2022ના વર્ષમાં જૂન માસમાં અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. આ માટે હાલમાં મેટ્રો રેલના કર્મચારીઓ દ્વારા દિવસરાત કામગીરી કરવામાં આવી રહી છે. લોકસભામાં સરકારે આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજા તબક્કાનું કામ 6.50 ટકા પૂરું થયું છે. બીજા તબક્કાની મેટ્રો ડિસેમ્બર 2023માં દોડશે, એમ કેન્દ્ર સરકારના મંત્રીએ લોકસભામાં જણાવ્યું છે.
લોકસભામાં સરકારે મેટ્રો રેલની કામગીરીની માહિતી આપી
ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કર્ણાટકના સાંસદ સુમલથા અંબરીશ અને કોંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશે મેટ્રો રેલની કામગીરી અંગે પૂછેલા સવાલના જવાબમાં હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના રાજ્યમંત્રી કૌશલ કિશોરે મેટ્રો રેલની કામગીરીની પ્રગતિ વિશે માહિતી રજૂ કરી હતી, જેમાં ગુજરાતમાં અમદાવાદ અને સુરતની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં હાલમાં ફેઝ-1 અને ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે. એ ઉપરાંત સુરતમાં પણ મેટ્રો રેલની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં ફેઝ-1નું કામ 80.50 ટકા પૂર્ણ થયું
અમદાવાદમાં ફેઝ-1નું કામ 80.50 ટકા પૂર્ણ થયું છે, જેથી હવે ફેઝ-1ની મેટ્રો રેલ જૂન 2022 સુધીમાં દોડતી થઈ જશે. જ્યારે ફેઝ-2ની કામગીરી હજી 6.50 ટકા પૂર્ણ થયેલી છે, જેથી ફેઝ-2ની મેટ્રો ડિસેમ્બર 2023માં દોડતી થઈ જશે, એવું સરકારે લોકસભાના પ્રશ્નોત્તરીકાળમાં જણાવ્યું છે. અમદાવાદ સહિત સુરતમાં પણ મેટ્રોની કામગીરી પ્રગતિમાં હોવાનું સરકારે જણાવ્યું છે, પરંતુ સુરતમાં હજી મેટ્રોની કામગીરી માત્ર 3.45 ટકા જ પૂર્ણ થઈ છે, જેથી સુરતમાં હવે માર્ચ 2024માં મેટ્રો દોડતી થવાની શક્યતાઓ છે.
નોર્થ-સાઉથ કોરિડોરમાં 15 સ્ટેશન છે
મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીના 18.87 કિ.મી.લાંબા નોર્થ-સાઉથ કોરિડોરમાં 15 સ્ટેશન છે. સાબરમતી, એઇસી, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ઓલ્ડ હાઇકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયાંશ ક્રોસિંગ, રાજીવનગર અને જીવરાજ સ્ટેશન રહેશે. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરની લંબાઇ 21.16 કિ.મી. છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો કોરિડોર છે, એમાં 17 સ્ટેશન છે. નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એેપરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, ઓલ્ડ હાઇકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ સ્ટેશન વગેરે સ્ટેશનો રહેશે.
6.6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ બની ગયો
એપરલ પાર્કથી શાહપુર સુધી 6.6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ બની ગયો છે. કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર સ્ટેશન અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. હાલમાં અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. રેલવે-ટ્રેક પણ પાથરી દેવાયા છે અને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે. સાબરમતી નદી પરથી પણ મેટ્રો બ્રિજ પસાર થશે, જે હાલમાં બની ગયો છે. 298 મીટર લાંબો આ બ્રિજ અત્યાધુનિક પદ્ધતિથી બનાવાયો છે, જેમાં 1050 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. 5500 ક્યૂબિક મીટર ક્રોન્ક્રીટ વપરાયું છે. 6 પિલ્લર પર આ બ્રિજ ઊભો છે. 38.2 મીટરથી લઇને 43.8 મીટર સુધીનાં પિલ્લર છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને આ બ્રિજ જોડે છે. અમદાવાદમાં હાલમાં મેટ્રો રેલની કામગીરીને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે.
અમદાવાદ મેટ્રો ટ્રેનની 2003થી અત્યારસુધીની કામગીરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.