ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ-1ના નોર્થ-સાઉથ કોરિડોરમાં 20મી મેએ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી પહેલીવાર ટ્રાયલ કરાયું હતું. ત્યારે મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ટ્રાયલ ચાલુ રહેશે. તેમજ પ્રોજેક્ટના બાકીના કામને નિયત સમયમાં પૂર્ણ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ફેઝ-1માં 2 કોરિડોરની કામગીરી
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. 1) નોર્થ-સાઉથ કોરિડોર - ગ્યાસપુર ડેપોથી મોટેરા અને 2) ઇસ્ટ-વેસ્ટ કોરિડોર- થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ. ઉત્તર-દક્ષિણ (NS) કોરિડોરની લંબાઈ 18.89 કિલોમીટર છે તથા 15 એલિવેટેડ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે.ગ્યાસપુર ડેપોનું કામ પૂર્ણ થઇ ગયેલું છે, તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, 2022માં કરવામાં આવેલી હતી, ત્યારબાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવ્યા હતા.
ગ્યાસપુર ડેપોથી મોટેરા સુધી ટ્રાયલ
તા.20મી મે, 2022ના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ હાથ ધરી હતી. આ ટ્રાયલ દરમિયાન, મેટ્રો ટ્રેન એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈ મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી. હવે ટ્રાયલો ચાલુ રહેશે અને આગળની બાકી રહેતી કામગીરી પૂર્ણ કરવાની કાર્યવાહી થશે.
મેટ્રો રેલ સેફ્ટીના કમિશ્નરને નિરીક્ષણ માટે આમંત્રિત કરાશે
ગ્યાસપુર ડેપોનું અને ગ્યાસપુરથી મોટેરા સુધીની લંબાઇનું નિરીક્ષણ કરવા માટે કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સી.એમ.આર.એસ) ને વિનંતી કરવામાં આવશે. તેવી જ રીતે પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં પ્રગતિમાં છે. જીએમઆરસી, કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સી.એમ.આર.એસ)ને સ્થળ તપાસ માટે આમંત્રિત કરશે અને કાયદાકીય પ્રક્રિયા અન્વયે મેટ્રોના ઓપરેશન માટે મંજૂરી આપવા વિનંતી કરશે. ઓગસ્ટના અંત સુધીમાં બન્ને કોરિડોર કાર્યરત થઈ શકે તે પ્રમાણે કામગીરી ચાલી રહેલી છે.
માર્ચમાં મેટ્રોને પહેલીવાર 6.5 કિમી અંડરગ્રાઉન્ડ ટનલમાં ચલાવાઈ
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની ફેઝ 1ની કામગીરી હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ લિમિટેડ પૂર્વ અને પશ્ચિમ બંને કોરિડોર ઓગસ્ટ 2022 સુધીમાં શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે ગઈ 29મી માર્ચે વસ્ત્રાલના એપરેલ પાર્ક ખાતેના ડેપોથી ત્રણ કોચની એક મેટ્રો ટ્રેન એપરલ પાર્કથી મેટ્રો ટ્રેનને 6.5 કિમિ લાંબી કાંકરિયા અંડરગ્રાઉન્ડ ટનલમાંથી શાહપુર થઈ સાબરમતી નદીના બ્રીજ ઉપરથી ચલાવી ઈન્કમટેક્ષ ખાતે જૂની હાઈકોર્ટ સુધી દોડાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.