની સંલગ્નતા બદલ તેમને આર્થિક વળતર પૂરું પાડવાનો તથા પોળના હેરિટેજ મૂલ્યનો લાભ ઉઠાવી આ સમુદાયની મહિલાઓ માટે રોજગારીની તકો પેદા કરવામાં મદદરૂપ થવાનો પણ છે. આ પ્રકારના પ્રોજેક્ટને જાહેર, ખાનગી અને સામુદાયિક સહભાગીદારી મારફતે હેરિટેજ માળખાંનો જીર્ણોદ્ધાર કરવામાં મદદરૂપ થવા અમદાવાદની વિવિધ પોળ ખાતે આ જ પ્રકારની વધુને વધુ પહેલ હાથ ધરવા માટેનું એક ઉદાહરણ ગણાવો જોઇએ.’આ પ્રોજેક્ટમાંથી મળેલી શીખની મદદથી આ શહેરના હેરિટેજ વિસ્તારને સુધારવામાં મદદરૂપ થવાની સાથે-સાથે ભારતના આ પ્રકારના અન્ય શહેરોનો પુનરુદ્ધાર કરવા માટેની માર્ગદર્શિકાઓનું પણ નિર્માણ થઈ શકે છે. એડબ્લ્યુએચસીટીના ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યુટી અને એએમસીના નિવૃત્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉત્પલ પડિયાએ જણાવ્યું હતું કે, ‘સમૃદ્ધ આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થઈ રહી હોવા છતાં શહેરી માહોલમાં આવેલા વિસ્તારો અધોગતિ પામી રહ્યાં છે.

નાગરિક સુવિધાઓને સુધારવા માટે AMCનો સહકાર મળ્યો
આ સંદર્ભમાં લિવેબિલિટી ઇન્ડેક્સને સુધારવા માટે જાહેરક્ષેત્રનું પુનરુત્થાન કરવું એ ખૂબ જ મહત્ત્વનો અનુવર્તી અને સંકલિત અભિગમ છે. જાહેરક્ષેત્રની કાયાકલ્પ કરવા, નાગરિક સુવિધાઓને સુધારવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે સહકાર સાધવા અને નિષ્ણાત એજન્સીઓ દ્વારા જીર્ણોદ્ધાર કરવા સિવાય ઢાળની પોળનું પુનરુત્થાન કરવાની એમએસટીની આ પહેલ ઘણાં અર્થમાં વિશિષ્ટ છે. આથી વિશેષ, શહેરની પરિસીમામાં આવેલા આ વિસ્તારો, ઇમારતોના રવેશોમાં સૌંદર્યલક્ષી સુધારણા કરવી અને તેનું ફરીથી રંગરોગાન કરવાથી લોકોની દ્રશ્યરુચિ પણ વધી છે. આ પ્રકારની પહેલે વર્લ્ડ હેરિટેજના હાર્દસમા વિસ્તારનું પુનરુત્થાન કરવાની પદ્ધતિને ચોક્કસપણે સુધારી છે.’

અન્ય સમાચારો પણ છે...