મેટ્રો કોર્ટે જામીન મંજૂર કર્યા:AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશીને 25 હજારના બોન્ડ પર શરતી જામીન, ફરી ભૂલ કરશે તો જામીન રદ થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મેટ્રોપોલિટન કોર્ટ - Divya Bhaskar
મેટ્રોપોલિટન કોર્ટ
  • પોસ્ટની મેટ્રો કોર્ટે ગંભીર નોંધ લઈ કહ્યું- અત્યારની પરિસ્થિતિમાં માહોલ ખરાબ કરી શકે
  • આજે દાનીશ કુરેશીની જામીન અરજી પર મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી
  • ચૂંટણી આવી રહી છે અને માહોલ બગાડવાના ઇરાદાએ આ કૃત્ય કરવામાં આવ્યું- સરકારી વકીલ
  • આરોપીને તેની ભૂલ સમજાઈ હોવાની બચાવ પક્ષના વકીલની દલીલ

મેટ્રોપોલિટન કોર્ટે AIMIMના પ્રવક્તા અને આરોપી દાનીશ કુરેશીને શરતી જામીન આપ્યા હતા. 25 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, કુરેશીએ પાસપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવવો પડશે. સાથે સાથે કોર્ટની મંજૂરી વગર પોતાનું સરનામું કે મોબાઈલ નંબર નહીં બદલી શકે. કોર્ટે કુરેશીને આ પ્રકારની ભૂલ ફરીવાર ન કરવાની શરતે જામીન મંજૂર કર્યા હતા અને કહ્યું હતું કે, આવી ભૂલ કરશે તો જામીન રદ થશે. દર મહિને 1થી 5 તારીખમાં જે તે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે.

દર મહિને 1થી 5 તારીખ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે
AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશી દ્વારા શિવલિંગ મુદ્દે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવા મામલે મેટ્રોપોલિટન કોર્ટે ગંભીર નોંધ લીધી છે. કોર્ટ આ બાબતે ટકોર કરતા કહ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિમાં આ પ્રકારની પોસ્ટ માહોલ ખરાબ કરી શકે છે. આજે AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશીની જામીન અરજી પર મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આગામી સમયમાં ચૂંટણી, માહોલ બગાડવાનો ઈરાદો- સરકારી વકીલની દલીલ
આ મામલે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને માહોલ બગાડવાના ઇરાદાએ આ કૃત્ય કરવામાં આવ્યું છે. જેથી આ મામલાની ગંભીરતા જોઇ આરોપીને જામીન ન આપવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. ઉપરાંત સરકારી વકીલે દલીલ કરી હતી કે, હાલના સમયમાં રાજસ્થાન અને અન્ય સ્થળો પર કોમી હુલ્લડો થયા છે, તેવામાં આવા પ્રકારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાથી બેદરકારી ગંભીર પરિણામો સર્જી શકે છે.

દાનીશ કુરેશી, AIMIM પ્રવક્તા
દાનીશ કુરેશી, AIMIM પ્રવક્તા

પ્રથમ વખત આ પ્રકારનો ગુનો કર્યો, માફ કરો- આરોપીના વકીલ
બીજી તરફ આરોપીના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, આરોપી પ્રથમ વખત આ પ્રકારનો ગુનો આચાર્યો છે, તેથી તેને માફ કરવામાં આવે, આરોપીને તેની ભૂલ સમજાઈ હોવાનો પણ બચાવ પક્ષના વકીલ તરફથી કહેવામાં આવ્યું હતું. આ મામલે હવે વધુ સુનાવણી મેટ્રોપોલિટન કોર્ટમા બપોર બાદ હાથ ધરાશે.

સમગ્ર મામલો શું હતો?
અમદાવાદના શાહપુરમાં રહેતો અને કટ્ટર માનસિકતા ધરાવતો દાનીશ હાલ જેલના સળિયા પાછળ છે. હિન્દુ ધર્મના દેવતા વિરુદ્ધ પોતાના સોશિયલ મીડિયામાં અભદ્ર વાત લખીને સમાજ વચ્ચે અંતર આવે અને લોકો વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશી પોતે ટીવી ચેનલના ડિબેટમાં મોટી મોટી બડાઇ મારતો હોય છે, ત્યારે ગઈકાલે અમદાવાદ સાયબર ક્રાઇમ તેના ઘરેથી તેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોઈપણ ધર્મના દેવી-દેવતા કે ધર્મ ગુરુ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવાનું સરકારે મન બનાવી લીધું છે, ત્યારે સાયબર સેલની એક ખાસ ટીમ આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખતી હતી.

દાનીશે અત્યંત અભદ્ર ભાષામાં લખાણ લખ્યું હતું
અમદાવાદ સાઇબર ક્રાઇમના એસીપી જીતુ યાદવે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા એનાલિસિસ ટીમ ખાસ એવા એકાઉન્ટ પર નજર રાખતી હોય છે કે જેમાં કોઈની લાગણી દુભાય અને તેના કારણે સમાજમાં કોઈ ખરાબ પરિસ્થિતિ સર્જાય એવા સોશિયલ મીડિયાના પોસ્ટ, ટ્વીટ અને લખાણ પર ધ્યાન હોય છે. તાજેતરમાં એક ટ્વિટર એકાઉન્ટ દાનીશ કુરેશી નામનું સાઇબર ક્રાઇમની ટીમની નજરે ચડ્યું હતું. જેમાં તેણે હિન્દુ ધર્મના દેવી-દેવતા વિરુદ્ધ અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને લખાણ લખ્યું હતું.

દાનીશ કટ્ટર માનસિકતા ધરાવે છે
આ વાતની જાણ થતા દાનીશ કુરેશીની સામે કાર્યવાહી કરવામાં આવી છે. દાનીશ કુરેશી મૂળ અમદાવાદના શાહપુરનો રહેવાસી છે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમયથી ટીવી ચેનલની ડિબેટમાં આવીને પોતે મોટી-મોટી વાતો કરનાર દાનીશ કુરેશી પોતે કેટલી કટ્ટર માનસિકતા ધરાવે છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી છતું થયું છે.

અન્ય સમાચારો પણ છે...